મહત્ત્વનું રોકાણ:અદાણી હવે શ્રીલંકામાં બનાવશે પોર્ટ, ~5190 કરોડનું રોકાણ કર્યું

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીનને જવાબ આપવા ભારત પણ કોલંબો પહોંચ્યું
  • લંકામાં પોર્ટ સંભાળનારી આ પહેલી ભારતીય કંપની હશે

અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (એપીએસઇઝેડ)એ શ્રીલંકામાં મહત્ત્વના બંદરને વિકસિત કરવાના અને સંચાલન કરવાના અધિકારો મેળવ્યા છે. અદાણી ગ્રૂપે શ્રીલંકાની સરકારી માલિકીની કંપની શ્રીલંકા પોર્ટસ ઑથોરિટી (એસએલપીએ) સાથે વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલને વિકસિત કરવા માટે 5190 કરોડનો કરાર કર્યો છે.

આ ટર્મિનલ કોલંબોમાં આવેલું છે. આ સાથે જ શ્રીલંકામાં કોઈ બંદરને વિકસિત કરવાના અધિકારો મેળવનાર એપીએસઇઝેડ પ્રથમ ભારતીય કંપની બની ગઈ છે. શ્રીલંકાની દરિયાઈ સીમામાં ચીનનું વર્ચસ્વ વધી રહ્યું છે ત્યારે કોલંબોના બંદરના સંચાલનના અધિકારો અદાણી ગ્રૂપને મળવા એ વ્યૂહાત્મક રીતે મહત્ત્વની બાબત માનવામાં આવે છે. વેસ્ટર્ન કન્ટેનર ટર્મિનલમાં અદાણી ગ્રૂપનો હિસ્સો 51 ટકા રહેશે.

એપીએસઇઝેડ સ્થાનિક કંપની જૉન કિલ્સ હોલ્ડિંગ્સ અને એસએલપીએની સાથે મળીને ટર્મિનલને બિલ્ટ ઑપરેટર ટ્રાન્સફરના આધારે તૈયાર કરશે. કોલંબો સ્થિત આ બંદર ભારતીય કન્ટેનરો તથા મેઇનલાઇન શીપ ઑપરેટરો માટે મહત્ત્વનું માનવામાં આવે છે.

ટ્રાન્સપોર્ટેશન માટે આ બંદર તેમની પસંદગીનું છે. ઉલ્લેખનીય છે કે ચીને પોતાની બેલ્ટ એન્ડ રોડ નીતિ હેઠળ શ્રીલંકામાં વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે મહત્ત્વનું રોકાણ કર્યું છે. ચીને શ્રીલંકામાં વિવિધ યોજનાઓમાં કુલ 8 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે.

2017માં શ્રીલંકાએ કોલંબોનું હંબનટોટા બંદર ચીનને સોંપ્યું હતું. ઉલ્લેખનીય છે કે એપીએસઇઝેડ ભારતની સૌથી મોટી પોર્ટ ડેવલપર કંપની છે. ભારતની કુલ પોર્ટ ક્ષમતાના 24 ટકા હિસ્સો એપીએસઇઝેડ હસ્તક છે.

અન્ય સમાચારો પણ છે...