ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં સતત પંદરમાં મહિને પોઝિટીવ મોમેન્ટમ જોવા મળ્યો છે. સ્ટોક માર્કેટમાં વોલેટિલિટી તેમજ એફપીઆઈ દ્વારા વેચવાલીના માહોલ વચ્ચે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં મેમાં રૂ. 18529 કરોડનું રેકોર્ડ રોકાણ નોંધાયુ છે. એપ્રિલમાં રૂ. 15890 કરોડનું રોકાણ થયું હતું. એમ્ફીના આંકડાઓ અનુસાર, માર્ચ, 2021થી ઈક્વિટી સ્કીમ્સમાં રોકાણમાં સતત વૃદ્ધિ રોકાણકારોમાં પોઝિટીવ સેન્ટિમેન્ટનો સંકેત આપે છે. જેનાથી વિપરિત જુલાઈ, 2020થી ફેબ્રુઆરી, 2021માં આ સ્કીમ્સમાંથી કુલ રૂ. 46791 કરોડની વેચવાલી નોંધાઈ હતી.
મેમાં ઈક્વિટી આધારિત તમામ કેટેગરીઝમાં સૌથી વધુ રોકાણ ફ્લેક્સી કેપ ફંડ્સમાં રૂ. 2939 કરોડનું જોવા મળ્યુ છે. લાર્જ કેપ, લાર્જ એન્ડ મીડ કેપ ફંડ અને સેક્ટોરલ-થિમેટિક ફંડ્સમાં રૂ. 2200 કરોડનું રોકાણ થયું છે. કુલ રોકાણમાંથી કુલ રિડેમ્પશનને બાદ કરીને ચોખ્ખા પ્રવાહની ગણતરી કરવામાં આવી છે. શેરબજારમાં કરેક્શન છતાં મે મહિનામાં કોઈપણ ઈક્વિટી સ્કીમ કેટેગરીમાં ચોખ્ખો આઉટફ્લો જોવા મળ્યો નથી. મે મહિનામાં રેપો રેટમાં અનિશ્ચિત વધારાથી બજારની અસ્થિરતામાં વધારો થયો છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં મે મહિનામાં નોંધાયેલ ચોખ્ખો પ્રવાહ પૈકી હાઇબ્રિડ ફંડ્સે કુલ રૂ. 5,123 કરોડનો નાણાપ્રવાહ નોંધાવ્યો હતો.
SIP દ્વારા રોકાણ વધ્યું
સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) મારફત રોકાણ એપ્રિલમાં રૂ. 11863 કરોડથી વધી મેમાં 12286 કરોડ નોંધાયુ છે. રિટેલ રોકાણકારો ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ પર મજબૂત વિશ્વાસ ધરાવે છે. સતત નવમા મહિને એસઆઈપી રોકાણ રૂ. 10 હજાર કરોડથી વધુ નોંધાયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.