• Gujarati News
  • Business
  • 6 Companies Including Tata Motors And Mahindra Recycling Have Signed MoU With Gujarat Government

જહાજ બાદ કાર ભાંગવાનું કેન્દ્ર બનશે ગુજરાત:વ્હીકલ સ્ક્રેપેજ પોલિસીથી વાર્ષિક 3 લાખ જેટલા વાહનો રી-સાયકલ થશે; 6 કંપનીઓએ રાજ્ય સરકાર સાથે MoU કર્યા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટાટા મોટર્સ 36000 વાહનોની ક્ષમતાનું સ્ક્રેપ યાર્ડ બનાવશે
  • આ પોલિસીથી રાજ્યમાં 5000થી વધુ લોકોને રોજગારી મળશે
  • એક કંપનીએ આસામ સરકાર સાથે MOU કર્યું

ભારતમાં જેટલી કારનું ઉત્પાદન થાય છે તેમાંથી ત્રીજાભાગની કાર ગુજરાતમાં બને છે. દેશમાં વાર્ષિક 36 લાખ કાર ઉત્પાદન થાય છે જેમાંથી 12 લાખ જેટલી ગાડીઓ ગુજરાતમાં બને છે. હવે જ્યારે કેન્દ્ર સરકારે વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી જાહેર કરી છે અને તેમ ગુજરાતે જે પ્રકારે ઇમ્પલિમેન્ટ કર્યું છે તેના કારણે રાજ્ય હવે દેશભરમાં કારનું 'મોક્ષધામ' પણ બની જશે. પોલિસી જાહેરાતની સાથે જ ગુજરાત સરકારે 6 કંપનીઓ સાથે ગાડીઓના રી-સાયકલિંગ માટે કરાર કર્યા છે અને એક અંદાજ મુજબ આ કંપનીઓ 3 લાખથી વધુ કાર સ્ક્રેપને રી-સાયકલ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં નવી વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી જાહેર કરી હતી. આ પોલિસીની જાહેરાત સમયે યોજાયેલી ઇન્વેસ્ટર સમિટમાં ટાટા મોટર્સ અને મહિન્દ્રા રી-સાયકલિંગ સહિતની 7 કંપનીઓએ વાહનોના રિસાયકલિંગ માટે કરાર (MOU) કર્યા હતા. આમાંથી 6 MOU ગુજરાત સરકાર સાથે જ્યારે એક કરાર આસામ સરકાર સાથે કરવામાં આવ્યા હતા.

જહાજોના મુક્તિધામ હવે ગાડીઓના મોક્ષધામ તરીકે ઓળખાશે
ગુજરાત એ એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકિંગ યાર્ડ છે. ભાવનગર જિલ્લાના અલંગમાં દર વર્ષે 250-300 જહાજો ભંગાણ માટે આવે છે. તેવી જ રીતે હવે ભાવનગરમાં ગાડીઓનું રી-સાયકલિંગ પણ મોત પ્રમાણમાં થાય તેવી પૂરી સંભાવના છે. અત્યાર સુધી ગુજરાત જહાજોના મુક્તિધામ તરીકે ઓળખાતું હતું પણ હવે પોલિસી આવ્યા બાદ ગાડીઓના મોક્ષધામ તરીકે તેની નવી ઓળખ ઊભી થશે.

આ કંપનીઓએ કર્યા MOU

કંપનીપ્લાન્ટની જગ્યા
ટાટા મોટર્સઅમદાવાદ
સેરો-મહિન્દ્રા રી-સાયકલિંગ પ્રાઇવેટ લિમિટેડઅમદાવાદ
CMR કટારિયાખેડા
મોડેસ્ટ ઇન્ફ્રારતનપરા
મેસ્કોટ એન્જીટેકઘોઘા/માલપુર
મોનો સ્ટીલસિહોર
એસ એમ ગ્રુપઆસામ

ગુજરાતમાં વાર્ષિક 3 લાખથી વધુ વાહનો રિસાઈકલ થશે
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસે જણાવ્યું કે, ગુજરાત સરકાર સાથે 6 કંપનીઓએ જે કરાર કર્યા છે તે અંતર્ગત રાજ્યમાં આવતા દિવસોમાં વાર્ષિક 3 લાખથી વધુ વાહનોને રીસાયકલ કરવાની ક્ષમતા ઊભી થશે. આ ઉપરાંત આના કારણે અંદાજે 5000 લોકોને રોજગારી પણ મળશે. ગુજરાત મૂડીરોકાણ કરવાનું ઉત્તમ સ્થળ છે કારણ કે ગુજરાતમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, ગેસ, રેલવે, ટ્રાન્સપોર્ટ જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે.

