કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના વડપણ હેઠળ શુક્રવારે મળેળી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કાપડ પર જીએસટીનો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. ટેક્સટાઇલ પર 1લી જાન્યુઆરીથી 12 ટકા જીએસટી દર લાગુ થવાનો હતો.
ગુજરાત સહિતના રાજ્યોના ટેક્સટાઇલ વેપારીઓના વિરોધને પગલે કેન્દ્ર સરકારે વધારો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે પગરખા પર 1લી જાન્યુઆરીથી 5 ટકાના બદલે 12 ટકા જીએસટી વસુલવામાં આવશે. આ સાથે પગરખાના ભાવમાં 7 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
કાઉન્સિલની બેઠકમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન તથા તામિલનાડુના નાણામંત્રીઓએ ભાગ લીધો હતો. દેશમાં કાપડ ક્ષેત્ર દ્વારા 4.5 કરોડ લોકોને સીધો રોજગાર પ્રાપ્ત થાય છે. જીએસટીનો દર વધારવાથી તેમની રોજગારી પર સીધી અસર પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતમાંથી થતી નિકાસોમાં પણ 12 ટકા હિસ્સો ટેક્સટાઇલ ક્ષેત્રનો છે.
GSTમાં 5 વર્ષ ફેરફાર નહીં કરવા રજુઆત થશે
કાઉન્સિલના નિર્ણયને પગલે સુરતમાં કાપડ વેપારીઓએ મિઠાઈ વહેંચી હતી. શુક્રવારે દેશભરના ટેકસટાઇલ એસોસીએશનોના પ્રતિનિધીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં દિલ્હી, પશ્ચિમ બંગાળ, કર્ણાટકા, તામિળનાડુ, તેલંગાણા, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્રના ટેકસટાઇલના ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધીઓ જોડાયા હતા. આ મિટિંગમાં જીએસટી કર માળખામાં ઓછામાં ઓછા ત્રણથી પાંચ વર્ષ સુધી કોઇ ફેરફાર નહીં આવે તે માટે જીએસટી કાઉન્સીલને સમજાવવામાં આવશે તેમ નકકી કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.