1 એપ્રિલથી શરૂ થનારું નવું નાણાવર્ષ માર્કેટ માટે લાભદાયક સાબિત થઇ શકે છે. વિશ્લેષકો અનુસાર રિટેલ માર્કેટમાં મજબૂતી, એક પછી એક IPL, ગ્રામીણ માંગમાં સારા સંકેતથી વેચાણ ત્રણ વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી શકે છે. કંપનીઓએ આ તક ઝડપવા માટે ગ્રાહકોને આકર્ષિત કરવા કમર કસી છે.
કંપનીઓના ઇરાદા દર્શાવે છે કે આગામી ક્વાર્ટરમાં પ્રચાર-પ્રસાર માટે મોટો ખર્ચ કરશે. કોમ્યુનિકેશન એજન્સી મેડિસન વર્લ્ડના ચેરમેન સેમ બલસારા કહે છે કે ભારતીય અર્થતંત્ર ફરીથી મજબૂત વાપસી જોવા માટે તૈયાર છે કારણ કે આ વર્ષે અનેક કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બનાવતી ઇન્ડસ્ટ્રીના ફરીથી ઉદયની શક્યતા છે. મહામારી વખતે ઇન્ડસ્ટ્રીને ફટકો પડ્યો હતો. ગ્રામીણ માંગમાં ફરીથી તેજીના સંકેતો અને ટૂરિઝમમાં તેજીથી કંપનીઓ જાહેરાતો પાછળ પણ જંગી ખર્ચ કરી રહી છે. ગોદરેજ, કોકાકોલા, ડાબર, મારુતિ, બિસલરી, લોટસ હર્બલ્સ અને હિટાચીના સીઈઓએ પણ કહ્યું છે કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેમનું વેચાણ વધવાની શક્યતા છે. એટલે જ જાહેરાત અને માર્કેટિંગ પાછળ વધુ ખર્ચ કરશે.
આ વખતે અત્યારથી ગરમી વધી છે અને માર્કેટમાં પ્રોડક્ટ્સની માંગ વધી છે. કેટલાક સીઈઓના મતે આ તકનો લાભ ઉઠાવવા માટે જાહેરાત ખર્ચમાં વધારો, પ્રોડક્ટ્સના પ્રચારને વધુ તર્કસંગત બનાવવો તેમજ પાવર બ્રાન્ડ્સ બનાવવા પર ફોકસ કરવાનું રહેશે. વિશ્લેષકોના મતે પોતાના એક તૃતીયાંશ વેચાણ માટે ગ્રામીણ માંગ પર નિર્ભર એફએમસીજી કંપનીઓને આશા છે કે જાહેરાત પર વધુ ખર્ચથી વેચાણ વધશે અને નવા ગ્રાહકો પણ મળશે.
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ (માર્કેટિંગ-સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે 2023-24 અમારા માટે સર્વાધિક વેચાણનું વર્ષ સાબિત થશે. અનેક નવી પ્રોડક્ટ્સનું લોન્ચિંગ તેમજ કેમ્પેઇનની સાથે અંદાજે રૂ. 1,500 કરોડના માર્કેટિંગ ખર્ચનું અનુમાન છે. આગામી વર્ષે જાહેરાત ખર્ચમાં પણ 15-20%નો વધારો કરીશું. ગોદરેજ એપ્લાયન્સિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ કમલ નંદીએ કહ્યું કે વધતા તાપમાનથી વધેલી માંગને જોતા અમે ઉનાળામાં કૂલિંગ કેટેગરીમાં બ્રાન્ડ ખર્ચ વધારીશું. કોકાકોલા ઇન્ડિયા અને સાઉથ વેસ્ટ એશિયાના વાઇસ પ્રેસિડેન્ટ (માર્કેટિંગ) અર્નબ રોયે જણાવ્યું કે બિઝનેસમાં મજબૂત મોમેન્ટમ છે. એટલે જ ગત વર્ષની તુલનામાં આ વર્ષે જાહેરાત પાછળ વધુ ખર્ચ કરીશું.
બિસલરી, લોટસ હર્બલ્સે પણ વધુ ખર્ચનો હેતુ વ્યક્ત કર્યો છે. મીડિયા ઇન્વેસ્ટમેન્ટ કંપની ગ્રૂપ એમના સાઉથ વેસ્ટ એશિયાના સીઇઓ પ્રશાંતકુમારના મતે, ત્રણ વર્ષમાં વ્યાપક આર્થિક ઉતાર-ચઢાવ અને વૈશ્વિક ઘટનાઓથી વેચાણને અસર થઇ છે. હવે આશા છે કે ભારતીય અર્થતંત્ર આ પડકારોનો સામનો કરશે અને વૃદ્ધિ નોંધાવશે. ગ્રૂપ એમના ફેબ્રુઆરીના રિપોર્ટમાં અનુમાન વ્યક્ત કરાયું છે કે 2023માં દેશમાં વેચાણ વધવાથી જાહેરાત ખર્ચમાં પણ 15.5%નો વધારો થશે.
આ રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2022ની તુલનામાં આ વર્ષે જાહેરાત પાછળના ખર્ચમાં રૂ.20,000 કરોડનો વધારો થશે. તેનો શ્રેય ગ્રામીણ અર્થતંત્રમાં રિકવરી છે. ટૂરિઝમ ક્ષેત્રે તેજી અને ટોચના શહેરોમાં 5જી સેવાઓનું વિસ્તરણ પણ તેનું કારણ છે. આ વર્ષે જાહેરાત પાછળનો ખર્ચ રૂ. 1,46,450 કરોડ સુધી પહોંચવાનું પણ અનુમાન છે.
આ વર્ષે વહેલા ઉનાળાથી અર્થતંત્રને ઝડપી ગતિ મળી
વિશ્લેષકો અનુસાર આ વર્ષે વહેલા ઉનાળાને કારણે પણ અર્થતંત્રને ગતિ આપવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક કંપનીઓએ પણ માર્કેટની આ માંગને પૂરી કરવા માટે તૈયારી કરી છે. પેનાસોનિક માર્કેટિંગ અને પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ ઇન્ડિયાના એમડી ફુમિયાસુ ફુજિમોરી કહે છે કે અમે આ વર્ષે એસી, ફ્રિજ જેવી સમર પ્રોડક્ટ્સના વેચાણમાં સારા ગ્રોથની આશા રાખીએ છીએ. આ વર્ષે ગ્રોથ મોમેન્ટમ ડબલ ડિજિટમાં રહેવાની આશા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.