બોમ્બે હાઈકોર્ટે બુધવારે જોન્સન એન્ડ જોન્સન (J&J) ને મહારાષ્ટ્રમાં તેના મુલુંડ પ્લાન્ટમાં તેના પોતાના જોખમે બેબી પાઉડર બનાવવાની મંજૂરી આપી હતી. જોકે, કંપની અત્યારે તેનું વિતરણ અને વેચાણ કરી શકશે નહીં. સ્ટેટ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. જસ્ટિસ એસવી ગંગાપુરવાલા અને જસ્ટિસ એસજી ડિગેની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.
હાઈકોર્ટે જોન્સન એન્ડ જોન્સનના બેબી પાઉડરના નમૂનાઓનું ફરીથી પરીક્ષણ કરવાનો પણ આદેશ આપ્યો હતો, જે બે અઠવાડિયામાં પૂર્ણ કરવાનો છે. FDA આ સેમ્પલ લઈને બે સરકારી લેબોરેટરી અને એક ખાનગી લેબોરેટરીને રિ-ટેસ્ટિંગ માટે આપવા પડશે. કોર્ટ હાલમાં કંપનીની અરજી પર સુનાવણી કરી રહી છે જેમાં બેબી પાઉડર મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ રદ કરવાના સરકારી આદેશને પડકારવામાં આવ્યો છે.
સરકારે લાઇસન્સ રદ કર્યું હતું
FDAની રિપોર્ટ મુજબ સરકારે 'જાહેર હિત'ને ધ્યાનમાં રાખીને કંપનીનું લાઇસન્સ રદ કર્યું હતું. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે કંપનીના મુલુંડ પ્લાન્ટમાં ઉત્પાદિત બેબી પાઉડરના સેમ્પલ 'સ્ટાન્ડર્ડ ક્વોલિટી' વિનાના છે. FDA એ 15 સપ્ટેમ્બરે કંપનીનું લાઇસન્સ રદ કર્યું અને બાદમાં કંપનીને બજારમાંથી ઉત્પાદનનો સ્ટોક પાછો મંગાવવાનો નિર્દેશ આપ્યો.
2018માં ગુણવત્તા તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યાં હતાં
ડિસેમ્બર 2018માં તપાસ દરમિયાન, FDAના ક્વોંલિટી ચેક માટે પૂણે અને નાસિકમાંથી J&J ના ટેલ્ક આધારિત બેબી પાઉડરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. મુલુંડ પ્લાન્ટમાં ઉત્પાદિત સેમ્પલને 'સ્ટાન્ડર્ડ ક્વોલિટી વિનાનું' જાહેર કરવામાં આવ્યું હતું. 2019નાં પરીક્ષણ પરિણામોમાં જણાવવામાં આવ્યું હતું કે 'નમૂનો IS 5339:2004 (સેકન્ડ રિવિઝન અમેન્ડમેન્ટ નંબર 3) ટેસ્ટ pHમાં બાળકો માટે ત્વચા પાઉડર માટેના સ્પષ્ટીકરણનું પાલન કરતું નથી'.
ત્યારબાદ કંપનીને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 હેઠળ કારણ બતાવ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ કંપનીએ પરિણામને પડકાર્યું અને ફરી ટેસ્ટની માગ કરી હતી, જેમાં સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરી (CDTL), કોલકાતામાં મોકલવામાં આવ્યું. મહારાષ્ટ્ર સરકારે તેના જવાબમાં હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે ગ્રાહકનું સ્વાસ્થ્ય અને કલ્યાણ સૌથી મહત્ત્વપૂર્ણ છે.
રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે જો ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટની જોગવાઈઓ અને લોકોના સ્વાસ્થ્ય માટે સુરક્ષા ઉપાયોને અમલ કરવામાં નિષ્ફળ જશે તો તે તેમની તરફથી મોટી નિષ્ફળતા હશે.
