કોરોના મહામારીમાંથી માંડ માંડ અર્થતંત્ર રિકવર થઇ રહ્યું હતું ત્યારે રશિયા અને યુક્રેન યુધ્ધની અસરે વિશ્વના તમામ દેશોના અર્થતંત્રને બ્રેક લગાવી છે. વૈશ્વિક સ્તરે મોંઘવારી સતત વધી રહી છે જેના કારણે સેન્ટ્રલ બેન્કો વ્યાજદર વધારાની તરફેણમાં છે તેના પગલે વૈશ્વિક સ્તરે ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભારતીય શેરબજારમાં પણ હજુ કરેક્શનની સંભાવનાઓ વધી છે. આગામી સમયમાં શેરમાર્કેટમાં 10 ટકાથી વધુ કરેક્શન આવે તો નવાઇ નહિં. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકામાં કંઈ સારું નથી ચાલી રહ્યું. ફુગાવો 40 વર્ષની ટોચે છે, શેરબજાર ખરાબ સ્થિતિમાં છે, પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં ઘટાડો થયો છે અને વ્યાજ દરો સતત વધી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે અમેરિકા મંદી તરફ આગળ વધી રહ્યો છે. એસએન્ડપી 500એ લગભગ આઠ દાયકામાં તેની સૌથી ખરાબ શરૂઆત કરી છે.
સીએનએનના રિપોર્ટ અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી અત્યારસુધીમાં એસએન્ડપી 13 ટકાથી વધુનો ઘટાડો થયો છે. જે 1939 પછી ઇન્ડેક્સ માટે આ વર્ષની સૌથી ખરાબ શરૂઆત છે. અમેરિકી શેરબજાર વોલ સ્ટ્રીટમાં જૂની કહેવત છે કે સેલ ઇન મે ગો અવે (મે માસમાં વેચો અને ખરીદીથી દૂર રહો). બુલિશ ટ્રેડર્સ ઉનાળા અને પાનખરની શરૂઆતમાં બ્રેક લે છે તેવું માનવામાં આવે છે, જેના કારણે શેરોમાં ઘટાડો જોવા મળે છે. શિયાળાની રજાઓ સુધી આ પાનખર ચાલુ રહે છે. વૈશ્વિક શેરબજાર ચાલુ કેલેન્ડર વર્ષમાં સરેરાશ 15 ટકા સુધી ઘટ્યાં છે તેની સામે ભારતીય માર્કેટમાં માત્ર ચાર ટકા સુધીનું જ કરેક્શન આવ્યું છે પરંતુ હવે ઘટાડો લંબાઇ શકે છે.
ફુગાવાને પહોંચી વળવા માટે ફેડરલ રિઝર્વ આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યું છે. ચીનના ઘણા વિસ્તારોમાં લોકડાઉનથી વિશ્વભરના રોકાણકારોમાં પરિવર્તન આવ્યું છે. રશિયાએ યુક્રેન પર હુમલો આ બધાને કારણે અમેરિકામાં મંદીનો ભય વધી રહ્યો છે. એમેઝોન,મેટા (ફેસબુક) અને નેટફ્લિક્સના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો છે. નેટફ્લિક્સ જે એક સમયે રોકાણકારોની નજરનું સ્થાન હતું, તે આ વર્ષે અત્યાર સુધીમાં 68% ઘટ્યું છે.
આ વર્ષે S&P 500 ઇન્ડેક્સ 13 ટકાથી વધુ ઘટ્યો
રોકાણકારો માટે આ વર્ષની સૌથી ખરાબ શરૂઆત છે. 3 જાન્યુઆરીથી માંડી 3 મે સુધી ડાઉ 10 ટકા અને નાસ્ડેકમાં સૌથી વધુ 21 ટકાનો ઘટાડો નોંધાયો છે. એસએન્ડપી500 13.31 ટકા તૂટ્યો છે. એશિયન શેર બજારોમાં શાંઘાઈ સૌથી વધુ 16 ટકા જ્યારે નિક્કેઈમાં 7 ટકાનું કરેક્શન આવી ચૂક્યુ છે.
સેન્સેક્સ 53000, નિફ્ટી 15500 સુધી ઘટી શકે
વૈશ્વિક બજાર પાછળ ભારતીય માર્કેટમાં નિરાશા વ્યાપી છે. વ્યાજ વધારો, મોંઘવારી, કાચામાલની ઉંચી કિંમતનો બોજ ધ્યાને લેતા માર્કેટમાં હજુ 10 ટકા કરેક્શનની સંભાવના છે જેના પગલે સેન્સેક્સ 53000 અને નિફ્ટી 15500 પોઇન્ટ સુધી ઘટી શકે. > જિગ્નેશ માધવાણી, ટોરીન વેલ્થ ગ્રૂપ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.