ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ, માઇક્રોસોફ્ટ કોર્પ અને ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સની આવક ગત ત્રિમાસિક ગાળામાં 10%થી વધી છે. તેનાથી આગામી મહિનામાં સ્થિતિ વધુ સંગીન થવાની આશા છે. તે ઉપરાંત વર્ષના બીજા છ માસિક ગાળામાં મંદીની આશંકા પણ ઘટી છે. જૂન ત્રિમાસિક ગાળામાં આલ્ફાબેટની આવક 13% વધીને 69.69 અબજ ડોલર (5.57 લાખ કરોડ રૂપિયા)ના સ્તરે પહોંચી છે.
આ દરમિયાન માઇક્રોસોફ્ટની કમાણી પણ 12%ની વૃદ્વિની સાથે 51.87 અબજ ડોલર (4.14 લાખ કરોડ રૂપિયા) થઇ છે. તે ઉપરાંત ગત ક્વાર્ટર દરમિયાન સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન કરતી કંપની ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સની આવક સૌથી વધુ 14% વધીને 5.21 અબજ ડોલર (41,629 કરોડ રૂપિયા) થઇ છે. તેને કારણે ત્રણ કંપનીના શેર્સમાં અનુક્રમે 4%, 3.8% અને 4.5%નો ઉછાળો જોવા મળ્યો છે.
આ અગ્રણી કંપનીઓના નફાકારક પરિણામો બાદ હવે અમેરિકાની બાકી દિગ્ગજ કંપનીઓ એટલે કે એપલ, એમેઝોન, મેટા પ્લેટફોર્મ્સ અને ક્વાલકોમના ત્રિમાસિક પરિણામો પણ બહેતર આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 2007માં લિસ્ટિંગ થયા બાદ ફેસબુકની આવકમાં પ્રથમ વખત ઘટાડો થયો છે.
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ફેસબુકની આવક 28.8 અબજ ડોલર હતી. 2021ના સમાન ક્વાર્ટરમાં 29.07 અબજ ડોલરની કમાણી કરી હતી. એટલું જ નહીં,કંપનીએ આગામી ત્રિમાસિક ગાળાની કામગીરીમાં વધુ કથળવાની ધારણા છે.
માર્કેટ માટે મોટી રાહત
સિનોવસ ટ્રસ્ટના સીનિયર પોર્ટફોલિયો મેનેજર ડેન મોર્ગને કહ્યું કે, દિગ્ગજ ટેક કંપનીઓના ત્રિમાસિક પરિણામો માર્કેટ માટે મોટી રાહત છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કંપનીઓનો જાહેરાતો પાછળનો ખર્ચ પણ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. આ વચ્ચે જો ગૂગલના પરિણામો અપેક્ષા કરતાં વધુ બહેતર આવશે તો તે મહત્વપૂર્ણ ગણાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.