ભાસ્કર એક્સ્પ્લેઇનર:એકધારું વધી રહેલું સોનું શું આવતા વર્ષે 80,000 રૂપિયા સુધી પહોચી શકે છે?

2 વર્ષ પહેલા
 • લોકડાઉન લાગ્યું ત્યારે સ્ટોક માર્કેટ તૂટી ગયું પણ સોનાની ચમક વધતી ગઈ
 • વૈશ્વિક સ્તરે વ્યાજદર ઘટતાં સોનામાં રોકાણમાં વધારો થતો જોવા મળ્યો છે

કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગ્યું ત્યારે ભારતીય શેર બજારો તૂટી ગયા હતા પરંતુ સોનાની ચમક સતત વધતી ગઈ. હાલ એવા રિપોર્ટ્સ આવી રહ્યા છે જે કહે છે કે કોરોનાથી જે આર્થિક મંદી આવી છે તેને રિકવર થવામાં સમય લાગશે. આનાથી સોનાના ભાવ આવતા સમયમાં પણ વહતા રહેશે તેવું લાગી રહ્યું છે.

સોનાના ભાવ કેમ વધી રહ્યા છે?

 • ભારતીય ફિલોસોફી મુજબ, સોનાથી પૈસા કમાઈ ન શકાય પણ મુસીબતના સમયમાં તેનાથી મદદ મળે છે. આખી દુનિયા સોનાને સલામત રોકાણનું એક સારું સાધન માને છે.
 • બજારો અનિશ્ચિતતામાંથી પસાર થઇ રહ્યા છે. કોરોનાના વધતા કેસ જોતા આર્થિક રિકવરી ક્યારે થશે તે કોઈ નથી કહી શકતું. ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇન્સ્ટીટયુટ અને કન્સલ્ટિંગ ફર્મ ઇક્વિટી માર્કેટમાં ઘટાડાનું અનુમાન મુકે છે.
 • જયારે સ્ટોક માર્કેટ, બેંક એફડી, બોન્ડ જેવા તમામ ઇન્વેસ્ટમેન્ટ ટૂલ્સ નેગેટિવ ગ્રોથ દેખાડતા હોય ત્યારે સલામત રોકાણ માટે નિષ્ણાતો સોના અથવા ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની સલાહ આપે છે.

સોનાના ભાવ કેમ વધતા ગયા?

 • વિશ્વભરના શેરબજારોમાં કોરોનાને કારણે મંદી આવી છે. તેની સામે આંતરરાષ્ટ્રીય બજારમાં મે-2019થી સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. તેણે એક વર્ષમાં 44%થી વધુ વળતર આપ્યું છે.
 • આંતરરાષ્ટ્રીય બજારમાં એક વર્ષમાં સોનું 1250 ડોલર પ્રતિ ઓંસથી વધીને 1800 ડોલર પર પહોચ્યું છે. ભારતમાં સોનાએ એક વર્ષમાં લગભગ 50% રિટર્ન આપ્યું છે. સોનું મે 2019માં રૂ. 32,000 પ્રતિ 10 ગ્રામ હતું જે અત્યારે રૂ. 49,000 થયું છે.

શેરબજાર અને સોનામાંથી રોકાણ માટેનું સારું સાધન કયું?

 • પાછલા 10 વર્ષોમાં સેન્સેક્સ (BSE-30) અને BSE-500એ ક્રમશઃ 9.05% અને 8.5% વાર્ષિક રિટર્ન આપ્યું છે. ડિસેમ્બર 2019 સુધીમાં સેન્સેક્સ 40,000 સુધી પહોચી ગયો હતો.
 • કોવિડ-19 ફેલાયા પછી વિશ્વભરના શેર બજારો ધરાશાયી થયા. ભારતીય બજારો પણ એપ્રિલ-2020 સુધીમાં 40% ઘટીને 27,400 પોઇન્ટ પર આવી ગયા હતા.
 • એપ્રિલ બાદ ભારત સહિત વિશ્વભરના શેર બજારોમાં સુધારો જોવા મળી રહ્યો છે. ઉભરતા બજારોમાં, નવા વલણો પર રોકાણકારોના પોઝિટીવ આઉટલુકના કારણે તે તેજી દેખાઈ રહી છે.
 • બીજી તરફ, 2008માં સોનું રૂ. 8000થી વધીને રૂ. 25,000 થઈ ગયું હતું. 2019 સુધીમાં સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામ 35 હજાર રૂપિયા પર પહોંચી ગયા હતા, જે હવે 50 હજારની નજીક છે.

શું સોના અને વ્યાજદરો વચ્ચે સીધો સંબંધ છે?