કંપનીને રોજે 2.5 કરોડનું નુકસાન
કંપનીએ તેની અરજીમાં કહ્યું કે ફેબ્રુઆરી, માર્ચ અને સપ્ટેમ્બર 2022ના 14 રેન્ડમ બાળકો પર ઇન્ડિપેન્ડેટ ટેસ્ટિંગ લેબોરેટરી ટેસ્ટ કર્યું હતું અને તમામ નિર્ધારિત pH મૂલ્યની નજીક હોવાનું જાણવા મળ્યું છે. કંપનીએ કહ્યું કે તે છેલ્લાં 57 વર્ષથી તેના મુલુંડ પ્લાન્ટમાં બેબી પાઉડરનું ઉત્પાદન કરી રહી છે અને તેનું લાઈસન્સ જાન્યુઆરી 2020માં રિન્યુ કરવામાં આવ્યું હતું. દાવો કરવામાં આવ્યો છે કે લાઇસન્સ રદ થવાને કારણે તેને દરરોજ 2.5 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
બેબી ટેલ્કમ પાઉડરનું વેચાણ બંધ કરશે J&J
થોડા દિવસ અગાઉ જોન્સન એન્ડ જોન્સને કહ્યું હતું કે 2023 સુધીમાં તે સમગ્ર વિશ્વમાં તેના બેબી ટેલ્કમ પાઉડરનું વેચાણ બંધ કરશે. J&J ના ટેલ્કમ પાઉડરને 2020માં જ યુએસ અને કેનેડામાં બંધ કરી દેવામાં આવ્યો છે. હવે કંપની ટેલ્ક આધારિત પાઉડરને બદલે કોર્ન સ્ટાર્ચ આધારિત પાઉડર વેચશે.
ખરેખર, વિશ્વભરમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ બેબી પાઉડરના ઉપયોગથી કેન્સરનું જોખમ છે. કેન્સરની શંકા ધરાવતો રિપોર્ટ સામે આવ્યા બાદ પ્રોડક્ટના વેચાણમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે કંપની હંમેશાં આ પાઉડરને સુરક્ષિત કહેતી હતી.
J&J એ કહ્યું હતું કે 'તેના પોર્ટફોલિયોનું અસેસમેન્ટ કર્યા પછી તેમના તમામ બેબી પાઉડર ઉત્પાદનોને ટેલ્કમ પાઉડરને બદલે કોર્નસ્ટાર્ચનો ઉપયોગ કરીને બનાવવાનો કોમર્શિયલ નિર્ણય લીધો છે.' કંપનીએ કહ્યું હતું કે કોર્નસ્ટાર્ચ આધારિત બેબી પાઉડર વિશ્વના ઘણા દેશોમાં પહેલેથી જ વેચાઈ રહ્યા છે.
જોન્સન એન્ડ જોન્સન 60થી વધુ દેશોમાં તેની પ્રોડક્ટ તૈયાર કરે છે જ્યારે તેની પાસે લગભગ 250 પેટા કંપનીઓ છે. તેની પ્રોડક્ટ 175 થી વધુ દેશોમાં વેચાય છે. ભારતમાં તેની સ્પર્ધા ડાબર, હિન્દુસ્તાન યુનિલિવર અને હિમાલય જેવી બ્રાન્ડ્સ સાથે છે.
ટેલ્કથી કેન્સરનું જોખમ
ટેલ્કથી કેન્સરનું જોખમ હોવાના આરોપો લાગતા આવ્યા છે. વાસ્તવમાં, જ્યાંથી ટેલ્કનું ખાણકામ કરવામાં આવે છે, ત્યાંથી એસ્બેસ્ટોસ પણ બહાર આવે છે. એસ્બેસ્ટોસ એ કુદરતી રીતે બનતું સિલિકેટ ખનિજ પણ છે. તે શરીરને નુકસાન પહોંચાડે છે. જ્યારે ટેલ્કનું ખાણકામ કરવામાં આવે છે, ત્યારે તેમાં એસ્બેસ્ટોસ મેળવવાનો ભય રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.