માર્કેટની વાત:જિઓ પોલિટિકલ તણાવ વચ્ચે શેરબજારમાં તેજીની આગેકૂચ જારી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવ મહિનાના લાંબા અંતરાલ પછી FIIsની ચોખ્ખી ખરીદી રહી

ચીન-તાઈવાન વચ્ચે જીઓ પોલિટીકલ તણાવ છતાં નિફ્ટી પૂરા થયેલા સપ્તાહે ગ્રીન ઝોનમાં જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક સાપ્તાહિક ધોરણે એક ટકાથી વધુ સુધરી 17397ની સપાટી પર બંધ રહ્યો હતો.

સ્થાનિક સ્તરે પોઝીટીવ મેક્રો-ઈકોનોમિક ડેટાએ નિફ્ટીમાં પોઝીટીવ મૂવમેન્ટને સહાયતા પૂરી પાડી હતી. જુલાઈમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવક વાર્ષિક ધોરણે 28 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1.5 લાખ કરોડ પર નોંધાઈ હતી. છેલ્લાં પાંચ મહિનાઓથી જીએસટીની આવક રૂ. 1.4 લાખ કરોડ પર જળવાઈ છે. જે સૂચવે છે કે અર્થતંત્રનું આરોગ્ય સારી સ્થિતિમાં છે. જુલાઈ માટેનો મેન્યૂફેક્ચરિંગ પર્ચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ જૂનના 53.9ના સ્તરેથી વધી 56.4 ટકા પર જોવા મળ્યો હતો. પીએમઆઈનું 50થી વધુ હોવું એ ઈકોનોમી એક્સપાન્શન ઝોન હોવાનો સંકેત છે. દેશમાં ચાલુ વર્ષે ચોમાસુ પણ સામાન્યથી સારુ જોવા મળી રહ્યું છે.

31 જુલાઈ સુધીમાં દેશમાં વરસાદ સામાન્ય કરતાં 8 ટકા વધુ નોંધાયો છે. જે કૃષિ અર્થતંત્ર માટે ખૂબ પોઝીટીવ બાબત છે. આના કારણે ખરિફ સિઝનમાં ઉત્પાદન ઊંચું જોવા મળશે અને ખેતીની આવકમાં વૃદ્ધિ નોંધાશે. જુલાઈમાં ઓટોમોબાઈલ વેચાણના આંકડા પ્રોત્સાહક જોવા મળ્યાં હતાં. પર્સનલ વેહીકલ્સનું વેચાણ 15 ટકા વૃદ્ધિ સાથે 3,24,650 યુનિટ્સ પર રહ્યું હતું. ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેમના વેચાણમાં વાર્ષિક ધોરણે અનુક્રમે 57 ટકા અને 38 ટકા વૃદ્ધિ દર્શાવી હતી.

યુએસ માર્કેટ્સને લઈને મંદીની વાતો થઈ રહી છે ત્યારે ભારતીય બજાર સારી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ભારતનો આર્થિક વૃદ્ધિ દર 8.7 ટકાને પાર કરી જાય તેવી અપેક્ષા છે. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું અર્થતંત્ર બની રહેવાની શક્યતાં છે. નોંધપાત્ર સમયગાળા બાદ એફઆઈઆઈ ભારતીય અર્થતંત્રની મજબૂતીને ફરીથી માન્યતા આપી રહી હોય તેમ જણાય છે. ઓક્ટોબર 2021થી નવ મહિના બાદ જુલાઈમાં તેમણે સ્થાનિક બજારમાં ચોખ્ખી ખરીદી દર્શાવી હતી. (લેખક : પાર્થ પારેખ, માર્કેટ સ્ટ્રેટેજી પ્રૂડન્ટ બ્રોકિંગ સર્વિસના રિસર્ચ એનાલિસ્ટ છે)

અન્ય સમાચારો પણ છે...