ગાહેડના વર્ચ્યુઅલ પ્રોપર્ટી શોના ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રિયલ એસ્ટેટ ક્ષેત્રે મહત્ત્વની છ જાહેરાતો કરી હતી. જેમાં હવે બિલ્ડરો અેર્ફોડેબલ હાઉસિંગ બનાવવા ખેતીની જમીન સીધી તેમની કંપનીના નામે ખરીદી શકશે. અર્ફોડેબલ હાઉસિંગને વેગ આપવા ઔદ્યોગિક હેતુ માટેની જોગવાઈનો લાભ તેને અપાયો છે. કોમન જીડીસીઆરમાં અત્યાર સુધી ગુજરાતમાં 80 ચોરસ મીટરના મકાનને અર્ફોડેબલ હાઉસિંગ તરીકે ગણવામાં આવતા હતા પણ હવે 90 ચોરસ મીટરના મકાનો અર્ફોડેબલ હાઉસિંગ તરીકે ગણાશે.
બાંધકામના પ્લાન એક દિવસમાં પાસ થાય તેવી વ્યવસ્થા થશે
બિલ્ડરોએ ચૂકવવાની થતી ચાર્જેબલ એફએસઆઈમાં પણ મોટી રાહત આપી છે અને તેના પર જે તે ઓથોરિટી દ્વારા વસૂલ કરવામાં આવતું વ્યાજ રદ કરાયું છે. બેઝ એફએસઆઈનો ચાર્જ પણ વાપર્યા વિના પ્લાન પાસિંગ વખતે ચૂકવવાનો થતો હોય છે તે રદ કરવાનો નિર્ણય કરાયો છે. નોન ટીપી વિસ્તારોમાં નવી શરતની જમીનોમાં કપાતની જમીન પર પ્રિમિયમ લેવાતું હતું. જે હવે માત્ર કપાત બાદની જમીન પર જ લેવાશે. જે તે યુનિટની હાઈટ અત્યારસુધી માત્ર 3.6 મીટર હતી જે હવે પાંચ મીટર રાખવાની જાહેરાત કરાઈ છે તેમજ બાંધકામ અંગે રજૂ થતા પ્લાન પણ એક જ દિવસમાં પાસ કરી દેવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત કરી છે. કોરોના પછી ઠપ થયેલા રિયલ એસ્ટેટને વેગ મળી રહે તે માટે સરકારે આ નિર્ણયો કર્યા છે.
ભાસ્કર એક્સપ્લેઇનર - એમ.એસ. પટેલ (નિવૃત્ત IAS), આશિષ પટેલ (પ્રેસિડેન્ટ ક્રેડાઈ, ગુજરાત)
પ્રશ્નઃ ખેતીની જમીન મળવાથી શું ફાયદો થશે?
જવાબઃ હવે બિનખેતીની કાર્યવાહી જમીન ખરીદ્યા બાદ થઈ શકશે. બિલ્ડરો પરનું બેવડા દસ્તાવેજનું ભારણ ઘટશે જેનાથી પ્રોજેક્ટ કોસ્ટમાં ઘટાડો થશે અને પ્રોજેકટ પૂરો કરવામાં સમયની બચત થશે. કોસ્ટ ઘટવાથી લોકોને પરવડે તેવી કિંમતમાં મકાનોની વધશે.
પ્રશ્નઃ એફોર્ડેબલ હાઉસિંગમાં મકાન મોટાં બનશે?
જવાબઃ હા, અર્ફોડેબલ હાઉસિંગનાં મકાનો હવે 80 ના બદલે 90 ચોરસ મીટરના બનવાથી હાલની કોરોનાની સ્થિતિમાં હવા-ઉજાસવાળા મકાનો વધુ બનશે. અર્ફોડેબલ હાઉસિંગના મકાનો પણ હવે બાલ્કની સહિતની વિશેષ વ્યવસ્થા મળી રહેશે.
પ્રશ્નઃ FSIની મકાનની કિંમત પર અસર પડશે?
જવાબઃ આનાથી પ્રોજેક્ટ કોસ્ટમાં ઘટાડો થશે. અત્યાર સુધી ચાર્જેબલ એફએસઆઈના હપ્તા પર વ્યાજનું ભારણ બિલ્ડરોના શિરે હતું જે ઘટશે એટલે મકાનોની કિંમતમાં વધારો થશે નહીં. કોરાનાના કારણે જે લોન્ચિંગ અટકયા હતા તેને પણ આ રાહતથી વેગ મળશે. નવા પ્રોજેકટ અમલી બનવાથી ઈકોનોમીને બુસ્ટ મળશે.
પ્રશ્નઃ યુનિટની હાઈટ 5 મીટર થતાં લાભ કોને?
જવાબઃ આનાથી મોટા શો રૂમ્સ, મોલ, અને આઈટી જેવી ઈન્ડસ્ટ્રી માટે જેમને વધુ હાઈટની જરૂર છે તેમને મોટો ફાયદો થશે. અત્યાર સુધી હાઈટ મર્યાદાના કારણે ફલોરની હાઈટ માંડ઼ દસ ફૂટ મળતી હતી.
પ્રશ્નઃ પ્લાન પાસિંગ માટે હજુ ધક્કા ખાવા પડશે?