 • વ્યાજદર અને સોનાના ભાવ વચ્ચે નેગેટિવ સંબંધ છે. એટલે કે વ્યાજદર વધે તો સોનાના ભાવ ઘટે છે અને વ્યાજદર ઘટે તો સોનાના ભાવ વધે છે.
 • દુનિયાભરની સેન્ટ્રલ બેન્કોએ મંદી સામે લડવા માટે વ્યાજદર ઘટાડ્યા છે. મોટા આર્થિક પેકેજ જાહેર કર્યા છે. તેની અસર એ થઇ કે રોકાણકારો બેન્કોથી દુર થયા. 2008ની મંદી સમયે પણ આમ થયું હતું.
 • કન્સલ્ટિંગ ફર્મ ડેલોઇટ આઉટલુક અનુસાર, બોન્ડ યિલ્ડ, ક્રૂડના દર અને વ્યાજદરોમાં વધુ ઘટાડો થઇ શકે છે. બજારો અને બેંકો પર તેની ગંભીર અસર થશે અને સોનાની કીમતોમાં વધારો થઇ શકે છે.
 • ભારત સરકારે અર્થતંત્રમાં રિકવરી માટે 20 લાખ કરોડનું પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યું છે. આ લાંબા ગાળે ફાઇનાન્સિયલ માર્કેટ અને એસેટ ક્લાસ બોન્ડને નુકસાન પહોચાડશે અને તે સોનામાં તેજી લાવશે.

શું સોનું રૂ. 80 હજાર થઇ શકે છે?

 • રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોનિટરી પોલિસી રિપોર્ટમાં કહ્યું કે, શેર બજારમાં તેજી આવે ત્યારે સોનાના ભાવ ઘટશે. પરંતુ ઇકોનોમિક પોલિસીની અનિશ્ચિતતા વચ્ચે અત્યારે સોનાના ભાવમાં તેજી જળવાઈ રહેશે.
 • જો ઇતિહાસ પર નજર નાખો, તો જ્યારે ઇક્વિટી અને રિઅલ એસ્ટેટ અને બોન્ડ જેવી રિસ્ક એસેટમાં વધારો થાય છે, ત્યારે સોનાના ભાવ નીચા હોય છે. 2008ની મંદી પછી 2011થી 2015 દરમિયાન આવું જોવા મળ્યું છે.
 • વિશ્લેષકો કહે છે કે 2021ના સેકન્ડ હાફમાં રોકાણકારો શેર, રિઅલ એસ્ટેટ અને અન્ય રિસ્ક એસેટમાં રોકાણ કરવાનું શરૂ કરશે. ત્યાર પછી ક્યાંક, આર્થિક રિકવરી ગતિ પકડશે અને સોનાના ભાવ સ્થિર થઈ જશે.
 • સંભાવના છે કે 2021 સુધીમાં દરેકને કોરોના વાયરસ રસી મળવાનું શરૂ થઈ જશે. ત્યાં સુધી આર્થિક અનિશ્ચિતતા ચાલુ રહેશે. એટલે કે, આવતા વર્ષે ઝડપથી ચાલતું સોનું 80 હજાર રૂપિયા સુધી જઈ શકે છે.

શું હાલના ભાવે સોનામાં રોકાણ સલામત છે?

 • છેલ્લા એક વર્ષમાં ભારતમાં વ્યાજના દરમાં તીવ્ર ઘટાડો થયો છે. ઇક્વિટી માર્કેટમાં આવેલા ઘટાડાથી રોકાણકારોનું ધ્યાન સોના તરફ ગયું છે.
 • આવી સ્થિતિમાં, જો RBI વ્યાજ દરમાં વધુ ઘટાડો કરશે તો નાની બચત અને ટર્મ ડિપોઝીટ રેટ્સમાં વધુ ઘટાડો થવાની સંભાવના નકારી શકાય નહીં.
 • SBI હાલમાં સેવિંગ બેંક ડિપોઝીટ પર 2.7% વ્યાજ દર આપે છે અને 5-10 વર્ષની ટર્મ ડિપોઝીટ પર 5.4% આપે છે.
 • આવા સંજોગોમાં, સોવરિન ગોલ્ડ બોન્ડ્સમાં રોકાણ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં 2.5% વ્યાજ અને કેપિટલ ગેઇનનો લાભ પણ મળશે. આ રોકાણકારોને રૂપિયાના કોઈપણ ઘટાડાથી બચાવશે.

સોનાના ભાવો તૂટે તેવી સંભાવના છે?

 • આ આશંકા હમણાં નકારી શકાય નહીં. રિસર્ચર અને વિશ્લેષકો જણાવી રહ્યા છે કે સોનાના ભાવમાં ઘટાડો શક્ય છે. પરંતુ હાલમાં તેવું લાગતું નથી.
 • જો સેન્ટ્રલ બેંકો આર્થિક સંકટને પહોંચી વળવા સોનાનું વેચાણ કરે છે અથવા જો રિસ્ક એસેટમાં નુકસાનના કિસ્સામાં રોકાણકારો ETF વેચે છે, તો સોના પર દબાણ આવી શકે છે અને કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...