• Gujarati News
  • Business
  • CEO Zuckerberg Blamed The Decline In Revenue, Laying Off 11,000 Employees In November.

મેટા વધુ 10 હજાર કર્મચારીઓને છૂટા કરશે:CEO ઝુકરબર્ગે આવકમાં થયેલો ઘટાડો જવાબદાર ગણાવ્યો, નવેમ્બરમાં 11 હજાર કર્મચારીઓની છટણી કરાઈ હતી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ આજે (મંગળવારે, 14 માર્ચ) 10 હજારથી વધુ કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી છે.

કંપનીએ બીજા રાઉન્ડ હેઠળ આ છટણી કરશે. મેટાએ અગાઉના રાઉન્ડમાં 11 હજાર કર્મચારીઓને છૂટા કર્યા હતા, જે કુલ વર્કફોર્સના 13 ટકા હતા. કંપનીના 18 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કંપનીના CEO માર્ક ઝુકરબર્ગે કરી હતી. તેના પાછળનું કારણ તેમણે પોતાના નિર્ણયથી રેવેન્યુમાં આવેલા ઘટાડાને ગણાવ્યો હતો.

5 હજાર પોસ્ટ ખાલી રાખવામાં આવશે
ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, આ નિર્ણય મુશ્કેલ છે, પરંતુ જરૂરી છે. 10,000ની નોકરીઓ બંધ કર્યા પછી કંપનીમાં 5 હજાર પોસ્ટ ખાલી રાખવામાં આવશે. ઝુકરબર્ગે સ્ટાફને આપેલા મેસેજમાં લખ્યું કે, કંપનીને 2022માં એ સમયે ઝાટકો લાગ્યો જ્યારે જાણ થઈ કે, રેવેન્યુમાં ખૂબજ ઘટાડો થયો છે.

ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, કંપનીની કમાણીમાં ઘટાડા માટે અમેરિકામાં વધેલો વ્યાજદર, વિશ્વમાં અસ્થિરતા અને રેગ્યુલેટરી લોમાં વધારો જવાબદાર છે. ઝુકરબર્ગે મેસેજમાં જણાવ્યું હતું કે, મારા હિસાબે આપણે નવી આર્થિક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે આ સમય થોડો લાંબો ચાલવાનો છે.

બુધવારે જાણવા મળશે કે, કોણે નોકરી ગુમાવી અને કોની બચી
ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, તેઓ સૌથી પહેલા કંપનીની રિક્રૂટમેન્ટ ટીમને જણાવશે કે, કોની નોકરી ગઈ છે અને કોની બચી છે. ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, આ વાત બુધવાર સુધી સ્પષ્ટ થઈ જશે. તેમણે જણાવ્યું કે, એવી અપેક્ષા છે કે એપ્રિલમાં ટેક્નિકલ ગ્રુપ્સમાં રી-સ્ટ્રકચરિંગ અને છટણી શરૂ થઈ જશે અને મે મહિનામાં બિઝનેસ ગ્રુપને પ્રભાવિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

આંતરરાષ્ટ્રીય ટીમને લોકર લીડર આપશે જાણકારી
ઝુકરબર્ગે કર્મચારીઓને આપેલા મેસેજમાં લખ્યું છે કે, કેટલાક કિસ્સાઓમાં અમે તમામ પ્રક્રિયા વર્ષના અંત સુધી જ પૂરી કરી લઈશું. આંતરરાષ્ટ્રીય ટીમ માટે ટાઇમલાઇન થોડી અલગ હશે. આ અંગે લોકલ લીડર જાણકારી શેર કરશે.

કંપની આ સ્થિતિમાં કેવી રીતે પહોંચી?
માર્કે જણાવ્યું હતું કે, દુનિયા ઝડપથી ઓનલાઈન થઈ ગઈ અને ઈ-કોમર્સ વધવાના કારણે વધારો થયો છે. ઘણા લોકોએ આગાહી કરી છે કે, આ વધારો સ્થાયી હશે, જે મહામારી ખતમ થયા પછી પણ ચાલુ રહેશે. મેં પણ આ જ વિચાર્યું, તેથી મેં મારા રોકાણમાં વધારો કરવાનો નિર્ણય લીધો, પરંતુ મારી ધારણાં મુજબ તે ના થયું.

ફક્ત ઓનલાઈન કોમર્સ પહેલાનાં ટ્રેન્ડ પર પરત નથી ફર્યો, પરંતુ મેક્રોઇકોનોમિક ડાઉનટર્ન, કોમ્પિટિશન અને ઓછી જાહેરાતના કારણે આવક મારી ધારણાં કરતા ઓછી થઈ ગઈ છે. મારાથી આ ભૂલ થઈ અને હું તેની જવાબદારી લઉં છું. આ નવા વાતાવરણમાં, આપણે મૂડીને વધુ કુશળ બનાવવાની જરૂર છે. અમે સંસાધનોને હાઈ પ્રાયોરિટી ગ્રોથ એરિયામાં શિફ્ટ કરી દીધાં છે.

AI ડિસ્કવરી એન્જિન, એડવર્ટાઇઝમેન્ટ અને બિઝનેસ પ્લેટફોર્મ અને મેટાવર્સ માટે અમારું લોન્ગ ટર્મ વિઝન છે. અમે બિઝનેસ ખર્ચમાં ઘટાડો કર્યો છે, જેમાં બજેટને ઘટાડવા, ભથ્થાને ઘટાડવા અને રિયલ એસ્ટેટ ફુટ પ્રિન્ટને ઘટાડવું સામેલ છે. અમે અમારી એફિશિએન્સી વધારવા માટે ટીમોની ફરીથી રચના કરી રહ્યાં છે. પરંતુ એકલા આ પગલાંથી જ અમારા ખર્ચાઓ અમારી આવક વૃદ્ધિને અનુરૂપ નહીં થાય, તેથી મેં લોકોને છૂટા કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે.

મેટામાં હતા 87,314 કર્મચારી
સપ્ટેમ્બર 2022ના અંત સુધી મેટામાં 87,314 કર્મચારી હતા. મેટા વર્તમાનમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિત દુનિયાના કેટલાંક સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું માલિક છે. જો કે, કંપની મેટાવર્સ પર પોતાનો ખર્ચ વધારી રહી છે.

મેટાવર્સ એક આભાસી દુનિયા છે જ્યાં યુઝર્સ પોતાના સ્વયંનો અવતાર બની શકે છે. લો એડોપ્ટેશન રેટ અને મોંઘા R&Dને કારણે કંપનીને સતત ખોટ થઈ છે. છટણીથી નાણાકીય સંકટ થોડું ઓછું થવાની આશા છે.

અન્ય સમાચારો પણ છે...