શેર બજારમાં ભારે વોલેટિલિટી વચ્ચે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ગ્રુપના શેર્સ કોવિડ મહામારીથી અત્યારસુધીમાં અનેકગણા વધ્યા છે. અદાણીના નેતૃત્વ હેઠળની કંપનીઓ મજબૂત નફો રળી રહી છે. તેના શેર્સના ભાવ અન્ય કંપનીઓની તુલનાએ ચિત્તા કરતાં પણ વધુ સ્પીડે વધી રહ્યા છે. પરિણામે શેર વેલ્યુએશનના પીઈ રેશિયો જેવા બેન્ચમાર્ક બિનજરૂરી સાબિત થઈ રહ્યા છે.
ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 79 કરોડની ખોટ કરનાર અદાણી ગ્રીન એનર્જીનો શેર સોમવારે BSE પર રૂ. 2968.10 પર બંધ સાથે પીઈ રેશિયો 2309 પર પહોંચી ગયો છે. જે BSE 500 શેરોમાં સૌથી વધુ છે. અદાણી ગ્રૂપની અન્ય કંપનીઓનો પીઈ રેશિયો પણ 134-479ની રેન્જમાં છે, જ્યારે બે કંપનીઓનો પીઈ રેશિયો માઈનસમાં છે.
તેનાથી વિપરીત, દેશની સૌથી મોટી અને નફાકારક કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પીઈ રેશિયો 48 છે, દેશની બીજી સૌથી મોટી કંપની ટીસીએસનો પીઈ 35 અને એચડીએફસી બેન્કનો પીઈ માત્ર 23 છે. સ્થાનિક બજારમાં, બેન્ચમાર્ક ઇન્ડેક્સનો પીઈ રેશિયો સામાન્ય રીતે 16 અને 20 ની વચ્ચે હોય છે. બજારના નિષ્ણાતોના મતે, અદાણી ગ્રૂપના શેરમાં ઉછાળાએ રોકાણકારોમાં FOMO પરિબળ (પાછળ રહી જવાનો ડર) અસર કરી રહ્યો છે.
વર્તમાન પરિસ્થિતિને નજરઅંદાજ કરી રહ્યા છે રોકાણકારો
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યા પ્રમાણે, “અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ઊંચા PE રેશિયોનો અર્થ એ થાય છે કે રોકાણકારો કંપનીની વર્તમાન સ્થિતિને અવગણી રહ્યા છે. તેમને લાગે છે કે આ કંપનીઓ ભવિષ્યમાં જંગી નફો કરશે. તેમાં રિસ્ક વધુ રહે છે.
PE રેશિયો શું છે?
PE રેશિયો એ કંપનીની શેરદીઠ કમાણી અને તે શેરની કિંમતનો ગુણોત્તર છે. સ્ટોકના વેલ્યૂએશનનો અંદાજ કાઢવાની આ સૌથી જૂની અને સૌથી અસરકારક પદ્ધતિ છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કંપની શેરદીઠ રૂ 1નો નફો કમાય છે અને રોકાણકારો આવા શેર માટે રૂ. 10 ચૂકવવા તૈયાર હોય, તો PE રેશિયો 10/3=10 હશે. તેનો ઉપયોગ શેરના મૂલ્યાંકન માટે થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.