રિયલ એસ્ટેટમાં અગ્નિવીરોને રોજગારીની બાંહેધરી:ક્રેડાઈ ગુજરાતે અગ્નિવીર યોજનાને આવકારી સરકારને અભિનંદન પાઠવ્યા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ક્રેડાઈ ગુજરાતની ટીમની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાંસદ સી.આર. પાટિલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે મીટિંગ યોજાઈ હતી. તેમણે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી અગ્નિવીર યોજનાની સમજ આપી હતી. ક્રેડાઈ ગુજરાતે અગ્નિવીર યોજનાને આવકારી હતી અને સરકારે યુવાનો માટે કરેલી આ જાહેરાત માટે અભિનંદન પાઠવ્યા હતા.

શિસ્ત અને સમર્પણ માટે વિખ્યાત આપણું ભારતીય સૈન્ય દર વર્ષે 50000 નવયુવાનોને શારીરિક અને સ્કીલ ટ્રેનિંગ આપશે. આ ચાર વર્ષની ટ્રેનિંગમાં ભારત સરકાર આ યુવાનોને ઘણું સારૂં આર્થિક પેકેજ આપશે અને 4 વર્ષની અગ્નિવીર સ્નાતક ડિગ્રી આપશે. સૈન્ય સેવામાં ટ્રેઈન્ડ વ્યક્તિઓને સરકારના અન્ય ખાતાઓ, અર્ધ સરકારી વિભાગો અને પ્રાઈવેટ સેક્ટરમાં તેમની સ્કીલના આધારે કામ કરવાની તક મળશે અને તેમાં આ અગ્નિવીરોને અગ્રતાના ધોરણે પસંદ કરવામાં આવશે.

ક્રેડાઈની 3000 યોગ્ય ઉમેદવારોને રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોજગારી આપવા બાંહેધરી
સરકારની આ યોજનામાં ક્રેડાઈ ગુજરાતે સહભાગી થવાનો નિર્ણય કર્યો છે. ક્રેડાઈ ગુજરાત અગ્નિવીર ડિગ્રી ધરાવતા 3000 યોગ્ય ઉમેદવારોને દર વર્ષે ગુજરાતભરના રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોજગારી આપવાની ભારત અને ગુજરાત સરકારને બાંહેધરી આપે છે. આ ઉપરાંત ક્રેડાઈ ગુજરાતની ટીમ ક્રેડાઈ ઈન્ડિયામાં સમાવિષ્ટ 26 રાજ્યોનાં ક્રેડાઈ ચેપ્ટરમાં આ યોજના વિશે સમજ આપશે. ભારતભરનું રિયલ એસ્ટેટ સેક્ટર વાર્ષિક 30000 અગ્નિવીરોને રિયલ એસ્ટેટ સેક્ટરમાં કાયમી ધોરણે રોજગારી આપે એવા પ્રયાસો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...