તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • The Second Wave Of Corona Strained The Rural Economy, With The Economy Gaining A Strong Foothold In Rural India Last Year.

અર્થતંત્રની કરોડરજ્જુ:શું કોરોનાની બીજી લહેર ગ્રામીણ અર્થતંત્રની કમર તોડી નાખશે; આરોગ્ય અને આજીવિકાનું મોટું સંકટ સર્જાયું, ગ્રામીણ પ્રજા આ બમણા બોજ વચ્ચે પિસાઈ રહી છે

3 મહિનો પહેલા
  • ગ્રામીણ બેરોજગારી 6.37 ટકાથી વધી 7.29 ટકા થઈ, શહેરી બેરોજગારી આશરે 12 ટકાને લેવલ પર પહોંચી
  • ફરી એક વખત સારું ચોમાસું જ દેશના અર્થતંત્ર માટે આશાનું કિરણ બનશે

કોરોનાવાયરસની જીવલેણ મહામારીની બીજી લહેર શહેરો અને નગરો મારફત ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ છે. ગયા વર્ષે આવેલી કોરોના લહેરમાંથી ભારતીય અર્થતંત્ર રિકવરી માટે પ્રયત્ન કરી રહ્યું હતું ત્યારે કોરોનાની આવેલી બીજી લહેર આપણા ગ્રામીણ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નબળી સ્થિતિ વચ્ચે ઘાતક નીવડી છે. શહેરોની તુલનામાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકો તથા એને લીધે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ઘણી વધારે રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં તબીબી સુવિધાઓના સદંતર અભાવને લીધે કોરોનાકાળમાં આરોગ્યનું અસાધારણ સંકટ સર્જાયું છે ત્યારે રોજગારીને લઈ પણ સ્થિતિ ઘણી નાજુક બની રહી છે. આ ઉપરાંત કોરોનાને લીધે ગ્રામીણ લોકો પર મોટા પ્રમાણમાં આર્થિક બોજ પડી રહ્યો છે, જેથી દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા (ગ્રામીણ પ્રજા) બેવડી મુશ્કેલી વચ્ચે પિસાઈ રહી છે.
પહેલી લહેર કરતાં બીજી લહેરની ગ્રામીણ અર્થતંત્ર પર ગંભીર અસર

  • પ્રથમ લહેરમાં વાયરસ શહેરી મહામારી પૂરતો મર્યાદિત હતો. બીજી બાજુ અનેક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના મહામારીનો ઝડપથી ફેલાવો થયો, એને લીધે હવે આગામી દિવસોમાં અર્થતંત્રનાં વિવિધ સેક્ટરોમાં સુધારો મેળવવામાં અગાઉની તુલનામાં વધારે વિલંબ થઈ શકે છે, કારણ કે દેશનાં ઘણાંબધાં રાજ્યોમાં કડક લોકડાઉન લાદવામાં આવેલું છે અને એ કોરોનાની પહેલી લહેરની તુલનામાં વધુ લાંબો સમય સુધી ચાલી શકે છે.
  • આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં સંક્રમણનું પ્રમાણ ભયજનક સ્તરે છે, જેને લીધે ગ્રામીણ લોકોમાં ડરનો માહોલ વ્યાપક પ્રમાણમાં છે. ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાને લગતા ટેસ્ટિંગનો અભાવ એટલો છે, જેને લીધે આ વિસ્તારોમાં રહેલા કોરોનાના કેસની ગણતરી ધ્યાનમાં લેવામાં આવી રહી નથી.

ગ્રામીણ સ્તરે સંક્રમણની સ્થિતિ વિકટ બની

  • એપ્રિલ,2021માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના સંશોધન પેપર પ્રમાણે ગ્રામીણ જિલ્લાઓમાં નવા કેસનું પ્રમાણ એકંદરે 45.5 ટકા હિસ્સો ધરાવે છે, જે માર્ચ મહિનામાં 37.9 ટકા હતો. જ્યારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના 7 મેના રોજ રજૂ થયેલા એક અહેવાલ પ્રમાણે ગ્રામીણ વિસ્તારોમાં વકરેલી મહામારી ચિંતાજનક વલણ ધરાવે છે, એટલે કે રૂરલ ડિસ્ટ્રિક્ટનો નવા કેસોમાં હિસ્સો એપ્રિલ મહિનામાં વધીને 45.5 ટકા અને મે મહિનામાં 48.5 ટકા થયો છે, જે અગાઉ માર્ચ મહિનામાં 37 ટકા હિસ્સો હતો.

