કોવિડ મહામારી પછી વ્યવસાયિક પ્રવૃત્તિ ફરી શરૂ થતાં અને બજાર ફરી ધમધમી ઉઠતાં લોનની માગ વધી છે. જે અર્થતંત્રની વૃદ્ધિની ગતિને વેગ આપી રહી છે. નીચા વ્યાજ દરોને કારણે ગત નાણાકીય વર્ષના છેલ્લા મહિને ક્રેડિટ ગ્રોથમાં તેજી આવી હતી. રિસર્ચ ફર્મ કેરએજના આંકડાઓ અનુસાર, માર્ચમાં રિટેલ (પર્સનલ) લોનનો ગ્રોથ વાર્ષિક ધોરણે 10.7%થી વધી 12.4% થયો છે.
આ સમયગાળા દરમિયાન, નોન ફૂડ ક્રેડિટ ગ્રોથ બમણાથી વધ્યો હતો. જ્યારે માર્ચ 2021માં આ સેગમેન્ટનો ક્રેડિટ ગ્રોથ 4.5% હતો, તે માર્ચ 2022માં વધીને 9.7% થયો હતો. આના કારણે બેન્કિંગ સેક્ટરનો ક્રેડિટ ગ્રોથ બમણાથી વધી 9.6% થયો છે. પરિણામે બેન્કોની કામગીરીમાં સુધારો થયો છે. માર્ચમાં જાહેર ક્ષેત્રની બેન્કોના નફામાં વાર્ષિક ધોરણે 80% અને ખાનગી બેન્કોના નફામાં 87% વધારો થયો છે.
માત્ર માર્ચમાં જ નહીં, પરંતુ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં પણ જાહેર ક્ષેત્રની બેન્કોનો નફો 86.5% વધીને રૂ. 18,088 કરોડ થયો છે. આ સમયગાળા દરમિયાન ખાનગી બેન્કોનો નફો 90% વધી રૂ. 30,439 કરોડના સ્તરે પહોંચી ગયો છે.
એક વર્ષમાં બેન્કોનો લોન ખર્ચ અડધો થયો
માર્ચ ક્વાર્ટરમાં દેશની તમામ શેડ્યૂલ્ડ બેન્કોની ક્રેડિટ કોસ્ટ ઘટીને 0.7% થઈ ગઈ, જે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર 2021માં 1.4% અને માર્ચ ક્વાર્ટર 2020માં 2.0% હતી. દરમિયાન, જાહેર ક્ષેત્રની બેન્કોનો લોન ખર્ચ 1.3% થી ઘટીને 0.9% નોંધાયો છે. ખાનગી બેન્કોની ક્રેડિટ કોસ્ટ પણ 1.7% થી 0.5% ઘટી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.