રોકડેથી રફતાર:લક્ઝરી કાર માર્કેટમાં કેશ ઇઝ કિંગ લોન મોંઘી થતાં કેશથી ખરીદીનો ટ્રેન્ડ

લંડન10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19 મહામારી બાદ દુનિયામાં આર્થિક અસમાનતાનો એક નવો દોર શરૂ થયો છે. એક તરફ ગરીબો વધુ ગરીબી તરફ ધકેલાઇ રહ્યાં છે ત્યારે બીજી તરફ ધનકુબેરોની સંપત્તિમાં અનેકગણો વધારો થઇ રહ્યો છે. જેનું સૌથી મોટું દ્રષ્ટાંત લક્ઝરી કારોના વેચાણમાં થયેલી વૃદ્ધિ છે. વર્ષ 2021માં દુનિયાની મોટા ભાગની લક્ઝરી કાર કંપનીઓએ રેકોર્ડ વેચાણ નોંધાવ્યું હતું, જ્યારે આ ટ્રેન્ડ 2022માં પણ યથાવત્ રહ્યો હતો. એક તરફ જ્યાં સામાન્ય ઑટોમોબાઇલ નિર્માતાઓ અને ખરીદદારો મોંઘા વ્યાજદરો, ખર્ચાળ કોમ્પોનન્ટ્સ, સપ્લાય ચેઇનમાં અડચણો સામે ઝઝુમી રહ્યા છે ત્યારે લક્ઝરી કાર નિર્માતાઓએ ફરી એકવાર વેચાણનો રેકોર્ડ બનાવ્યો છે.

બ્રિટનની લક્ઝરી કાર નિર્મતા બેન્ટલીએ 2021ની તુલનામાં 2022માં 4% વધુ 15,174 કારનું વેચાણ નોંધાવ્યું છે. જે કંપનીનું રેકોર્ડ વેચાણ છે. 2021માં બેન્ટલીએ 31%ના ગ્રોથ સાથે રેકોર્ડ 14,659 કારનું વેચાણ કર્યું હતું. 2020માં આ આંકડો 11,206 હતો. વધુ એક લક્ઝરી કાર બ્રાન્ડ લેમ્બોરગિનીનું વેચાણ પણ ગત વર્ષે 10% વધી 9,233 થયું છે. પોર્શેનું વેચાણ 3% વધ્યું છે અને ઉત્તર અમેરિકામાં રેકોર્ડ વેચાણ થયું હતું. રોલ્સ રોયસનું વેચાણ પણ 8%ના ગ્રોથ સાથે 6,021 રહ્યું છે.

ગ્રાહકોએ રૉલ્સ રોયસ માટે સરેરાશ કારદીઠ 5 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. કોવિડ-19 બાદ ત્રણ વર્ષમાં લક્ઝરી કારોની ખરીદીમાં ખાસ કરીને રોકડના ઉપયોગનો ટ્રેન્ડ તેજીથી વધ્યો છે. કૉક્સ ઓટોમોટિવના ચીફ ઇકોનોમિસ્ટ જોનાથન સ્મોકે કહ્યું હતું કે ગત વર્ષે અનેક ધનકુબેરોએ રોકડથી લક્ઝરી કારની ખરીદી કરી હતી. આ ટ્રેન્ડ આ વર્ષે પહેલા કરતાં વધુ વધવાનો અનુમાન છે.

લેંબોરગિનીની કિંમતમાં 100 અલ્ટો કાર આવે
લક્ઝરી કારોના દુનિયાભરમાં વેચાણના આંકડા ભારતમાં મહિના દરમિયાન વેચાતી કાર કરતાં ઓછા નજરે પડે છે પરંતુ કિંમતની દૃષ્ટિએ તે અનેકગણું વધારે છે. બેન્ટલી, લેમ્બોરગિની, રોલ્સ-રોયસ જેવી કારની સરેરાશ કિંમત રૂ.4 કરોડ છે. એટલે કે એક લક્ઝરી કારની કિંમતમાં ભારતમાં 100 એન્ટ્રી લેવલ ખરીદી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...