અમેરિકન ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટ ટિકટોકની ખરીદીની વાટાઘાટોના અંતિમ તબક્કામાં છે, તો બીજી તરફ અહેવાલ છે કે તે શેરચેટમાં પણ રોકાણ કરશે. રિપોર્ટ અનુસાર, માઇક્રોસોફ્ટ કોર્પોરેશન શેરચેટમાં 10 કરોડ ડોલર (આશરે રૂ. 750 કરોડ)નું રોકાણ કરી શકે છે. જોકે, શેરચેટે આ અંગે કંઈપણ કહેવાનો ઇનકાર કરી દીધો છે.
હાલના રોકાણકારો પાસેથી રોકાણ મેળવવાના પ્રયત્નો
શેરચેટ તેના હાલના રોકાણકારો પાસેથી નાણાં મેળવવા પ્રયત્નો કરી રહી છે. નવા રોકાણકાર સાથે હાથ મિલાવવાને બદલે તે જૂના રોકાણકારો સાથે ચર્ચામાં છે. અગાઉ ટ્વિટરે શેરચેટમાં 10 કરોડ ડોલર (અંદાજે રૂ. 750 કરોડ)નું રોકાણ કર્યું હતું. તે સમયે કંપનીની કિંમત 65 કરોડ ડોલર (આશરે રૂ. 48 હજાર કરોડ) અંદાજવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે વાતચીત પ્રારંભિક તબક્કે છે અને જો આ ડીલ થાય તો માઇક્રોસોફ્ટનું રોકાણ રૂ. 750 કરોડ થશે. આ રોકાણ શેરચેટ માટે તેના વ્યવસાયને વધારવામાં મદદ કરશે. આ એટલા માટે કારણ કે ચાઇનીઝ એપ્લિકેશનના પ્રતિબંધ બાદ ભારતીય એપ્લિકેશન સમક્ષ અનેક પડકારો છે.
શેરચેટ ચાર વર્ષ જુનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
શેરચેટ એ 4 વર્ષ જુનું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ છે. કંપનીમાં હાલમાં 15 કરોડથી વધુ રજિસ્ટર્ડ યુઝર્સ છે, જ્યારે 6 કરોડથી વધુ મંથલી એક્ટિવ યુઝર્સ છે. હાલમાં, તેના પ્લેટફોર્મ પર યુઝર્સ દરરોજ લગભગ 25 મિનિટ વિતાવે છે. આ એપ્લિકેશન 15 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેમાં હિન્દી, મલયાલમ, ગુજરાતી, મરાઠી, પંજાબી, તેલુગુ, તમિલ, બંગાળી, ઓડિયા, કન્નડ, આસામી, હરિયાણવી, રાજસ્થાની, ભોજપુરી અને ઉર્દૂ શામેલ છે. શેર ચેટ, એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, જ્યાં યુઝર્સ તેને ડાઉનલોડ અને ઉપયોગ કરી શકે છે.
વિડિઓ શેરિંગ એપ્લિકેશન મોજ લોન્ચ કરી
તાજેતરમાં શેરચેટે ટિકટોકની જેમ વિડિઓ શેરિંગ એપ્લિકેશન મોજ (moj) લોન્ચ કરી છે. આ એપ્લિકેશન યુઝર્સ માટે ચાલુ નહોતી કરાઈ તે પહેલાં 10 લાખથી વધુ ડાઉનલોડ્સ થઈ હતી. હજી સુધી આ એપ્લિકેશનને 4 હજારથી વધુ રીવ્યુ મળ્યા છે. ભારત સરકારે ટિકટોક સહિત 59 ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો ત્યારે શેરચેટે આ નિર્ણય લીધો હતો. મોજને ટિકટોકના વિકલ્પ તરીકે બનાવવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.