એલન મસ્કની નજર ટ્વિટર પર:માઈક્રો બ્લોગિંગ સાઈટને 3.2 લાખ કરોડ રૂપિયામાં ખરીદવાની ઓફર, પ્રતિ શેર 54.20 ડોલર કેશ પેમેન્ટ આપવા તૈયાર

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • ટેસ્લાના સીઈઓ એલન મસ્કે 4 એપ્રિલે ટ્વિટરમાં લગભગ 9 ટકા હિસ્સો લીધો હતો

ટેસ્લાના CEO એલન મસ્કે તાજેતરમાં જ ટ્વિટરમાં લગભગ 9 ટકા હિસ્સો લીધો હતો. હવે એક નવા રિપોર્ટ અનુસાર તે માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરને ખરીદવા માંગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એલન મસ્કે ટ્વિટર ઈન્કને ખરીદવા માટે કંપનીને એક ઓફર આપી છે. એલન મસ્કે કહ્યું છે કે ટ્વિટરમાં ઘણા વધુ પોટેન્શિયલ છે અને તે તેને અનલોક કરવા માંગે છે.

41 બિલિયન ડોલરમાં ખરીદવાની ઓફર
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, એલન મસ્કે આ માટે કંપનીને લગભગ 41 બિલિયન ડોલર(લગભગ 3.2 લાખ કરોડ રૂપિયા)ની ઓફર આપી છે. તે કંપનીના પ્રતિ શેર માટે 54.20 ડોલર ચૂકવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મસ્કે ગુરુવારે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશનની સાથે ફાઈલિંગમાં આ પ્રસ્તાવની માહિતી આપી છે. આ જાહેરાત પછી ટ્વિટરના શેર બુધવારે 3.10 ટકા સુધી ઉછળીને 45.85 ડોલરના સ્તરે બંધ થયા હતા.

મસ્કે 4 એપ્રિલે ટ્વિટરમાં લગભગ 9 ટકા હિસ્સો લીધો હતો
ટેસ્લાના સીઈઓ એલન મસ્કે 4 એપ્રિલે ટ્વિટરમાં લગભગ 9 ટકા હિસ્સો લીધો હતો. તે પછીથી ટ્વિટરના શેરમાં લગભગ ઉછાળો જોવા મળ્યો છે. ન્યુઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર, મસ્કે ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરને લખેલા પત્રમાં કહ્યું છે કે ટ્વિટરને ખાનગી કંપનીમાં બદલવાની જરૂરિયાત છે.

આ સપ્તાહની શરૂઆતમાં મસ્કે ટ્વિટરના બોર્ડને જોઈન કરવાના પ્લાનને કેન્સલ કર્યો
તેમણે પત્રમાં એમ પણ કહ્યું કે તેમાં ઈન્વેસ્ટ કર્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે આ કંપની હાલ જે સ્થિતિમાં છે, તે સ્થિતિમાં તે ન તો કોઈ પોતાનો હેતુ પુરો કરી શકશે. આ સિવાય તે આગળ પણ વધી શકશે નહિ. તેમણે કહ્યું કે તેમની આ ઓફર ખરેખર સારી છે. જો તેને કંપનીનું બોર્ડ સ્વીકારશે નહિ તો તેમણે શેરહોલ્ડર તરીકે પોતાની સ્થિતિ પર ફરીથી વિચાર કરવો પડશે. ઉલ્લેખનીય છે આ સપ્તાહની શરૂઆતમાં જ મસ્કે ટ્વિટર બોર્ડને જોઈન કરવાના પ્લાનને કેન્સલ કર્યો હતો. બોર્ડ સીટ લેવાથી કંપની ટેકઓવર કરવાની શક્યતા ખત્મ થઈ જાય છે.

પ્રી માર્કેટમાં ટ્વીટના શેરમાં 18%નો ઉછાળો
આ સમાચાર સામે આવ્યા બાદ ટ્વિટરના શેરમાં પ્રી માર્કેટમાં લગભગ 18%નો ઉછાળો જોવા મળ્યો. બુધવારે કંપનીના શેર 3.10% વધીને 45.85 ડોલર પર બંધ થયા હતા. એલન મસ્કની પાસે હાલ ટ્વિટરની 9.2% ભાગીદારી છે. 4 એપ્રિલે આ જાણકારી સામે આવી હતી. મસ્કની ભાગીદારીની વાત સામે આવ્યા બાદ તેઓ બોર્ડમાં સામેલ થશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું, પરંતુ તેઓએ તે વાતનો ઈનકાર કર્યો હતો.

એડિટ બટનને લઈને યૂઝર્સે કર્યો હતો સવાલ
હાલમાં જ મસ્કે ટ્વિટરના ફીચરને લઈને એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમને યૂઝર્સને પૂછ્યું હતું કે શું તમે એડિટ બટન ઈચ્છો છો. એડિટ ફીચરનો અર્થ છે કે જે પણ ટ્વીટ કરી, તેને તમે એડિટ કરી શકો. માની લો કે તમે કોઈ ટ્વીટ કર્યું પરંતુ બાદમાં તે ટ્વીટમાં કેટલાંક કરેક્શન કે અપડેટ કરવા માગો છો તો નવા ફીચરથી તમે એવું કરી શકો.

અન્ય સમાચારો પણ છે...