જવાબઃ એક જ દિવસમાં પ્લાન મંજૂર કરવામાં આવે તો પ્લાન પાસિંગની જટિલ પ્રક્રિયામાંથી બિલ્ડરોને મુક્તિ મળશે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે પણ આ પગલું આવકારદાયક કહી શકાય.
પ્રશ્નઃ હવે રિયલ એસ્ટેટની સ્થિતિ કેવી રહેશે?
જવાબઃ નોન ટીપી એરિયામાં નવી શરતની જમીનોમાં કપાત બાદ પ્રિમિયમ લેવાના નિર્ણયને પગલે લોકો ઉપર જમીનના પ્રિમિયમનું મોટું ભારણ ઘટી જશે. નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવાથી સરકારને પ્રિમિયમની આવક વધશે.
આવી રીતે ઘટશે બિલ્ડરોનું ભારણ, આવી રીતે સસ્તાં થશે મકાન
અત્યાર સુધી ખેતીની જમીન ખરીદનાર બિલ્ડરે પહેલા પોતાના નામે જમીન કરાવવી પડતી હતી અને તેને એન.એ કરાવવી પડતી હતી. આ પ્રક્રિયામાં પોતાના નામનો દસ્તાવેજ કરવામાં 50 કરોડની જમીન હોય તો 30 લાખ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડતી હતી. જે તે બિલ્ડરના નામે જમીન થાય પછી તે જમીન પોતાની કંપનીના નામે કરે ત્યારે ફરીથી દસ્તાવેજ કરાવે તો ફરીથી 30 લાખ સ્ટેમ્પ ડયુટી ભરવી પડતી હતી. આમ 50 કરોડની જમીન પેટે 60 લાખ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડે. હવે બિલ્ડર સીધા પોતાની કંપનીના નામે જમીન ખરીદી શકે તેવી જોગવાઈથી 30 લાખનો ફાયદો થઈ શકે. જરૂરી પ્રક્રિયાનો સમય પણ બચી શકે. જેના કારણે 100 કરોડનો અર્ફોડેબલ હાઉસિંગનો પ્રોજેકટ હોય તો તેમાં 10 ટકા બિલ્ડરના બચી શકશે. આના કારણે મકાનોની કિંમત પણ એક લાખ ઘટી શકે છે.
બિલ્ટઅપ એરિયામાં વધારો કરાશે
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે એફોર્ડેબલ હાઉસિંગ વધુ મોટા અને ત્રણ રૂમ રસોડાનાં મકાનો બાંધી શકાય એ હેતુસર 80 ચોરસમીટર બિલ્ટઅપ એરિયાના સ્થાને હવે 90 ચોરસમીટર બિલ્ટઅપ યુનિટનો એફોર્ડેબલ હાઉસિંગમાં સમાવેશ કરવામાં આવશે. આના કારણે લોકોને આ કેટેગરીમાં વધુ મોટાં ઘર મળી શકશે. આના પરિણામે હવે લાભાર્થી પરિવારોને સુવિધાયુક્ત અને વધુ જગ્યાવાળાં આવાસો મળતાં થશે.
ચાર્જેબલ FSI પર વ્યાજમાં રાહત આપવાની વિચારણા
રૂપાણીએ બાંધકામક્ષેત્રને વેગ આપવા અન્ય એક જાહેરાત કરતાં કહ્યું હતું કે હાલ ચાર્જેબલ FSI બાંધકામ મંજૂરી વખતે લેવામાં આવે છે, પરંતુ આવી ચાર્જેબલ FSIવાળો બાંધકામ ભાગ પાછળથી કરવાનો થતો હોઇ આ FSI સમગ્ર રાજ્યમાં એકસમાન પદ્ધતિએ લેવામાં આવશે. આ સંદર્ભમાં વ્યાજમાં રાહત આપવાની બાબતે પણ રાજ્ય સરકાર વિચારાધીન છે એમ ઉમેર્યું હતું.
200થી વધુ પ્રોજેક્ટ્સ ઓનલાઈન જોવા મળશે
ગાઈહેડ ક્રેડાઇના પ્રેસિડેન્ટ અજય પટેલે જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પહેલીવાર ઓનલાઈન પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ચ્યુઅલ પ્રોપર્ટી શોમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોના 200થી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ જોવા મળશે. આમાં એફોર્ડેબલ હાઉસિંગથી લઈને હાઈ એન્ડ પ્રોપર્ટી, પ્લોટિંગ તેમજ કોમર્શિયલ અને ઓફિસ પ્રોપર્ટી જોવા મળશે.
ગુજરાતમાં મજબૂત સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ક્રેડાઈના નેશનલ પ્રેસિડેન્ટ જક્ષય શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં બિઝનેસ ડાયનેમિક સિવાય બીજી ઘણી મહત્ત્વની બાબતો છે. કોસ્ટ ઓફ ડુઈંગ બિઝનેસ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, પીસ ઓફ ડુઈંગ બિઝનેસ સહિતના પાસાઓ ગુજરાતમાં મજબૂત છે જેના કારણે અહીં રિયલ એસ્ટેટ સેક્ટરનો ઘણો જ વિકાસ થયો છે. ગુજરાતમાં મજબૂત સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવાથી બહારથી આવીને વસતા લોકો પણ અહીં પોતાને સુરક્ષિત અનુભવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.