વીડિયોકોન ગ્રુપના ફાઉન્ડર વેણુગોપાલ ધૂતને જામીન:CBIએ 26 ડિસેમ્બર 2022એ કરી હતી ધરપકડ, બેંક ફ્રોડનો આરોપ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોમ્બે હાઈકોર્ટે વીડિયોકોન ગ્રુપના ફાઉન્ડર વેણુગોપાલ ધૂતને વચગાળાના જામીન આપી દીધા છે. આ વચગાળાના જામીન જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચૌહાણે આપ્યા હતા. ધૂતે તેમની ધરપકડ ગેરકાયદેસર જણાવતા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ICICI બેંક લોન ફ્રોડ કેસમાં CBI દ્વારા તેમની 26 ડિસેમ્બર 2022એ ધરપકડ કરવામાં આવી હતી.

પોતાની અરજીમાં ધૂતે બંધારણની કલમ 226 અને 227 હેઠળ સ્પેશિયલ CBI કોર્ટને 26, 28 અને 29 ડિસેમ્બર 2022ના રિમાન્ડના આદેશને રદ કરવાની માગ કરી હતી. આ સાથે જ તેમણે ધરપકડને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીઝર, 1973ની સેક્શન 41 અને 41 Aનો ભંગ કહ્યો હતો. આ વચ્ચે 9 જાન્યુઆરીએ પૂર્વ ICICI બેંકના MD ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા.

નિયમોને ધ્યાનમાં રાખીને લોન આપી હતી.
આરોપ છે કે ચંદા કોચરે દેશના સૌથી મોટી પ્રાઈવેટ બેંકમાંથી એક ICICI બેંકની કમાન સંભાળી, ત્યારે વીડિયોકોનની વિવિધ કંપનીઓની નિયમ પ્રમાણે લોન મંજૂર કરી હતી. 2012માં વીડિયોકોન ગ્રુપની કંપનીઓના 6 એકાઉન્ટના હાલના બેલેન્સને ડોમેસ્ટિક ડેટ રિફાઈનાન્સિંગ હેઠળ મંજૂર કરાયેલા 1,730 કરોડ રૂપિયાની લોન સામે એડજસ્ટ કરાયું હતું.

CBIએ જણાવ્યું હતું કે, 2012માં આપવામાં આવેલા 3,250 કરોડના લોનમાંથી 2,810 કરોડ રૂપિયા(લગભગ 86%) ચૂકવવામાં આવ્યા નથી. વીડિયોકોન અને તેની ગ્રુપ કંપનીઓના એકાઉન્ટને જૂન 2017માં NPA જાહેર કરી દેવાયા હતા. ત્યારે NPA જાહેર થવાના કારણે બેંકને નુકસાન થયું હતું.

2016માં શરૂ થઈ હતી કેસની તપાસ
આ કેસની તપાસ 2016માં શરૂ થઈ હતી. જ્યારે બંને ફર્મ વીડિયોકોન ગ્રુપ અને ICICI બેંકમાં એક રોકાણકાર અરવિંદ ગુપ્તાએ લોનની અનિયમિતતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ગુપ્તાએ આ અંગે RBI અને વડાપ્રધાન સુધી લખ્યું હતું. પરંતુ તેમની આ ફરિયાદ પર એ સમયે કોઈ ધ્યાન નહોતું અપાયું. માર્ચ 2018માં એક અન્ય વ્હિસલ-બ્લોઅરે ફરિયાદ કરી હતી.

24 જાન્યુઆરી 2019એ થઈ FIR
ટોપ મેનેજમેન્ટ વિરૂદ્ધ કરવામાં આવેલી ફરિયાદ બાદ ઘણી એજન્સીઓનું ધ્યાન તેની પર ગયું હતું. જોકે, એ મહિને બેંકે નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે, તેમણે ચંદા કોચર પર પૂરો વિશ્વાસ છે. વીડિયોકોન ગ્રુપની લોન પાસ કરવામાં ચંદાની કથિત ભૂમિકાની તપાસ બાદ આ નિવેદન આપવામાં આવ્યું હતું. એજન્સીઓ તેમની તપાસ કરતી રહી અને બેંક પર વધી રહેલા પ્રેશર બાદ તેને પણ તપાસ શરૂ કરી દીધી. ત્યારબાદ CBIએ 24 જાન્યુઆરી 2019એ FIR નોંધી હતી.

ચંદા, દીપક, ધૂત સહિત 4 કંપનીઓના નામ
CBIએ લોન ફ્રોડ કેસમાં ચંદા કોચર, દીપક કોચર અને વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂતની સાથે-સાથે નૂપાવર રિન્યૂએબલ્સ, સુપ્રીમ એનર્જી, વીડિયોકોન ઈન્ટરનેશનલ ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને IPCની ક્રિમિનલ કોન્સપિરેન્સી, ચીટિંગ અને કરપ્શન સાથે જોડાયેલી કલમો હેઠળ રજિસ્ટર્ડ FIRમાં આરોપી બનાવ્યા હતા.

2020માં EDએ કર્યા હતા એરેસ્ટ
જાન્યુઆરી 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોચર પરિવારની 78 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી હતી. ત્યારબાદ એજન્સીએ ઘણી પૂછપરછ કર્યા બાદ દીપક કોચરની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA)ની કલમો હેઠળ ધરપકડ કરી હતી.

2015માં ભારતના 61માં ધનિક હતા ધૂત
71 વર્ષના વેણુગોપાલ ધૂતનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમની ઓળખ ભારતીય બિઝનેસમેન તરીકે થાય છે. ફોર્બ્સ મુજબ, 2015માં તેમની સંપત્તિ 1.19 બિલિયન ડોલર હતી અને ત્યારે તે ભારતના 61માં અને દુનિયાના 1190 સૌથી ધનિક વ્યક્તિ હતા. તેમણે વીડિયોકોનના ફાઉન્ડર, ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...