• Gujarati News
  • Business
  • Crisis Looms Over Corporate Companies In Gujarat Employees Expect 8 15 Per Cent Growth In Salary

આફત:ગુજરાતની કોર્પોરેટ કંપનીઓ પર તોળાતું સંકટ કર્મચારીઓને સેલરીમાં 8-15 ટકા ગ્રોથની આશા

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
  • કોર્પોરેટ સેક્ટરને ઇનપુટ કોસ્ટનું બર્ડન, કર્મચારીઓ પર મોંઘવારીનો બોજ…
  • ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથનું પુરવાર જીએસટી કલેક્શન, જીએસટીમાં દેશમાં ગુજરાત ટોપ થ્રીમાં

આશાઓ અને ઉમેદ સાથે નવું શરૂ થનારુ નાણાકિય વર્ષ કર્મચારીઓ માટે નવી આશાનું કીરણ લઇને આવે છે. સામાન્ય રીતે કોર્પોરેટ કંપનીઓ નવા નાણાંકિય વર્ષથી કર્મચારીઓને એપ્રાઇઝલ (પગાર વધારા)ની જાહેરાત કરે છે. મહામારીના બે વર્ષ બાદ કોર્પોરેટ કંપનીઓ આર્થિક સંક્રમણમાંથી બહાર આવી ચૂકી છે ત્યારે ગુજરાતના કર્મચારીઓ 10 ટકાથી વધુ પગાર વધારાની આશા સેવી રહ્યાં છે. મોંઘવારી જે રીતે વધી રહી છે તેને ધ્યાનમાં લેતા પગારમાં વૃદ્ધિ 10 ટકાથી વધુ આવશ્યક છે.

છેલ્લા એકાદ-બે વર્ષથી વાર્ષિક ધોરણે તમામ ચીજવસ્તુઓનો ફુગાવો પણ 10-15 ટકાથી વધુ રહ્યો છે અને મહામારીમાં અનેક સેક્ટરે ગતવર્ષે પણ પગાર વધારો ટાળ્યો હતો જે આ વર્ષે આપવો પડે તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. બીજી તરફ કોર્પોરેટ કંપનીઓ માટે પગારમાં વધારો બોજ સમાન છે. મોટા ભાગની કોર્પોરેટ કંપનીઓ તથા મેન્યુફેક્ચરીંગ ઇન્ડસ્ટ્રીઝ કાચા માલની તેજી (ઇનપૂટ) ખર્ચનો બોજો સહન કરી રહી છે. જેના પરિણામે કંપનીઓના નફાના માર્જિન સાવ સંકળાઇ ચૂક્યા છે એટલું જ નહીં અમુક સેક્ટર તો નુકસાનમાં છે આવા સંજોગોમાં પગાર વધારો આપવો તે કડવો ઘુંટડો સાબીત થશે તેવું અનુમાન કરી રહ્યાં છે.

ગુજરાતમાં 2000થી વધુ કર્મચારીઓ અને 350થી વધુ કંપનીઓ પાસે સ્ટ્રેટેફિક્સ કન્સલ્ટન્સી દ્વારા કરવામાં આવેલ સરવેમાં જાણવા મળ્યું છે કે રૂ.10000થી 50000 સુધીનો દર મહિને પગાર ધરાવતા કર્મચારીઓ ઓછામાં ઓછા 10 ટકા પગાર વધારાની રાહમાં છે. બીજી તરફ અનેક કંપનીઓ પર પણ ખર્ચનો બોજો છે જેના કારણે દિવાળી પર પગાર વધારો આપવો તેવી રણનીતિ ઘડાઇ રહી છે. 30 ટકા સ્કીલ કર્મચારીઓ એવું વિચારી રહી છે કે જો અનુમાન મુજબ પગારમાં વધારો નહીં મળે તો નોકરી બદલશું.

સ્ટ્રેટેફિક્સ કન્સલ્ટિંગના કો-ફાઉન્ડર ચિરાગ પટેલ દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ 68 ટકા બિઝનેસમેન 7-10 ટકા સુધી, 26 ટકા બિઝનેસમેન 10-12 ટકા સુધી જ્યારે 6 ટકા બિઝનેસમેન 12 ટકાથી વધુ પગાર વધારાની તરફેણમાં છે. તેની સામે 28 ટકાથી વધુ કર્મચારીઓની અપેક્ષા 12 ટકાથી વધુ પગારમાં વૃદ્ધિ થાય તેવી છે. ગુજરાતની મોટા ભાગની કંપનીઓએ મહામારીના કારણે બિઝનેસ રિ-સ્ટ્રક્ચર કર્યો હતો જેના પરિણામે આર્થિક કટોકટીનો સામનો નહિવત્ કરવો પડ્યો છે.

