અદાણી ગ્રૂપ આજથી અમેરિકા, લંડન અને દુબઈમાં રોડ શો યોજશે. તેને 'ફિક્સ્ડ ઈન્કમ રોડ શો' નામ આપવામાં આવ્યું છે. હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ પછી અદાણી ગ્રૂપના શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. તેના કારણે અદાણી ગ્રૂપ પરથી રોકાણકારોનો વિશ્વાસ સતત ઊઠી રહ્યો છે.
હવે આ રોડ શો દ્વારા અદાણી ગ્રૂપ પોતાના રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. રોડ શો સિવાય અદાણી ગ્રૂપ રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે અન્ય ઘણા પ્રયાસો કરી રહ્યું છે.
7થી 15 માર્ચ સુધી થશે અદાણી ગ્રૂપના રોડ શો
અદાણી ગ્રૂપના મેનેજમેન્ટના મેમ્બર અને ગ્રૂપના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર જુગશિન્દરસિંહ પણ રોડ શોમાં સામેલ થશે. રોઇટર્સના રિપોર્ટ મુજબ, લંડન, દુબઈ અને અમેરિકાનાં અનેક શહેરોમાં આ રોડ શો 7થી 15મી માર્ચ સુધી થશે. ગ્રૂપને વિશ્વાસ છે કે, આ રોડ શો દ્વારા તે રોકાણકારોને મળી શકશે અને કંપની પ્રત્યે રોકાણકારોના વિશ્વાસને પાછો મેળવશે.
સિંગાપોર અને હોંગકોંગમાં થઈ ચૂક્યો છે રોડ શો
અદાણી ગ્રૂપે સિંગાપોર અને હોંગકોંગમાં ફિક્સ્ડ ઈન્કમ રોડ શો કર્યો હતો, જે ખૂબ જ સફળ રહ્યો હતો. આ રોડ શો પછી રોકાણકારોનો વિશ્વાસ પરત મેળવવામાં સફળતા મળી છે. હવે આ રોડ શો અન્ય દેશોમાં થશે.
હિંડનબર્ગે ગ્રૂપ પર સ્ટોક મેન્યુપુલેશનનો આરોપ લગાવ્યો હતો
24 જાન્યુઆરીના રોજ અમેરિકા શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના અહેવાલ જાહેર થયા પછીથી અદાણીના શેરોમાં ઊથલપાથલ મચી ગઈ છે. હિંડનબર્ગે અદાણી ગ્રૂપની કંપનીઓ પર સ્ટોક મેન્યુપુલેશનનો અને એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ લગાવ્યો હતો. જો કે, અદાણી ગ્રૂપે હિંડનબર્ગના તમામ આરોપોને ફગાવી દીધા છે.
NSE તરફથી અદાણી ગ્રૂપને રાહત
અદાણી ગ્રૂપની મુશ્કેલીઓ ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝને શોર્ટ ટર્મ એડિશનલ સર્વિલાન્સ ફ્રેમવર્કમાંથી બહાર કાઢી દીધી છે. NSEએ આ રાહત 6 માર્ચના રોજ આપી હતી. NSEએ ગત મહિને 6 ફેબ્રુઆરીના રોજ સ્ટોકમાં હાઈ વોલેટલિટીના કારણે અદાણી એન્ટરપ્રાઈઝ, અંબુજા સિમેન્ટ અને અદાણી પ્રોટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને શોર્ટ ટર્મ એડિશનલ સર્વિલાન્સ મેજર (ASM)માં મૂક્યા હતા. આપને જણાવી દઈએ કે, આ ફ્રેમવર્કમાંથી અંબુજા સિમેન્ટ અને અદાણી પોર્ટ્સને પહેલાં જ બહાર કાઢી દીધા હતા.
સોમવારના રોજ અદાણી એન્ટરપ્રાઈઝના શેર 5.45% ચઢ્યા
સોમવાર એટલે કે 6 માર્ચના રોજ અદાણી ગ્રૂપના 10 શેરોમાંથી 8માં તેજી જોવા મળી હતી. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 5.45% વધીને 1,982 રૂપિયા પર બંધ થયો હતો. બીજી તરફ અદાણી ટ્રાન્સમિશન, વિલ્માર, પાવર, ટોટલ ગેસ, ગ્રીન એનર્જી અને NDTVના શેરમાં 5-5%નો વધારો થયો હતો. અદાણી પોર્ટ 0.49% વધ્યો. જ્યારે ગ્રૂપની સિમેન્ટ કંપની ACCમાં 1.53% અને અંબુજામાં 1.80%નો ઘટાડો જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.