તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રોડમાં વધારો:છેલ્લા 3 વર્ષમાં બેન્કોમાં 3.95 લાખ કરોડની છેતરપિંડી: આરબીઆઈ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન વિવિધ બેન્કોમાં છેતરપિંડીના કુલ 22,864 કેસ નોંધાયા છે. જેમાં કુલ 3,95,424.45 કરોડના કૌંભાંડ સામેલ છે. જેમાંથી આશરે લગભગ અડધા અર્થાત 11,017 કેસ સરકારી બેન્કોમાં નોંધાયા હતા. તેમાંથી 2,94,332 કરોડની છેતરપિંડી થઈ છે.

વર્ષ 2020-21ના રિઝર્વ બેન્કના વાર્ષિક અહેવાલમાં આ માહિતી જારી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ત્રણ વર્ષમાં ખાનગી બેન્કોમાં 8,924 કેસો (86,355 કરોડ રૂપિયા) અને વિદેશી બેન્કોમાં 2,309 (રૂ. 5,242 કરોડ) ફરિયાદો મળી છે. કુલ રકમના સંદર્ભમાં, કુલ છેતરપિંડીની ફરિયાદોમાંથી 74.4% ફરિયાદો સરકારી બેન્કોમાં જ્યારે ખાનગી બેન્કોમાં 21.8% કેસ નોંધાયા છે.

આરબીઆઈના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં છેતરપિંડીના કેસોમાં 21.6% ઘટાડો થયો છે, પરંતુ છેતરપિંડીનું પ્રમાણ 27.6% વધ્યું છે.

ખાનગી બેન્કોમાં ફ્રોડના કેસો 72.6 ટકા વધ્યા
છેલ્લા ત્રણ વર્ષમાં, ખાનગી બેન્કોમાં છેતરપિંડીના કેસોમાં 72.6%નો વધારો થયો છે અને છેતરપિંડીનું પ્રમાણ આઠ ગણુ વધ્યું છે. ખાનગી બેન્કો દ્વારા વર્ષ 2018-19માં છેતરપિંડીના 2,149 કેસ (રૂ. 5,809 કરોડ) નોંધાયા છે. વર્ષ 2019-20માં, છેતરપિંડીના 3,065 કેસ (રૂ. 34,211 કરોડ) બેન્કો સમક્ષ નોંધાવ્યા હતા. ગત નાણાકીય વર્ષ 2020-21માં છેતરપિંડીના કેસો વધીને 3,710 થયા હતાં. જે 46,335 કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે સંબંધિત છે.

વિદેશી બેન્કોમાં છેતરપિંડી ઘટી, પરંતુ રકમ સંદર્ભે વૃદ્ધિ
વિદેશી બેન્કોમાં છેતરપિંડીના કેસોમાં 31.6%નો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ છેતરપિંડીની રકમમાં 3.47 ગણો વધારો થયો છે. વર્ષ 2018-19માં વિદેશી બેન્કોમાં છેતરપિંડીના 762 કેસ (રૂ. 955 કરોડ) નોંધાયા હતાં. જ્યારે 2019-20માં, આ બેન્કોએ છેતરપિંડીના 1,021 કેસ (972 કરોડ રૂપિયા) પ્રકાશમાં આવ્યા હતા. ગયા નાણાકીય વર્ષ 2020-21માં, માત્ર 521 કેસ છેતરપિંડી મામલે નોંધ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...