રિયલ એસ્ટેટમાં 2022ના વર્ષમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. દેશના ટોચના આઠ શહેરોમાં અમદાવાદમાં ઝડપી વૃદ્ધિ નોંધાઇ હોવાનું નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના જુલાઈ- ડિસેમ્બર 2022ના અહેવાલમાં દર્શાવાયું છે. છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે અનિશ્ચિત આર્થિક સંજોગોની સ્થિતી છતાં ઓફિસ સ્પેસમાં અત્યાર સુધીના સૌથી વધુ વાર્ષિક ટ્રાન્ઝેક્શન નોંધાવ્યા હતા.
શહેરમાં ઓફિસ સ્પેસ સરેરાશ વોલ્યુમ 1 મિલિયન ચો.ફીટ રહ્યું હતું, જેમાં કોરોના બાદ ફરીથી ઝડપી વૃદ્ધિ નોંધાઇ છે. વર્ષ દરમિયાન તે 2.2 મિલિયન ચો.ફીટ સુધી વધ્યું છે જેમાં વાર્ષિક ટ્રાન્ઝેક્શનમાં 88 ટકાનો વધારા સાથે દેશના ટોચના આઠ કમર્શિયલ માર્કેટમાં સર્વોચ્ચ ટકાવારી નોંધાવી છે. હાઉસિંગ માર્કેટમાં અમદાવાદમાં 2022માં 14062 હાઉસિંગ યુનિટ્સનું વાર્ષિક વેચાણ સાથે વોલ્યુમમાં 58 ટકાનો વાર્ષિક ધોરણે વધારો થયો છે.
અમદાવાદમાં 2022માં 20,809 હાઉસિંગ યુનિટનો મજબૂત પુરવઠો જોવા મળ્યો હતો. દેશમાં અત્યારે અમદાવાદ હજુ પરવડે તેવું માર્કેટ છે અને ભારતમાં ટોચના આઠ બજારમાં સ્થાન જાળવી રાખ્યું છે. બીએફએસઆઈ ક્ષેત્રએ 22ના બીજા અર્ધવાર્ષિકમાં 23 ટકા જગ્યાના વ્યવહારો કર્યા હતા, જે પ્રમાણ અમદાવાદમાં ધીમે ધીમે વધી રહ્યું છે. ખાસ કરીને ગિફ્ટ સિટીમાં અનેક પ્રોજેક્ટ આવી રહ્યાં છે.
એફોર્ડેબલ હવે 45ના બદલે 65-70 લાખ ગણો
હાઉસિંગ સેગમેન્ટમાં છેલ્લા એકાદ વર્ષથી એફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યામાં બદલાવ આવ્યો છે. અમદાવાદમાં હવે એફોર્ડેબલ હાઉસિંગ 45 લાખના બદલે 65-70 લાખના થઇ ચૂક્યા છે. અત્યારે સરકાર દ્વારા 45 લાખ સુધીના મકાન પર જીએસટી એક ટકા લાગે છે પરંતુ આ વ્યાખ્યામાં બદલાવ કરવામાં આવે તે જરૂરી છે કેમકે હવે 45 લાખનું ઘર સારા વિસ્તારમાં સપનું બની ચૂક્યું છે. > યસ બ્રહ્મભટ્ટ, ફાઉન્ડર-સીઇઓ શિલ્પ ગ્રુપ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.