દેશમાં જાન્યુઆરી મહિના દરમિયાન વધતા આધુનિકીકરણ તેમજ કોવિડ પૂર્વેના સ્તર કરતાં ગ્રાહકોમાં ભરોસો વધવાને કારણે ક્રેડિટ કાર્ડથી બાકીની રકમ 29.6% વધીને રૂ.1.87 લાખ કરોડ સાથે સર્વોચ્ચ સ્તરે પહોંચી છે. રિઝર્વ બેન્કના ડેટા અનુસાર ચાલુ નાણાકીય વર્ષના પહેલા 10 મહિના દરમિયાન ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. જૂનમાં સૌથી વધુ 30.7 ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો. SBI કાર્ડના MD & CEO રામા મોહન રાઓ અમારાએ જણાવ્યું હતું કે અનેક કેટેગરીનું ડિજીટાઇઝેશન શક્ય બન્યું છે જેને કારણે અત્યારના ક્રેડિટ કાર્ડ ગ્રાહકો દ્વારા વપરાશ વધ્યો છે.
ક્રેડિટ કાર્ડ મારફતે ચૂકવણીમાં સરળતાના કારણસર કેટલીક કેટગરીમાં ખર્ચમાં વધારો થયો છે. જેમાં હેલ્થ એન્ડ ફિટનેસ, એજ્યુકેશન, યુટિલિટી બિલ્સનો સમાવેશ થાય છે. ક્રેડિટ કાર્ડ વપરાશના માસિક ટ્રેન્ડમાં પણ છેલ્લા કેટલાક મહિનાથી વપરાશમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરી, દરમિયાન ક્રેડિટ કાર્ડ મારફતે ખર્ચ ડિસેમ્બર, 2022ના રૂ.1.26 લાખ કરોડથી વધીને રૂ.1.28 લાખ કરોડ નોંધાયો છે. જો વાર્ષિક ગ્રોથની દૃષ્ટિએ જોઇએ તો તેમાં 45%ની વૃદ્ધિ જોવા મળી છે. વાસ્તવમાં, છેલ્લા 11 મહિના દરમિયાન ક્રેડિટ કાર્ડ ખર્ચ રૂ.1 લાખ કરોડના સિમાચિહ્નને ઉપર રહ્યો છે.
જાન્યુઆરી, 2023ના અંતે અલગ અલગ બેન્કો દ્વારા 8.25 કરોડ ક્રેડિટ કાર્ડ્સની ફાળવણી કરવામાં આવી હતી. દેશમાં સૌથી વધુ ક્રેડિટ કાર્ડ ઇસ્યૂ કરવામાં HDFC બેન્ક, એસબીઆઇ કાર્ડ, એક્સિસ બેન્ક, ICICI બેન્ક, કોટક બેન્ક સામેલ છે. એન્ડ્રોમેડા લોન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન વી સ્વામિનાથને જણાવ્યું હતું કે, મોર્ગેજ અને બિઝનેસ લોન્સ જેવી સિક્યોર્ડ લોન્સનો ટ્રેન્ડ ઘટ્યો છે.
ક્રેડિટકાર્ડ આઉટસ્ટેન્ડિંગ વધીને 29.6%
ભારતીય રિઝર્વ બેન્કના ડેટા અનુસાર જાન્યુઆરી, 2023 દરમિયાન ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગમાં વાર્ષિક 29.6%ની વૃદ્ધિ જોવા મળી હતી, જે વર્ષ અગાઉ 10 ટકા હતો. ત્યારથી જાન્યુઆરી, 2022માં બાકીની રકમ વધીને રૂ.1,41,254 કરોડ અને જાન્યુઆરી, 2023 દરમિયાન રૂ.1,86,783 કરોડ રહી છે. RBIના સરવે અનુસાર ગત વર્ષ અને અત્યારના વર્ષ માટે કન્ઝ્યુમર કોન્ફિડન્સમાં સુધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.