ટાટા મોટર્સ અમદાવાદમાં સ્કરેપિન્ગ સેન્ટર બનાવશે
ટાટા મોટર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને કોમર્શિયલ બિઝનેસના પ્રેસિડેન્ટ ગિરીશ વાઘે કહ્યું કે, ઇન્વેસ્ટમેન્ટ પ્રોમોશન એક્ટિવિટીના ભાગરૂપે અમે ગુજરાત સરકાર સાથે અમદાવાદમાં વ્હીકલ સ્ક્રેપિંગ ફેસેલિટી બનાવવા કરાર કર્યા છે. આ સ્ક્રેપેજ સેન્ટરમાં વાર્ષિક 36000 પેસેન્જર અને કોમર્શિયલ વાહનો રીસાયકલ થઈ શકશે. સ્ક્રેપેજ પોલિસી આવકારદાયક પગલું છે અને ભારતમાં સલામત અને સ્વચ્છ વાહનોને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય દિશામાં એક પગલું છે. એક જવાબદાર કોર્પોરેટ તરીકે, ટાટા મોટર્સ ટકાઉ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છે અને ગુજરાત સરકાર સાથે આ જોડાણ દ્વારા આ પહેલને ટેકો આપવા આતુર છે.

સ્ક્રેપેજ પોલિસી અંતર્ગત ગુજરાત સરકાર સાથે કંપનીઓના કરાર થયા તે સમયની તસવીર.
સ્ક્રેપેજ પોલિસી અંતર્ગત ગુજરાત સરકાર સાથે કંપનીઓના કરાર થયા તે સમયની તસવીર.

રાજયમા વાહનોની સ્ક્રેપિંગ અને રિસાયક્લિંગની મજબૂત ઇકોસિસ્ટમ
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, વિશ્વના બીજા સૌથી મોટા શિપ રિસાયક્લિંગ યાર્ડ પણ અલંગ ખાતે કાર્યરત છે જયા પહેલેથી જ વાહનોની સ્ક્રેપિંગ અને રિસાયક્લિંગ સુવિધાઓ ઉપલબ્ધ છે અને આ માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે. જેથી ગુજરાત હાલની ઇકોસિસ્ટમનો લાભ લેવા અને રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ સુવિધાઓ અને સ્વચાલિત માવજત કેન્દ્રો વિકસાવવા અને સ્થાપવા માટે રોકાણ આકર્ષવાનો પ્રયાસ છે આ માટે પરિવહન વિભાગ આ નીતિના સફળ અમલીકરણમાં અગ્રણી ભૂમિકા ભજવશે. આજની આ ઇવેન્ટના લીધે ગુજરાત વાહન સ્કિપિંગ નીતિના અમલીકરણમાં પણ ભારતનું અગ્રણી રાજ્ય બનશે.

વાહનોને સ્ક્રેપ કરવા બાબતે ગુજરાત દેશને રાહ ચીધશે
વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાત ભારતનું સૌથી મોટું ઓટોમોબાઈલ હબ છે જેના પરિણામે ટાટા, ફોર્ડ, હોન્ડા, સુઝુકી જેવી ઘણી મોટી કંપનીઓ અને બીજી ઘણી મોટી ઉત્પાદન કંપનીઓ ગુજરાતમા છે. રાજયના વધી રહેલ વિકાસના પરિણામે મોટા ઓટોમોટિવ ઉત્પાદકોની હાજરી તેમજ રાજ્યમાં નોંધાયેલા વાહનોની સંખ્યામાં ભારે વધારો થયો છે.પર્યાવરણના જતન માટે આજે એ જરૂરી બની ગયું છે કે વપરાયેલા વાહનોને સ્ક્રેપ કરવા અને તેના માટે સુવિધાઓ વિકસાવવી એ માટે આપણે પ્રયાસો કરવા પડશે. આ માટે અમારી સરકાર ચોકકસ આગળ આવીને દેશને રાહ ચીધશે.

પોલિસીથી રોકાણને પ્રોત્સાહન મળશે
રેનો ઈન્ડિયાના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર વેંકટરામ મમીલાપલ્લેએ જણાવ્યું, આ પ્રકારની પોલિસીની લાંબા સમયથી રાહ જોવાતી હતી. નવી સ્ક્રેપેજ પોલિસી ઓટોમોબાઇલ ઉદ્યોગ અને સહાયક ઉદ્યોગને ટેકો આપશે જે બધા માટે લાભકારક હશે. આ માળખું વધુ રોકાણોને પ્રોત્સાહન આપશે અને કાચા માલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરશે. સ્ક્રેપેજ પોલિસી એ એક રામબાણ ઈલાજ છે જે ઓટો અને તેને સંલગ્ન ઉદ્યોગોમાં રોજગારી પેદા કરવા માટે યોગ્ય તક પ્રદાન કરશે અને સેક્ટરને વધુ સંગઠિત બનાવશે.