અવારનવાર રજૂઆત કરવા છતાં પેટ્રોલ, ડીઝલ અને CNGના માર્જિનમાં છેલ્લા 3 વર્ષથી વધારો થયો ન હોવાથી ગુજરાતનાં 4000 જેટલા પેટ્રોલ માલિકોએ દ્વારા ઓઇલ કંપનીઓ પાસેથી 12 ઓગસ્ટે પેટ્રોલ, ડીઝલની ખરીદી નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર આ દિવસે બપોરે 1 કલાક માટે CNGનુ વેચાણ પણ બંધ કરવામાં રાખવામાં આવશે.
પંપ માલીકોના ખર્ચમાં 30% જેવો વધારો થયો
ફેડરેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, 2017માં અમારું માર્જિન દર વર્ષે વધારવા નિર્ણય થયો હતો પણ આજદિન સુધી તેનો અમલ થયો નથી. આ વર્ષો દરમિયાન પંપ માલીકોના ખર્ચમાં 30% જેવો વધારો થયો છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 51% જેટલો વધારો થયો છે જેના કારણે અમારું મૂડીરોકન પણ વધ્યું છે. અનેકવાર રજૂઆત કરવા છતાં કંપનીઓ તરફથી અમારા માર્જિનમાં વધારો કરાયો નથી એટલે વિરોધ દર્શાવવા માટે અમે એક દિવસ માટે ખરીદી ન કરવાનો નિર્ણય કર્યો છે.
ગ્રાહકોને કોઈ તકલીફ પડશે નહીં
ફેડરેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ કહ્યું કે, અમારી પડતર માગણીઓનો અવાજ ઉઠાવવા આ એક પ્રતિકાત્મક વિરોધ છે. રાજ્યના 4000 પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ ચાલુ રહેશે અને ગ્રાહકોને આનથી કોઈ તકલીફ પડશે નહીં. ગુજરાતનાં પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે જે 12 ઓગસ્ટે ખરીદ નહીં થાય.
કોવિડના કારણે વેચાણ 35% ઘટી ગયું છે
અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, કોરોનાને કારણે છેલ્લા 18 મહિના દરમિયાન પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં 35% જેવો ઘટાડો થયો છે. આ ઉપરાંત બે વર્ષથી ડુપ્લિકેટ બાયોડિઝાલના ગેરકાયદે વેચાણના કારણે પણ અમારા ધંધામાં મોટી નુકસાની થઈ રહી છે. અમારી માગણી પર ધ્યાન દેવામાં નહીં આવે તો આવતા દિવસોમાં પેટ્રોલ પંપ બંધ થઈ જવાની સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.