• Gujarati News
  • Business
  • Auto Industry To Become Self sufficient, India To Become Top Manufacturing Hub Globally: SIAM

આત્મનિર્ભર ઓટો:ઓટો ઇન્ડસ્ટ્રી આત્મનિર્ભર બનશે, ભારત વૈશ્વિક સ્તરે ટોચનું ઉત્પાદક કેન્દ્ર બની શકે: SIAM

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતનું વર્ષ 2047 સુધીમાં સમગ્ર મેન્યુફેક્ચરિંગ ચેઇનમાં 100% આત્મનિર્ભર બનવાનું લક્ષ્યાંક

ભારત હવે ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. આ જ દિશામાં હવે ભારતનો ઓટોમોબાઇલ ઉદ્યોગ આગામી 25 વર્ષમાં વાહનોના દરેક સેગમેન્ટમાં વૈશ્વિક સ્તરે ટોચના બે ઉત્પાદકોમાં સામેલ થવાનું લક્ષ્યાંક ધરાવે છે તેવું SIAMના પ્રેસિડેન્ટ કેનિચી અયુકાવાએ જણાવ્યું હતું.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના 62માં વાર્ષિક સત્રને સંબોધિત કરતા અયુકાવાએ જણાવ્યું હતું કે ભારત વર્ષ 2047 સુધી સમગ્ર મેન્યુફેક્ચરિંગની વેલ્યૂ ચેઇનમાં 100 ટકા આત્મનિર્ભર બનવા માટેનું લક્ષ્ય રાખે છે. ઓટો ઇન્ડસ્ટ્રીએ ભારત-100 કરીને એક દૂરંદેશી દર્શાવી છે. તે પ્રમાણે ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી વિશ્વમાં ઓટોમોબાઇલના દરેક સેગમેન્ટમાં ટોચના બે વિશાળ ઉત્પાદક બનવાની સિદ્વિ હાંસલ કરશે. તે ઉપરાંત ઇન્ડસ્ટ્રી આગામી 25 વર્ષમાં ક્લીન એનર્જી વ્હીકલ્સમાં પણ વર્ચસ્વ મેળવશે.

એનો અર્થ છે કે દરેક શક્ય ટેક્નોલોજી જેમ કે ઇલેક્ટ્રિક બેટરી, ઇથેનોલ, ફ્લેક્સ ફ્યુલ, બાયો-સીએનજી, હાઇબ્રિડ ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન વગેરેનો તેમાં સમાવેશ થાય છે. આ મહત્વાકાંક્ષી લક્ષ્યને સિદ્વ કરવા માટે ઇન્ડસ્ટ્રીએ સ્પર્ધાત્મક યુગમાં વધુ સજ્જ રહેવું પડશે. તે ઉપરાંત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તે ઉપરાંત રોકાણ, ટેક્નોલોજી તેમજ ઉત્પાદનોના વિકાસ માટે શ્રેષ્ઠ યોજના ઘડવા માટે લાંબા ગાળાનો નિયમનકારી રોડમેપ મહત્વનો ભાગ ભજવશે.

તે ઉપરાંત ઇન્ડસ્ટ્રી દ્વારા સક્ષમ ટેક્નોલોજીના ઉત્પાદન તેમજ ન્યૂ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ ધ્યાન આપવાની પણ જરૂરિયાત રહેશે. તદુપરાંત, આપણે સલામતી, ટેલિમેટિક્સ, ઇન્ફોટેઇનમેન્ટ, ગ્રાહકો માટે નવા ફીચર્સ જેવા અન્ય પરિબળો પર પણ વધુ કામ કરવાની તૈયારી રાખવી પડશે.

ઇન્ડસ્ટ્રી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ટોચનું ઉત્પાદક બની શકે તે હેતુસર કર્મચારીઓને વધુ કૌશલ્ય અને આવડત માટે તાલીમ આપવી પડશે. તાજેતરના માર્કેટ પ્રવાહ અંગે સમજાવતા અયુકાવાએ કહ્યું હતું કે સ્થાનિક ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી મહામારીના પહેલાના સમયથી માળખાકીય મંદીમાંથી પસાર થઇ રહી છે.

દરેક જિલ્લામાં 3 વ્હિકલ સ્ક્રેપિંગ પ્લાન્ટ શરૂ કરાશે
કેન્દ્ર સરકારે દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા ત્રણ રજિસ્ટર્ડ વ્હિકલ સ્ક્રેપિંગ પ્લાન્ટ ખોલવાની યોજના બનાવી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી. તેઓ ઓટો પાર્ટ્સ કંપનીઓના સંગઠન એકમાના વાર્ષિક કાર્યક્રમમાં જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ઓગસ્ટમાં નેશનલ વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી રજૂ કરી હતી.નવી નીતિ હેઠળ, કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જૂના વાહનોને સ્ક્રેપ કર્યા પછી ખરીદેલા વાહનો માટે રોડ ટેક્સ પર 25% સુધીની કર મુક્તિ આપશે. વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી 1લી એપ્રિલ 2022થી અમલમાં આવી છે.

દેશના જીડીપીમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનું 6% યોગદાન
દેશની આર્થિક વૃદ્વિમાં વાર્ષિક 120 અબજ ડોલરના ટર્નઓવર સાથે ઓટો ઇન્ડસ્ટ્રી મહત્વની ભૂમિકા ધરાવે છે. તદુપરાંત દેશના કુલ જીડીપીમાં ઓટો ઇન્ડસ્ટ્રીનું યોગદાન 6 ટકા છે અને દેશના મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનમાં તેનો હિસ્સો 35 ટકા છે. સ્થાનિક ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી દેશના 3 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે અને GSTમાં પણ રૂ. 1.5 લાખ કરોડનું યોગદાન છે.

અન્ય સમાચારો પણ છે...