ગ્રામીણ સ્તરે બેરોજગારીનો દર 8.67 ટકા થયો

  • 9 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં રાષ્ટ્રીય બેરોજગારીનો દર વધીને 8.67 ટકા થયો છે, જે અગાઉના પખવાડિયામાં 7.4 ટકા હતો. આ ગાળામાં ગ્રામીણ બેરોજગારીનો દર પણ 6.37 ટકાથી વધી 7.29 ટકા થયો છે.
  • શહેરી બેરોજગારી આ અવધિમાં 11.72 ટકાના સ્તર પર પહોંચી ગઈ છે, જે 25 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 9.55 ટકા હતી, એ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE)ની માહિતીમાં જણાવાયું હતું. શહેરી વિસ્તારોમાં બેરોજગારી 12 ટકા નજીક પહોંચી ગઈ છે, જે છેલ્લા 10 મહિનામાં સૌથી વધારે છે.

વિવિધ રેટિંગ એજન્સીઓએ આર્થિક વૃદ્ધિના તેમના અંદાજમાં ઘટાડો કર્યો

  • દેશમાં કોરોનાની સ્થિતિ વચ્ચે વિવિધ રેટિંગ એજન્સીઓએ આર્થિક વિકાસને લગતા તેમના રેટિંગમાં ઘટાડો કર્યો છે.
  • મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસીઝે નાણાકીય વર્ષ 2022 માટે ભારતની વૃદ્ધિને લગતું રેટિંગ 13.7 ટકાથી ઘટાડી 9.3 ટકા કર્યું છે.
  • નોમુરાએ પણ 12.6 ટકાથી તેનો અંદાજ ઘટાડીને 10.9 ટકા કર્યો છે.
  • જેપી મોર્ગને 13 ટકાથી ઘટાડી 11 ટકા, જ્યારે UBSએ 11.5 ટકાથી ઘટાડી 10 ટકા કર્યો છે.

કોરોનાકાળમાં ઓટો અને FMCG સેક્ટર માટે ગ્રામીણ સ્તરે કપરાં ચઢાણ

  • ગયા વર્ષે મે-જૂન મહિનામાં કૃષિક્ષેત્રે વાવેતર કામગીરી શરૂ થઈ એ અગાઉ ગ્રામીણ અર્થતંત્રમાં મજબૂત સુધારા સાથે ટ્રેક્ટર્સના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી હતી. મજબૂત માગને લીધે એ અવધિ દરમિયાન આશરે 9 લાખ ટ્રેક્ટરનું વેચાણ થયું હતું, જે સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન સૌથી વધારે હતું.
  • આ ઉપરાંત ઓટો સેક્ટરના અન્ય સેગમેન્ટમાં ખાસ કરીને દ્વિ-ચક્રિય વાહનો, કાર, લાઈટ કોમર્શિયલ વેહિકલ્સનું વેચાણ સારું રહ્યું હતું.
  • જોકે આ વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનો વ્યાપક ફેલાવો થયો છે, જેને લીધે ઓટો સેક્ટરને અસર થઈ શકે છે. આજ પ્રકારની સ્થિતિ FMCG સેક્ટરમાં પણ જોવા મળી શકે છે.

ફરી સારું ચોમાસું ગ્રામીણ અર્થતંત્ર માટે આશાનું કિરણ બનશે

  • કોરોનાની પહેલ લહેર દરમિયાન ગ્રામીણ ભારતે દેશના આર્થિક વૃદ્ધિને કંઈક હસ્તક બચાવવામાં અને એમાં ઊર્જા પૂરવામાં મદદ કરી હતી. નાણાકીય વર્ષ 2020-21માં કૃષિ સેક્ટરમાં 7.2 ટકા વૃદ્ધિ દર્શાવવામાં આવે તેવી આગાહી કરાઈ હતી.
  • આજે જે આર્થિક પરિસ્થિતિ પ્રવર્તિ રહી છે એ ગયા વર્ષે આ સમયગાળાની તુલનામાં કોઈ ખાસ તફાવત ધરાવતી નથી, પણ આ વર્ષે ગ્રામીણ અર્થવ્યવસ્થા કોરોનાના ભરડામાં છે. બીજી બાજુ, જો દેશમાં કોરોના મહામારીની બીજી લહેર જૂન સુધીમાં ઉચ્ચ લેવલ પર પહોંચે એવા સંજોગોમાં નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી 8.2 ટકા થઈ શકે છે.
  • કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગે દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહે તેવી આગાહી કરી છે ત્યારે સારા વરસાદની મદદથી ગ્રામીણ અર્થતંત્ર કોરોના વચ્ચે મજબૂત સ્થિતિમાં આવી શકે છે.