ક્રિપ્ટોમાં કડાકો:બિટકોઈનનો ભાવ 6% ઘટીને 63 હજાર ડૉલરથી નીચે

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ક્રિપ્ટોકરન્સીની કિંમતોમાં મંગળવારે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ દરમિયાન બિટકોઈનનો ભાવ પણ 63 હજાર ડૉલર નીચે પહોંચી ગયો હતો. માર્કેટ કેપની રીતે જોઈએ તો ક્રિપ્ટોકરન્સી બિટકોઈનમાં 6%નો ઘટાડો નોંધાયો હતો. હવે તેનો ભાવ 62,054 ડૉલર પર આવી ગયો છે.

બિટકોઈને હાલમાં જ આશરે 69 હજાર ડૉલરની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો. આ વર્ષે બિટકોઈનમાં 114%નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. ચીનની ક્રિપ્ટોકરન્સીમાં કડાકા વખતે જૂનમાં બિટકોઈનનું મૂલ્ય 30 હજાર ડૉલરથી પણ ઓછું થઈ ગયું હતું. ત્યાર પછી તેમાં સતત રિકવરી જોવા મળી હતી.

ક્રિપ્ટોકરન્સીથી ગંભીર નાણાકીય અસ્થિરતા સર્જાઈ શકે: આરબીઆઈ
મુંબઈ - આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે એસબીઆઈના કોન્કલેવમાં શંકા વ્યક્ત કરી છે કે, ક્રિપ્ટોકરન્સી અને તેનું માર્કેટ નાણાકીય સિસ્ટમમાં અસ્થિરતા સર્જી શકે છે. બ્લોકચેઈન કોઈ નવી ટેકનિક નથી અને તે ક્રિપ્ટો વિના પણ વિકસી શકે છે. લોન આપતી સંસ્થાઓને પણ અમે ચેતવણી આપીએ છીએ કે, ટેક કંપનીઓ સાથે સાવચેતીથી ડીલ કરવી જરૂરી છે.

મોટી ટેક કંપનીઓની સાથે ફાઈનાન્સિયલ ટેક્નોલોજી કંપનીઓ સાથે સોદા કરવામાં પણ સતર્ક રહેવું જોઈએ. આરબીઆઈને નાણાકીય સ્થિરતા જાળવી રાખવાની જવાબદારી સોંપાઈ છે. અમે ચર્ચાવિમર્શ કર્યા પછી આ ચિંતા વ્યક્ત કરીએ છીએ.

કઈ ક્રિપ્ટોકરન્સીમાં કેટલો ઘટાડો

  • ઈથર: બિટકોઈન પછી બીજી અગ્રણી ક્રિપ્ટોકરન્સી ઈથરમાં પણ 6%નો ઘટાડો નોંધાયો છે અને તે 4400 ડૉલર પર આવી ગયો છે. ઈથરમાં પણ એક સમયે બિટકોઈન જેવી તેજી હતી.
  • ડોજકોઈન: કોઈન ડેસ્કના રિપોર્ટ પ્રમાણે ડોજકોઈનના ભાવ 4%થી વધુ ઘટીને 0.25 ડોલરે આવી ગયા છે.
  • શિબુ ઈનુ: શિબુ ઈનુ 2%થી વધુ તૂટ્યો છે અને હવે તેનો ભાવ 0.000051 ડોલર છે.
  • લાઈટકોઈન, એક્સઆરપી, પોલકાડોટ, યુનિસ્વાપ, સ્ટેલર, કાર્ડેનો અને સોલાનામાં પણ છેલ્લા 24 કલાકમાં ઘટાડો જોવા મળ્યો છે.
અન્ય સમાચારો પણ છે...