ઓટો સેક્ટરે કિક મારી:તહેવારોના શ્રીગણેશ સાથે ઓટો વેચાણ ટોપ ગિયરમાં: ઓગસ્ટમાં 3.5 લાખ કાર વેચાઇ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેમિકન્ડક્ટરની શોર્ટેજ દૂર થતા દેશમાં સતત પાંચમાં મહિને કારોનું વેચાણ 3 લાખને ક્રોસ

દેશમાં ઓગસ્ટ મહિનાથી શરૂ થયેલી તહેવારોની સિઝન તેમજ સેમીકન્ડક્ટરની અછત દૂર થવાને કારણે ઓટો સેક્ટરે રફ્તાર પકડી છે. ખાસ કરીને ઓગસ્ટ દરમિયાન મારુતિ સુઝુકી, તાતા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમજ કિયા જેવી કંપનીઓના વેચાણમાં વૃદ્વિ જોવા મળી હતી.

ઓગસ્ટ 2022 દરમિયાન 30 ટકાની વૃદ્વિ સાથે દેશભરમાં કુલ 3.5 લાખ કારનું વેચાણ થયું હતું. ઓટો સેક્ટર માટે ઓગસ્ટ મહિનો શુકનિયાળ સાબિત થતા 3.5 લાખ કારનું વેચાણ થયું હતું અને ઓગસ્ટ સતત પાંચમો મહિનો રહ્યો હતો જ્યારે કારનું હોલસેલ વેચાણ 3 લાખથી ઉપર રહ્યું હતું. જુલાઇ 2022 દરમિયાન પણ 3.41 લાખ કારનું વેચાણ થયું હતું. દેશની અગ્રણી કંપની મારૂતિએ જ માત્ર ઓગસ્ટ મહિનામાં 1,34,166 યુનિટ્સના વેચાણ સાથે 30 ટકાની વૃદ્વિ નોંધાવી હતી.

દેશના સૌથી મોટા ઓટો ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાનું પેસેન્જર વાહનોનું વેચાણ ઓગસ્ટ દરમિયાન 30 ટકા વધીને 1,34,166 યુનિટ્સ રહ્યું હતું જે વર્ષ પહેલાના સમાન સમયગાળા દરમિયાન 1,03,187 યુનિટ્સ રહ્યું હતું. બ્રિઝા, અર્ટિગા, એસ-ક્રોસ અને XL6 જેવા યુટિલિટી વાહનોનું વેચાણ 26,932 યુનિટ્સ રહ્યું હતું જે ગત મહિના દરમિયાન 24337 યુનિટ્સ હતું.

મારુતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શંશાક શ્રીવાસ્તવે જણાવ્યું કે જુલાઇના 3.42 લાખ યુનિટ્સના રેકોર્ડ વેચાણ તેમજ સતત બે ક્વાર્ટર દરમિયાન 9 લાખથી વધુ યુનિટ્સના વેચાણ સાથે આગામી સમયમાં પણ માંગ મજબૂત જોવા મળશે તેમજ માંગને પહોંચી વળવા માટે ઉત્પાદનને પણ મોટા પાયે વધારવામાં આવશે.

મારુતિએ સૌથી વધુ 1.34 લાખ કાર વેચી
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ગત મહિનામાં સૌથી વધુ 1,34,166 કારનું વેચાણ કર્યું હતું. જે વાર્ષિક સ્તરે 30% વૃદ્વિ દર્શાવે છે. તાતા મોટર્સે ઓગસ્ટમાં હોલસેલ કારના વેચાણમાં 68%ના વધારા સાથે 47,166 કાર વેચી હતી. અત્યારે કાર ડીલર્સ પાસે લગભગ 6.5 લાખથી 7 લાખ કારના ઓર્ડરનો બેકલોગ છે.

ડોમેસ્ટિક સાથે નિકાસ વેચાણમાં ઝડપી વૃદ્ધિ
નિસાન મોટર ઇન્ડિયાએ હોલસેલ 8915 યુનિટનું વેચાણ નોંધવાયું છે જેમાં 3283 યુનિટનું સ્થાનિક અને 5632 યુનિટની નિકાસ નોંધાઈ છે. કુલ હોલસેલ વેચાણમાં 29 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. વૈશ્વિક માર્કેટમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. નિકાસમાં માસિક ધોરણે 534%, એક વર્ષમાં 71 ટકાનો વધારો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...