મધમાખી બનશે કોરોના વોરિયર:RT-PCR છોડો, હવે મધમાખી થોડી ક્ષણોમાં કોરોના રિપોર્ટ આપશે, નેધરલેન્ડમાં મધમાખીઓને અપાઈ તાલીમ

લંડન8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડચ વિજ્ઞાનીઓએ હાલમાં મધમાખીઓને અનોખી તાલીમ આપવાનું શરૂ કર્યુ છે. વાસ્તવમાં વિજ્ઞાનીઓ મધમાખીઓને કોવિડ-19 સંક્રમણની ભાળ મેળવવા માટે તાલીમ આપી રહ્યા છે. મધમાખીઓમાં સૂંઘી શકવાની અને ગંધ-સુર્ગંધને પારખી લેવાની તીવ્ર ક્ષમતા હોય છે. વિજ્ઞાનીઓ કોવિડ-19થી સંક્રમિત સેમ્પલ્સને ઓળખવાની તાલીમ મધમાખીઓને આપી રહ્યા છે. મધમાખીઓ આ મામલે પોતાની ક્ષમતા દર્શાવી પણ રહી છે. વિજ્ઞાનીઓને આશા છે કે મધમાખીઓ તાલીમમાં બરાબર પાર ઊતરશે તો કોવિડ-19 સંક્રમણ અંગેનો રિપોર્ટ થોડા કલાકો નહીં, થોડી ક્ષણોમાં જ મળી જશે.

ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં કોરોના સંક્રમણ માટે RT-PCR રિપોર્ટ મળતાં એક-બે દિવસ લાગી જાય છે. એવામાં જો મધમાખીની મદદથી થોડી ક્ષણોમાં જ જો ખ્યાલ આવે કે વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત છે તો તેને તરત આઈસોલેટ કરી શકાશે અને એ વ્યક્તિથી અન્યને ચેપ લાગવાની શક્યતા સદંતર ઘટી શકે.

મધમાખીઓને કઈ રીતે અપાય છે તાલીમ?
કોરોનાવાયરસથી કોઈ સંક્રમિત છે કે કેમ એ મધમાખીઓને કેવી રીતે ખબર પડે એવો સવાલ સ્વાભાવિક રીતે જ કોઈના મનમાં ઉદભવી શકે. એના જવાબમાં વેજેનિન્જેન યુનિવર્સિટીમાં સ્થિત બાયો-વેટરિનરી રિસર્ચના વિજ્ઞાનીઓ કહે છે કે જ્યારે મધમાખી કોરોના સંક્રમિત સેમ્પલ દર્શાવે છે ત્યારે તેમને ઈનામ આપવામાં આવે છે.

આમ, કરવાથી મધમાખીઓ કોરોના સંક્રમિત સેમ્પલ્સ ઓળખવામાં વધુ તત્પર રહે છે અને એની ગંધ પારખવાની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરતી થાય છે. જ્યારે મધમાખી કોઈ કોરોના સંક્રમિત સેમ્પલ ઓળખી કાઢે તો એને ગળ્યું પ્રવાહી ઈનામ તરીકે અપાય છે. જ્યારે મધમાખી સંક્રમિત ન હોય એવું સેમ્પલ દર્શાવે તો ત્યારે તેને કોઈ ઈનામ મળતું નથી. કોરોના સંક્રમિત સેમ્પલ જોતાં મધમાખી તરત જીભ લાંબી કરે છે

મધમાખી કોઈપણ કોવિડ-19 સંક્રમિત સેમ્પલ પાસે પહોંચે કે તરત એ પોતાની સ્ટ્રો જેવી જીભ પોતાનો રિવોર્ડ મેળવવા માટે લંબાવે છે. મધમાખી જેવી જીભ લંબાવે કે તરત એ નિશ્ચિત થશે કે જે-તે સેમ્પલ કોરોનાવાયરસથી સંક્રમિત છે.
મધમાખી કોઈપણ કોવિડ-19 સંક્રમિત સેમ્પલ પાસે પહોંચે કે તરત એ પોતાની સ્ટ્રો જેવી જીભ પોતાનો રિવોર્ડ મેળવવા માટે લંબાવે છે. મધમાખી જેવી જીભ લંબાવે કે તરત એ નિશ્ચિત થશે કે જે-તે સેમ્પલ કોરોનાવાયરસથી સંક્રમિત છે.

