તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Corona Crisis Is Likely To Affect Rural Demand Supporting The Economy, Now Relying On Rainfall

આશા:કોરોના સંકટમાં અર્થવ્યવસ્થાને ટેકો આપતી ગ્રામીણ માગ પ્રભાવિત થવાની શક્યતા, હવે વરસાદ પર મદાર

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેતીકામ કરતા લોકોની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ખેતીકામ કરતા લોકોની ફાઇલ તસવીર.
  • ઓગસ્ટમાં પણ સ્થિતિ યથાવત્ રહી તો અર્થવ્યવસ્થામાં વી શેપની રિકવરીમાં મુશ્કેલીઓ નોંધાઈ શકે

કોરોના કાળમાં અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતિને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ધરાવતા મોનસુનનો સહારો પણ દૂર થઈ રહ્યો છે. જૂનમાં વરસાદ સારો રહ્યો હતો. હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી હતી. પરંતુ જુલાઈમાં અનેક જિલ્લાઓમાં દુષ્કાળની સ્થિતિ રહી. હવે ગ્રામીણ માગનો આધાર ઓગસ્ટમાં થનારા વરસાદ પર નક્કી થશે. જો ઓગસ્ટમાં પણ સ્થિતિ યથાવત રહી તો અર્થવ્યવસ્થામાં વી શેપની રિકવરીમાં મુશ્કેલીઓ નોંધાઈ શકે છે.

જૂનમાં, દેશના 20 ટકા હિસ્સામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો હતો, 50 ટકા હિસ્સામાં સામાન્ય અને 30 ટકા હિસ્સામાં વધુ વરસાદ પડ્યો હતો. પરંતુ સૌથી વધુ વરસાદ ધરાવતા જુલાઈમાં સામાન્ય કરતા 10 ટકા ઓછો વરસાદ પડ્યો હતો. એટલે કે, પાક માટે પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. ફિચ રેટિંગ્સ લિમિટેડના સ્થાનિક એકમ, ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના મુખ્ય અર્થશાસ્ત્રી દેવેન્દ્રકુમાર પંતે જણાવ્યું હતું કે, વરસાદનું ભૌગોલિક અને સ્થાનિક વિતરણ ખૂબ મહત્વનું છે. જ્યારે આપણે આમાંના કેટલાક ક્ષેત્રોને જોઈએ ત્યારે પરિસ્થિતિ થોડી ચિંતાજનક છે. તેથી, હવે એ જોવાની જરૂર છે કે, જુલાઈમાં રહેલા વરસાદની અછત ઓગસ્ટમાં પૂર્ણ થશે કે કેમ.   જ્યારે બીજી બાજુ અપૂરતા વરસાદને કારણે ચોખા અને ઘઉંના બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક ભારત પર માઠી અસર પડી શકે છે. પીવાના પાણીની તંગી સર્જાઈ શકે છે. ઓછા પાક ઉત્પાદનને કારણે ખાદ્યતેલો સહિત અન્ય ચીજવસ્તુઓની આયાતમાં વધારો થઈ શકે છે. કૃષિ કરોડો લોકોને રોજગારી પણ આપે છે, તેથી તેના પર પણ અસર થઈ શકે છે. બાર્કલેઝ બેંકના અર્થશાસ્ત્રી રાહુલ બાજોરીયાએ જણાવ્યું હતું કે, વરસાદનું સ્થાનિક વિતરણ, વાવણીની ગતિ અને જળાશયોના સ્તરનો અભ્યાસ થઈ રહ્યો છે. જળાશયોની હાલત હાલ ઠીક છે, પરંતુ ઓગસ્ટમાં વરસાદ મહત્વપૂર્ણ રહેશે કારણ કે, પાકના ઉત્પાદન પર તેની મોટી અસર પડશે.

મધ્યપ્રદેશના ખેડૂત હરીશ પાટીદારે જણાવ્યા પ્રમાણે, જુલાઇમાં ડાંગરના પાકમાં ભૂગર્ભ જળનો ઉપયોગ થતો હતો, પરંતુ ગરમી એટલી વધારે હતી કે ખેતરોમાં પાણી ગરમ થઈ ગયું હતું. જેના કારણે પાકને વધુ નુકસાન થયું છે.

દક્ષિણ ભારતમાં વરસાદ 14% વધુ, પંજાબમાં 20 ટકા ઘટ્યો
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ ક્ષેત્ર એટલે કે ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં આ સિઝનમાં ચોમાસુ સામાન્ય કરતાં 20 ટકા અને મધ્ય પ્રદેશમાં સામાન્ય વરસાદ કરતા 7 ટકા ઓછો રહ્યો છે. પૂર્વીય અને ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં 10 ટકા અને દક્ષિણ ભારતમાં સરેરાશ કરતાં 14 ટકા વધુ વરસાદ થયો છે.

કૃષિની સૌથી મોટી સમસ્યા ચોમાસા પરની તેની નિર્ભરતા : નિષ્ણાતો
દેશની ઘટતી અર્થવ્યવસ્થામાં રિકવરી માટે કૃષિ ક્ષેત્ર મહત્વનો ફાળો આપે છે. રિઝર્વ બેંકે ગ્રામીણ માગમાં વધારાનો અંદાજ મૂક્યો હતો. પરંતુ ખેતીની સૌથી મોટી સમસ્યા વરસાદ પરની તેની નિર્ભરતા છે. ભારતમાં મુખ્યત્વે ચોમાસુ પાકોમાં કપાસ, મકાઈ, શેરડી અને તેલીબિયાં ઉગાડવામાં આવે છે. જો વરસાદ પ્રભાવિત થાય છે, તો આર્થિક રિકવરીમાં અડચણો આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...