ફાર્મા, ઇ-કોમર્સ, ઓટો, સિરામિક, આઇટી તથા એફએમસીજી સેક્ટર પોઝિટિવ ગ્રોથમાં છે. ગુજરાતમાં રોજગારી માટેના દ્વાર ખુલવા સાથે સેલરીમાં 5-12 ટકા ગ્રોથ જોવા મળશે. દેશમાં સૌથી ઓછા બેરોજગારી દરમાં ગુજરાત ત્રીજા ક્રમે રહ્યું છે. વિદેશી રોકાણકારોની પસંદ ગુજરાત રહી છે. ઓટો, ફાર્મા, એન્જિનિયરિંગ, ઇ-કોમર્સ સેક્ટરમાં ગુજરાતમાં આગામી સમયમાં મોટા પાયે રોકાણ આવશે જેના કારણે રોજગારી વધશે. વર્ષ 2011-12માં ગુજરાતમાં બે રોજગારી દર એક ટકાથી પણ ઓછો હતો જે કોરોના સમયમાં વધીને 18 ટકા સુધી પહોંચ્યા બાદ ફરી રિકવર થઇ અત્યારે 4-5 ટકા આસપાસ છે જે ફરી ઘટીને 4 ટકાની અંદર પહોંચી જવાનો અંદાજ છે. આગામી સમયમાં અનેક સેક્ટરમાં મજબૂત ગ્રોથના કારણે રાજ્ય સરકારને પણ જીએસટીની આવકમાં ફાયદો થશે.

અન્ય રાજ્યોની તુલનાએ રાજ્યમાં સેલેરી ગ્રોથ સારો, ફાર્મા-આઇટી સેક્ટરનો મજબૂત ગ્રોથ
મેન્યુફેક્ચરિંગ તથા ઝડપી ગ્રોથ સાધતા સેક્ટરમાં આગામી વર્ષ સુધીમાં 2.5 લાખ નવી રોજગારીનું સર્જન થશે. મહામારીમાં પણ ગુજરાતના કોર્પોરેટ સેક્ટરે 5-16 ટકા સુધીનો ગ્રોથ હાંસલ કર્યો છે જેથી કંપનીઓ સરેરાશ 2-12 ટકા સુધી ઇન્ક્રીમેન્ટ આપવા વિચારી રહી છે. અમુક સેક્ટરમાં ઇન્ક્રીમેન્ટની પ્રોસેસ થઇ ચૂકી છે. - ભાવેશ ઉપાધ્યાય, એચઆર એક્સપર્ટ.

કર્મચારીઓની અપેક્ષા વધુ, કોર્પોરેટ ક્ષેત્ર મુશ્કેલીમાં
દરેક કર્મચારીની નજર પગાર વધારા પર હોય છે અને ઉદ્યોગકારની નજર પર્ફોમન્સ અને બેલેન્સશીટ પર હોય છે. મોટા ભાગની કંપનીઓમાં પગાર વધારવા માટે રાજી છે પરંતુ કેટલો તે મુદ્દે મૌન સેવી રહી છે. વેપારમાં વૃદ્ધિ થઇ છે તેની સાથે કંપનીની ઇનપૂટ કોસ્ટ બમણી થઇ છે જેથી બિઝનેસમેન કેટલા ટકા વૃદ્ધિ આપવી તે મુદ્દે અસમંજસમાં છે. 80-85 ટકા કંપનીઓ વૃદ્ધિ આપવા સહમત છે. - ચિરાગ પટેલ, કો-ફાઉન્ડર સ્ટ્રેટેફિક્સ કન્સલટિંગ

સાયબર સિક્યોરિટી, AI ટેક્નો.માં સારો ગ્રોથ
આઇટી સેક્ટરમાં નવા ઉભરતા સેગમેન્ટ જેમકે સાયબર સિક્યોરિટી, AI ટેક્નોલોજી, ડેટા હેન્ડલિંગમાં ગ્રોથ જોવા મળ્યો છે. આ સેગમેન્ટમાં સ્કિલ કર્મચારીઓની ઉણપ છે તેના પરિણામે કંપનીઓ વેગ આપવા અને પ્રોત્સાહિત કરવા માટે પગારમાં સારો ગ્રોથ આપે તેવી સંભાવના છે. અન્ય સેક્ટરમાં પણ 9-10 ટકા સુધીનો ગ્રોથ કર્મચારીઓને કંપનીઓ આપે તેવું અનુમાન છે. - ડો.અવનિ ઉમટ, પ્રોવોસ્ટ, ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સીટી,વડોદરા

અન્ય સમાચારો પણ છે...