તહેવારોની સિઝન બાદ ઓટોમોબાઈલ સેક્ટરમાં સર્જાયેલી મંદીમાં મજબૂત રિકવરી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે સેમી કંડ્કટરની અછતના પડકારો વચ્ચે દેશમાં પેસેન્જર વાહનોની મજબૂત માગ સાથે વેચાણો બમણાથી વધ્યા છે. મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઈ અને તાતા મોટર્સ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કિઆ મોટર્સ, ટોયોટા, હોન્ડા અને સ્કોડા સહિતની ઓટો કંપનીઓએ રેકોર્ડ વેચાણો નોંધાવ્યા છે.
દેશની ટોચની ઓટોમોબાઈલ મારૂતિ સુઝુકીએ મેમાં 134222 કાર વેચી હતી. ગતવર્ષે સમાનગાળામાં 35293 વાહનો વેચ્યા હતાં. નવી કાર માટે પૂછપરછ અને બુકિંગમાં મજબૂત રિકવરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સપ્લાય ચેઈન, ચીપ્સના પડકારો યથાવત છે. જે ક્યારે દૂર થશે તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાનું મારૂતિ સુઝુકીના શશાંક શ્રીવાસ્તવે જણાવ્યુ હતું. કુલ પેસેન્જર વાહનોના વેચાણો બમણા થયા છે.
ગતવર્ષે મેમાં કુલ 1.03 લાખ પેસેન્જર વાહનો સામે આ વર્ષે 2.94 લાખ યુનિટ પેસેન્જર વાહનો વેચાયા છે. પ્રથમ ત્રિમાસિકના અંતે 9 લાખ પેસેન્જર વાહનો વેચાવાનો સંકેત છે. ગત મહિને મીની કાર, અલ્ટોના વેચાણો સાડા ત્રણ ગણા વધી 17408 યુનિટ (4760) નોંધાયા છે.
તાતા મોટર્સનો નવો રેકોર્ડ: દર મહિને રેકોર્ડ વેચાણો નોંધાવી રહી છે. મેમાં 43341 પેસેન્જર વાહનોના જથ્થાબંધ વેચાણો નોંધાયા છે. ઈલેક્ટ્રિક કારના વેચાણો 476 યુનિટ સામે રેકોર્ડ 3454 યુનિટ રહ્યા છે. હ્યુન્ડાઈ મોટર્સે સ્થાનિક સ્તરે મેમાં 42293 પીવી વેચી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પેસેન્જર વેચાણો 26904 યુનિટ રહ્યા છે.
જૂનની શરૂઆતથી ઉત્પાદનમાં વધારો થશે
સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત માગને પહોંચી વળવા ઓટો કંપનીઓ જૂનથી ઉત્પાદનમાં વધારો કરવાની યોજના ધરાવે છે. વેઈટિંગ લિસ્ટમાં સામેલ ગ્રાહકોને ઝડપથી ડિલિવરી આપવા કંપનીઓ પ્રયત્નશીલ બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.