તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બપ્પા વિઘ્ન હરશે:ઓટો સેલ્સ ગણેશ ચતુર્થી પર 15થી 25 ટકા વધવાની શક્યતા: ઓટો કંપનીઓ

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોવિડની બીજી લહેરમાં મંદીનો માર સહન કરી રહેલા ઓટો સેક્ટરને ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે 15થી 25 ટકા વેચાણો વધવાનો આશાવાદ છે. ઓગસ્ટમાં શરૂ થયેલા તહેવારોના પગલે ઓટો સેલ્સ 14 ટકા વધી 13,84,711 યુનિટ રહ્યા છે. પેસેન્જર વાહનોના રિટેલ વેચાણો ઓગસ્ટમાં 39 ટકા વધી 2,53,363 યુનિટ રહ્યાં હતાં.

ગતવર્ષે 1,82,651 પેસેન્જર વાહનો વેચાયા હતાં. કોમર્શિયલ વાહનોના સેગમેન્ટમાં વેચાણો ગતવર્ષ 26851 યુનિટ સામે 98 ટકા વધી 53510 યુનિટ નોંધાયા છે.તાતા મોટર્સના પ્રેસિડન્ટ શૈલેષ ચંદ્રાએ જણાવ્યા અનુસાર, બીજી લહેર બાદથી રિકવરી જોવા મળી છે. ફેસ્ટિવ સિઝનમાં નવી ગાડીઓ લોન્ચ થવાથી માગ વધશે.

મારૂતિ સુઝુકીના માર્કેટિંગ હેડ શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, કેરળમાં ઓણમથી ફેસ્ટિવ સિઝન શરૂ થઈ ચૂકી છે. જે દરમિયાન ઓટો વેચાણો 20-25 ટકા વધ્યાં છે. ગણેશ ચતુર્થીમાં પણ આ આશાવાદ છે. ઓટો ડીલર્સ એસોસિએશન ફાડાના પ્રેસિડન્ટ વિંકેશ ગુલાટીએ જણાવ્યું હતું કે, તહેવારની સિઝનમાં વાર્ષિક ધોરણે 10-15% વધારો થવાની આશા છે. જેમાં ટુ વ્હિલર્સમાં ગ્રોથ વધુ રહેવાની સંભાવના છે.

થ્રી વ્હિલર્સમાં 80 ટકા, ટુ વ્હિલર્સના વેચાણો 7 ટકા વધ્યા
ટુ વ્હિલર્સના વેચાણો 7 ટકા વધી 976051 યુનિટ રહ્યાં હતાં. ગતવર્ષે ઓગસ્ટમાં 915126 ટુ વ્હિલર્સ વેચાયા હતાં. 30410 થ્રી વ્હિલર્સ વેચાયા છે. જે ગતવર્ષની 16923 યુનિટની તુલનાએ 80% વૃદ્ધિ દર્શાવે છે. ગતવર્ષે 12,09,550 વાહનો વેચાયા હતાં. ઈન્વેન્ટરીના નીચા સ્તર, તેમજ ફાસ્ટ-મુવિંગ મોડલની ગેરહાજરી જેવી સમસ્યાઓ નડી શકે છે. ઉપરાંત કન્ટેનર્સની અછત, મેટલના વધતા ભાવો પણ અસર કરી રહ્યાં છે. મારૂતિએ હાલમાં જ કારના ભાવોમાં વધારો કર્યો છે. અન્ય ઓટો કંપનીઓ પણ ટૂંકસમયમાં વધારો કરી શકે છે.

સેમીકંડક્ટરની અછત તહેવારોમાં પેસેન્જર વાહનો માટે જોખમીઃ વાહનોના ઉત્પાદનમાં વપરાતા સેમીકંડક્ટર ચીપની અછતના પગલે આગામી તહેવારોની સિઝનમાં પેસેન્જર વાહનોના વેચાણો પર અસર થવાની ભીતિ ફાડાએ વ્યક્ત કરી છે. હાલ ઓટો કંપનીઓ ઉત્પાદનોમાં પડકારોના પગલે વાહનોનો પર્યાપ્ત પુરવઠો પૂરો પાડવામાં અસમર્થ બની છે. જે તહેવારોની સિઝનમાં ઓટો સેક્ટર માટે જોખમી બનશે.

તહેવારો માટે અલગથી તૈયારી

  • માગ સામે પુરવઠો ઓછો હોવાથી ડિસ્કાઉન્ટમાં ઘટાડો થશે
  • ગ્રાહકોને આકર્ષવા ગાડીઓના નવા મોડલ લોન્ચ કરી રહી છે કંપનીઓ
  • ફાઈનાન્સની સરળ સુવિધા પર ફોકસ

મજબૂત માગ સામે પુરવઠામાં અભાવ પડકારરૂપ
મહારાષ્ટ્ર ખાસ કરીને મુંબઈમાં કોવિડના કેસો સતત વધી રહ્યા હોવા છતાં ગણેશ ચતુર્થી પર માગ સારી રહેશે. પેસેન્જર વાહનોની માગ મજબૂત છે. પરંતુ પુરવઠામાં પડકાર યથાવત છે. > વિંકેશ ગુલાટી, પ્રેસિડન્ટ, ફાડા

અન્ય સમાચારો પણ છે...