• Gujarati News
  • Business
  • Banks Deprive Retail Borrowers Of Interest Reduction Benefits Despite RBI Intervention

ભાસ્કર એનાલિસિસ:RBIની દરમિયાનગીરી છતાં રિટેલ લોનધારકોને વ્યાજમાં ઘટાડાના લાભથી વંચિત રાખતી બેન્કો

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો વધારવાની વકી, ગ્રાહકો પર બોજ વધશે

વ્યાજના દરોમાં ઘટાડાનો સિલસિલો જે ફેબ્રુઆરી 2019થી શરૂ થયો હતો તે હવે સમાપ્ત થવાના આરે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં પોલિસી રેટમાં વધારો કરવાના અહેવાલો છે. જો કે, ડેટાના વિશ્લેષણમાં એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે કે, વાસ્તવમાં છેલ્લા અઢી વર્ષમાં લોન લેનારાઓને વ્યાજના દરોમાં ઘટાડાનો સંપૂર્ણ લાભ મળ્યો નથી

. ફેબ્રુઆરી 2019થી રેપો રેટમાં અત્યારસુધી 250 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે ઓગસ્ટ 2021 સુધી તમામ બેંકોની બાકી લોનના વેઈટેડ એવરેજ લેન્ડિંગ રેટ (WALR)માં માત્ર 118 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. મોટા ઉદ્યોગો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેપાર અને વ્યવસાયિક સેવાઓમાં વ્યાજના દરોમાં ઘટાડાનું ટ્રાન્સમિશન ઝડપથી થયું હતું. માર્ચ 2019 અને ઓગસ્ટ 2021 દરમિયાન તેમાં 181 થી 226 પોઈન્ટનો ઘટાડો થયો હતો.

બીજી તરફ, હાઉસિંગ, વાહન અને શિક્ષણ લોન જેવી રિટેલ લોનના WALRમાં માત્ર 98 થી 185 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. એમએસએમઈની બાકી લોનના WALRમાં પણ માત્ર 182 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. માર્ચ, 2020થી શરૂ થયેલી કોવિડ મહામારીના કારણે ફુગાવાને અંકુશમાં રાખવા માટે આરબીઆઈએ મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરોમાં સતત ઘટાડો કર્યો હતો.

જો કે, કોવિડની બીજી લહેર બાદ મોટાભાગના સેક્ટર્સમાં પ્રિ-કોવિડ સ્તરે રિકવરી જોવા મળી છે. વરસાદ સામાન્ય રહેતાં ઉત્પાદનો સારા રહેવાના આશાવાદ સાથે ખાદ્ય ચીજોનો ફુગાવો અંકુશમાં રહેવાનો સંકેત છે. તમામ પરિબળોને ધ્યાનમાં રાખતાં આગામી સમયમાં આરબીઆઈ વ્યાજના દરોમાં વધારો કરી શકે છે.

પોલિસી રેટમાં ઘટાડાની લોનના દરો પર તાત્કાલિક કોઈ અસર નહીં
બેંકો દ્વારા ફાળવવામાં આવતી લોનનો મોટો હિસ્સો થાપણદારો દ્વારા જમા મૂડીમાંથી આવે છે. જેમાં ચાલુ ખાતા અને બચત ખાતા (CASAs)નો સમાવેશ થાય છે. બીજી તરફ, આરબીઆઈની રેપો કામગીરી પર બેન્કોની નિર્ભરતા માત્ર 10% છે. MCLR -આધારિત લોન બેંકોની કુલ ફ્લોટિંગ રેટ લોનમાં 60% હિસ્સો ધરાવે છે. આ તમામ પરિબળોને લીધે બેંકો માટે રેપો રેટના ઘટાડાનો લાભ લોનધારકો સુધી પહોંચાડવું મુશ્કેલ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...