ફેબ્રુઆરી મહિનામાં દેશમાં રિટેલ મોંઘવારી ઘટીને 6.44% પર આવી ગઈ છે. જાન્યુઆરી 2023માં, તે 6.52%ના ત્રણ મહિનાના ઉચ્ચ સ્તરે અને ડિસેમ્બર 2022માં 5.72% પર હતી. ત્રણ મહિના પહેલા નવેમ્બર 2022માં રિટેલ મોંઘવારી 5.88% હતી. ગયા વર્ષે ફેબ્રુઆરી 2022માં તે 6.07% હતી.
દાળ, ચોખા અને શાકભાજીના નીચા ભાવને કારણે થોડી રાહત
ખાદ્ય પદાર્થોમાં થોડો વધારો થયો છે. બીજી બાજુ, દાળ, ચોખા અને શાકભાજીના ભાવમાં થોડો ઘટાડો થયો છે, જેના કારણે મોંઘવારી દરમાં થોડો ઘટાડો થયો છે. ખાદ્ય ફુગાવો ફેબ્રુઆરી 2023માં વધીને 5.95% થઈ ગયો છે, જે જાન્યુઆરીમાં 5.94% હતો.
સતત બીજા મહિને ઈન્ફ્લેશન RBIના સહનશીલતા સ્તરથી ઉપર
ફુગાવો સતત બીજા મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના 6%ના ઉપલા સહનશીલતા સ્તરથી ઉપર રહ્યો છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) બાસ્કેટમાં ખાદ્ય પદાર્થોનો હિસ્સો લગભગ અડધો હોય છે. છેલ્લા મહિનામાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં ઘઉં જેવા અનાજના ભાવમાં ઘટાડો થયો છે. સરકારે પુરવઠામાં પણ વધારો કર્યો છે. તેની અસર રિટેલ ફુગાવાના આંકડા પર પણ પડી છે.
ખરાબ હવામાન, રૂપિયામાં ઘટાડાની જોવા મળી શકે છે અસર
સોસાયટી જનરલ ઇકોનોમિસ્ટ કુણાલ કુંડુએ કહ્યું હતું કે આગામી થોડા ક્વાર્ટરમાં ફુગાવો વધુ વધવાની શક્યતા નથી. પરંતુ તેના ઘટાડાની ગતિ ધીમી રહેશે. ગયા વર્ષે રૂપિયામાં 10%થી વધુ ઘટાડાની અસર ફુગાવા પર પણ જોવા મળી શકે છે.
RBI કેવી રીતે મોંઘવારીને અંકુશમાં રાખે છે.
ફુગાવાને ઘટાડવા માટે બજારમાં વધુ પડતી લિક્વિડિટીને ઘટાડવામાં આવે છે. આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) રેપો રેટમાં વધારો કરે છે. વધતી મોંધવારીથી ચિંતિત RBI હાલમાં જ રેપો રેટમાં 0.25%નો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ 6.25%થી વધીને 6.50% થઈ ગયો છે.
CPI શું છે?
વિશ્વભરની ઘણી અર્થવ્યવસ્થાઓ ફુગાવાને માપવા માટે WPI (Wholesale Price Index) ને આધાર માને છે. ભારતમાં આવું થતું નથી. આપણા દેશમાં, WPIની સાથે, CPIને પણ ફુગાવાને ચકાસવા માટેના માપદંડ તરીકે ગણવામાં આવે છે.
છૂટક ફુગાવાનો દર કેવી રીતે નક્કી થાય છે
ક્રૂડ ઓઈલ, કોમોડિટીની કિંમતો, ઉત્પાદન ખર્ચની સાથે અન્ય ઘણી બાબતો છે જે છૂટક ફુગાવાના દરને નક્કી કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લગભગ 299 વસ્તુઓના ભાવના આધારે છૂટક ફુગાવાનો દર નક્કી કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.