અદાણી ગ્રુપ ભંડોળ એકત્રિત કરવા માટે અંબુજા સિમેન્ટમાં ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. મીડિયા અહેવાલો મુજબ અંબુજા સિમેન્ટના પ્રમોટર્સ અદાણી ફેમિલિ સ્પેશિયલ પર્પસ વ્હીકલ્સે લેન્ડર્સ પાસેથી સંભવિત શેર વેચવા માટે મંજૂરી માગી છે. અદાણી ગ્રુપ અંબુજા સિમેન્ટમાં 4.5% ભાગીદારી વેચી શકે છે. તેનાથી અદાણી ગ્રુપ 3,000 કરોડ રૂપિયા એકત્રિત કરવાની તૈયારીમાં છે. આ રકમનો ઉપયોગ અદાણી ગ્રુપ પોતાનું દેવું હળવું કરવા માટે કરી શકે છે.
ગત વર્ષેજ ખરીદી હતી અંબુજા સિમેન્ટની કંપની
અદાણી ગ્રુપે ગત વર્ષે સપ્ટેમ્બરમાં અંબુજા સિમેન્ટ અને એસીસીમાં હોલ્સિમ ગ્રુપની સંપૂર્ણ ભાગીદારી ખરીદી લીધી હતી. આ ડીલ અદાણી ગ્રુપે 10.5 અબજ ડોલરમાં કરી હતી. હોલ્સિમે અંબુજા સિમેન્ટ લિમિટેડમાં પોતાની 63.19% અને એસીસીમાં 54.53% ભાગીદારી અદાણી ગ્રુપને વેચી હતી.
GQGએ અદાણી એન્ટરપ્રાઈઝની 3.4% ભાગીદારી ખરીદી
અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે GQGએ 662 મિલિયન ડોલર (5,421 કરોડ રૂપિયા)માં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડમાં 3.4% ટકા ભાગીદારી ખરીદી છે. જ્યારે GQGએ 640 કરોડ મિલિયન ડોલર (5,240 કરોડ રૂપિયા)માં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના 4.1%, 230 મિલિયન ડોલર (1,883 કરોડ રૂપિયા)માં અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના 2.5% અને 340 મિલિયન ડોલર (2,784 કરોડ રૂપિયા)માં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના 3.5% સ્ટોક્સ ખરીદ્યા છે.
અદાણી ગ્રુપે 7374 કરોડ રૂપિયાની શેર બેક્ડ લોન ચૂકવી
અદાણી ગ્રુપે 7374 કરોડ રૂપિયાની શેર બેક્ડ લોન સમય પહેલા જ ચૂકવી દીધી છે. મંગળવારે ગ્રુપે તેની જાણકારી આપી હતી. અદાણી ગ્રુપ તેની ક્રેડિટ પ્રોફાઇલ સાથે સંબંધિત ચિંતાઓને ઘટાડી રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવા પ્રયાસ કરી રહ્યું છે.
ગ્રુપે જણાવ્યું કે, અદાણી એન્ટરપ્રાઇઝિસના પ્રમોટર 3.1 કરોડ શેર અથવા 4% ભાગીદારી રિલીઝ કરશે, જ્યારે અદાણી પોર્ટ્સના પ્રમોટર 15.5 કરોડ શેર અથવા 11.8% ભાગીદારી રિલીઝ કરશે. અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનના પ્રમોટર 1.2% અને 4.5% ભાગીદારી રિલીઝ કરશે. અગાઉ ફેબ્રુઆરીમાં ગ્રુપે 1.11 અબજ ડોલરની લોન પ્રિ-પેડ કરી હતી.
શુક્રવારે અદાણી ગ્રુપના 10માંથી 5 શેરોમાં ઘટાડો
શુક્રવારે એટલે કે 10 માર્ચના રોજ અદાણી ગ્રુપના 10માંથી 5 શેરોમાં તેજી અને 5માં જ ઘટાડો જોવા મળ્યો હતો. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેર 3%થી વધુ તૂટ્યા. NDTV 5.00%, અદાણી વિલ્મર 4.93%, અંબુજા સિમેન્ટ 1.74% અને ACC 0.81% ગગડ્યા. અદાણી પોર્ટ્સમાં 0.25%ની તેજી રહી. અદાણી ટ્રાન્સમિશન, પાવર, ટોટલ ગેસ અને ગ્રીન એનર્જીના શેરોમાં 5-5%ની તેજી જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.