મધમાખીઓને કોવિડ-19 સંક્રમણની ભાળ મેળવવા તાલીમ આપવાના આ પ્રોજેક્ટમાં સામેલ પ્રોફેસર ઓફ વાયરોલોજી વિમ વેન ડેર પોએલ કહે છે કે અમે બી-કિપર પાસેથી સામાન્ય એવી મધમાખીઓ મેળવી અને એને મધપૂડા માટેની પેટીઓમાં રાખી. અમે મધમાખીઓને જ્યારે કોરોના પોઝિટિવ સેમ્પલ્સ સાથે રાખી ત્યારે તેની સાથે ગળ્યું પાણી પણ રાખ્યું. આમ કરવાથી જ્યારે પણ આ મધમાખી કોઈપણ કોવિડ-19 સંક્રમિત સેમ્પલ પાસે પહોંચે કે તરત તે પોતાની સ્ટ્રો જેવી જીભ પોતાનો રિવોર્ડ મેળવવા માટે લંબાવે છે. મધમાખી જેવી જીભ લંબાવે કે તરત એ નિશ્ચિત થશે કે જે-તે સેમ્પલ કોરોના વાયરસથી સંક્રમિત છે. આ રીતે તાલીમ પામેલી મધમાખી વ્યક્તિ પાસેથી લેવાયેલા સેમ્પલની ગંધ માત્રથી થોડી ક્ષણોમાં જ જણાવશે કે તે કોરોના સંક્રમિત છે કે નહીં.

કલાકો-દિવસો પછી મળતા RT-PCR રિપોર્ટ કરતાં સસ્તો ઉપાય
આજે કોરોના મહામારીની સ્થિતિમાં સંક્રમણ છે કે નહીં એ દર્શાવતો RT-PCR રિપોર્ટ આવતાં કલાકો કે દિવસો પણ નીકળી જાય છે અને તેમાં આસાનીથી 1000 રૂપિયા જેટલો ખર્ચ પણ થાય છે. એવામાં મધમાખીની મદદથી કોરોના સંક્રમણની ભાળ મેળવવી એ માત્ર થોડી સેકન્ડ્સનો મામલો છે અને આ રિપોર્ટમાં ખર્ચ પણ મામૂલી જ આવશે, કેમ કે મધમાખી કોવિડ-19 સંક્રમણ અંગે તરત પ્રતિક્રિયા આપે છે. આ પદ્ધતિ ઘણી સસ્તી સાબિત થશે. ખાસ બાબત એ છે કે મધમાખીની મદદથી જ્યાં લેબોરેટરી ટેસ્ટ ઉપલબ્ધ જ નથી એવા દેશોમાં ઘણી રાહત મળશે.

મધમાખીથી સંક્રમણના રિપોર્ટ અંગે મતમતાંતર
મધમાખીની મદદથી કોવિડ-19 સંક્રમિત સેમ્પલને ઓળખવાની પદ્ધતિ આવકારદાયક બની શકે એમ છે, પરંતુ કેટલાક વિજ્ઞાનીઓ આ અંગે જુદું માને છે. બેલ્જિયમની ઘેન્ટ યુનિવર્સિટીના ઈમ્યુનોલોજી પ્રોફેસર ડિર્ક ડે ગ્રાફ કહે છે, તેમને લાગતું નથી કે નજીકના ભવિષ્યમાં કોવિડ-19 ટેસ્ટ માટેની વધુ પરંપરાગત સ્વરૂપની પદ્ધતિ આવી શકે. પ્રોફેસર ડિર્ક ડે ગ્રાફે મધમાખી, જંતુઓ અને પ્રાણીઓની ઈમ્યુનોલોજી પર અનેક અભ્યાસ કર્યા છે.

તેઓ કહે છે, “મધમાખીની મદદથી કોરોના સંક્રમણ છે કે નહીં એ જાણવું એ સારો આઈડિયા છે, પણ હું કોરોનાનો ટેસ્ટ ક્લાસિક ડાયોગ્નોસ્ટિક ટૂલ્સથી થાય એમ ઈચ્છીશ, મધમાખીથી નહીં. હું મધમાખીઓને પસંદ કરું છું, પણ ેનો ઉપયોગ કોરોના સંક્રમણની ભાળ મેળવવા નહીં, પણ બીજા હેતુ માટે કરીશ. જોકે તેમણે જ્યાં કોરોના ટેસ્ટ માટે લેબોરેટરી જ ઉપલબ્ધ નથી એવાં સ્થળોએ આ પ્રયોગ કરી શકાય એ માટે મેં સહમતી દર્શાવી હતી.

અગાઉ વિસ્ફોટકો શોધવા મધમાખી અને એવા જંતુઓની લેવાઈ છે મદદ
જીવજંતુની ગંધ પારખવાની ક્ષમતાનો ઉપયોગ અગાઉ અમેરિકાના સંરક્ષણ વિભાગ દ્વારા થઈ ચૂક્યો છે, જેમાં 1990માં જીવજંતુઓની મદદથી છુપાવેલા વિસ્ફોટકો શોધી કાઢવામાં આવ્યા હતા. સુરક્ષાના હેતુથી અત્યારસુધીમાં મોથ, મધમાખીઓ તથા ભમરી જેવા જંતુઓની આ ક્ષમતાનો ઉપયોગ વિસ્ફોટકો શોધવા માટે થઈ ચૂક્યો છે.