• Gujarati News
  • Business
  • Country's Fintech Companies Eager To Enter Loan Business, Impact Of Interest Rate Hike Negligible

ભાસ્કર ખાસ:દેશની ફિનટેક કંપનીઓ લોન બિઝનેસમાં પ્રવેશવા આતુર, વ્યાજદર વૃદ્ધિની અસર નહિવત્

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NBFC લાઇસન્સ લેવાની અથવા નાની કંપનીઓને હસ્તગત કરવાની તૈયારીમાં

વૈશ્વિક સ્તરે છેલ્લા કેટલાક સમયથી વ્યાજદરમાં થઇ રહેલા સતત વધારા અને મોંઘવારી છતાં ગ્રાહકો દ્વારા લોનની માગ જળવાઇ રહી છે જેના કારણે અમુક એનબીએફસી કંપનીઓ વિસ્તરણની યોજના ઘડી રહી છે. ગ્રાહકોને ડિજિટલ નાણાકીય સેવાઓ પૂરી પાડતી ફિનટેક કંપનીઓ હવે લોનના વ્યવસાયમાં ઝંપલાવી રહી છે. આ માટે તેઓએ નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC)લાયસન્સ માટે આરબીઆઈને અરજી કરવાનું શરૂ કર્યું છે. કેટલીક ફિનટેક કંપનીઓ નાની એનબીએફસીને હસ્તગત કરીને લોન ક્ષેત્રમાં પ્રવેશ કરવા વિચારણા કરી રહી છે. હકીકતમાં સપ્ટેમ્બર 2022માં રિઝર્વ બેંકે ડિજિટલ લોન સંબંધિત નિયમોને કડક બનાવ્યા હતા. આ સિવાય ફર્સ્ટ લોસ ડિફોલ્ટ ગેરંટી (એફએલડીજી) મોડલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યાર પછી ફિનટેક કંપનીઓ NBFC લાઇસન્સ લેવામાં ઉત્સાહ દર્શાવી રહી છે.

તાજેતરની પ્રવૃત્તિઓ પર એક નજર

  • ફેબ્રુઆરી સુધીમાં 185 ફિનટેક કંપનીઓએ RBI પાસે પેમેન્ટ એગ્રીગેટર લાયસન્સ માટે અરજી કરી
  • 32 મંજૂર કરવામાં આવ્યા છે, 28 કેસ પેન્ડિંગ છે .
  • નિયોબેન્કિંગ પ્લેટફોર્મ જ્યુપિટરને એપ્રિલમાં NBFC લાઇસન્સ મળ્યું.
  • મે મહિનામાં ભારતપે એ મુંબઈ સ્થિત NBFC ટ્રિલિયન લોનમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
  • વોલમાર્ટ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ ફિનટેક કંપની ફોનપેએ પણ એનબીએફસી લાયસન્સ માટે અરજી કરી.

ઝડપથી વિકસતો ડિજિટલ લોન બિઝનેસ
બિઝનેસ સર્વિસ કંપની એક્સપિરિયન અનુસાર 2022માં ભારતનું ડિજિટલ લોન માર્કેટ 22.30 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ હતો. આ વર્ષે તે વધીને રૂ. 28.90 લાખ કરોડ થવાનો અંદાજ છે. માર્ચ 2022 સુધીમાં દેશના કુલ ધિરાણમાં કોર્મશિયલ, રિટેલ અને માઇક્રોફાઇનાન્સ લોન પોર્ટફોલિયોનો હિસ્સો અનુક્રમે 49.5%,48.9% અને 1.6% હતો.

ફિનટેક અને એનબીએફસી વચ્ચેનો તફાવત
નાણાકીય ટેકનોલોજી કંપનીઓ (ફિનટેક) અદ્યતન ટેકનોલોજી અને ઓટોમેશન દ્વારા વ્યક્તિઓ અને કોર્પોરેશનો વચ્ચે વ્યવહારોની સુવિધા આપે છે. તે કોઈપણ બેંકિંગ સેવા રજૂ કરતું નથી. NBFC કેટલીક બેંકિંગ સેવાઓ પૂરી પાડે છે જેમ કે નાના પાયે લોન વગેરે, જો કે, તેમને ડિપોઝિટ લેવાનો અધિકાર નથી.

94 લોન એપ્લિકેશન પર પ્રતિબંધ
કોવિડ દરમિયાન ફિનટેક કંપનીઓ અને એપ્સ પાસેથી ઊંચા વ્યાજ દરે લોન લેવાઇ હતી. આ ડિફોલ્ટિંગ ગ્રાહકો સાથે ખરાબ વર્તન કરવામાં આપતા ઘણા દેવાદારોએ આત્મહત્યા કરી. સપ્ટેમ્બર 2022 પછી, સરકારે ગૂગલ પ્લે પર ઉપલબ્ધ 232 થી વધુ ચાઇનીઝ લિંક્સવાળી એપ્સ પર પ્રતિબંધ મૂક્યો. તેમાંથી 94 લોન ડિસ્બર્સમેન્ટ એપ છે.