ભારતની યસ બેંકની જેમ જ અમેરિકાની ફર્સ્ટ રિપબ્લિકને ડૂબવાથી બચાવવા માટે અમેરિકાની 11 મોટી બેંક આગળ આવી છે. આ બેંકો ફર્સ્ટ રિપબ્લિકમાં 30 બિલિયન ડોલર(લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. જેથી ડિપોઝિટર્સને પૈસા ઉપાડવામાં મુશ્કેલી ન પડે. આ 11 બેંકમાં જેપી મોર્ગન, સિટીગ્રુપ, બેન્ક ઓફ અમેરિકા, વેલ્સ ફાર્ગો, મોર્ગન સ્ટેનલી, US બેન્કોર્પ, ટ્રેસ્ટ ફાઇનાન્શિયલ, PNC ફાઇનાન્શિયલ સામેલ છે.
જેપી મોર્ગન, સિટીગ્રુપ, બેન્ક ઓફ અમેરિકા, વેલ્સ ફાર્ગો 5-5 બિલિયન ડોલરનું ફંડિંગ કરી રહી છે. જ્યારે ગોલ્ડમેન સેચ અને મોર્ગન સ્ટેનલી 2.5 બિલિયન ડોલરની મદદ કરશે. અન્ય બેંકો નાની-મોટી રકમ જમા કરશે. આ પહેલા ફર્સ્ટ બેંકે નિવેદન જાહેર કર્યું હતું કે તેમને જેપી મોર્ગન અને ફેડરલ રિઝર્વ બેંક પાસેથી 70 બિલિયન ડોલરનું ફંડ મળી ગયું છે.
ફર્સ્ટ રિપબ્લિકના શેરમાં રિકવરી, 10% વધ્યા
6 માર્ચથી, ફર્સ્ટ રિપબ્લિકના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. બેંકના શેર લગભગ 70% તૂટ્યા હતા. તેનો સ્ટોક 6 માર્ચે શેર દીઠ $122 પર બંધ થયો હતો. પછી 8 માર્ચે, તે શેર દીઠ 115 ડોલર પર આવી ગયો. 16 માર્ચે એક તબક્કે, તે 20 ડોલરથી નીચે સરકી ગયો, પરંતુ તે પછી બેંકોની મદદના સમાચાર મજબૂત રીતે પાછા ફર્યા અને તે લગભગ 10% વધીને 34.27 ડોલર પર બંધ થયો.
આ પગલું બેંકોમાં વિશ્વાસ દર્શાવે છે
મૂડી મૂકનાર અમેરિકન બેંકોએ કહ્યું, 'આ પગલું ફર્સ્ટ રિપબ્લિક અને તમામ કદની બેંકોમાં તેમનો વિશ્વાસ દર્શાવે છે. તે જ સમયે, યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન, ફેડરલ રિઝર્વ બોર્ડના અધ્યક્ષ જેરોમ પોવેલ અને ફેડરલ ડિપોઝિટ ઇન્શ્યોરન્સના અધ્યક્ષ માર્ટિન ગ્રુનબર્ગે કહ્યું, 'બેંકોનું આ પગલું ખૂબ આવકારદાયક છે. આ આપણી બેંકિંગ સિસ્ટમની સ્થિતિસ્થાપકતા દર્શાવે છે.
અમેરિકન બેંકિંગ કટોકટીની ભારતીય બેંકો પર કોઈ અસર નથી
અમેરિકાની બેંકિંગ કટોકટી ભારતીય બેંકોને અસર કરશે નહીં. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ કંપની જેફરીઝ અને ફાઇનાન્સિયલ સર્વિસ ફર્મ મેક્વેરીએ કહ્યું હતું કે સ્થાનિક ડિપોઝિટ પર નિર્ભરતા, સરકારી બોન્ડ્સમાં રોકાણ અને પર્યાપ્ત લિક્વિડિટીના કારણે ભારતીય બેન્કો મજબૂત સ્થિતિમાં છે.
ભારતમાં યસ બેંકને બચાવવા માટે 8 બેંકો આગળ આવી
અગાઉ, એસબીઆઈની આગેવાની હેઠળની આઠ નાણાકીય સંસ્થાઓએ ભારતની યસ બેંકને બચાવવા માટે બેંકમાં રૂ. 10,000 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું. આ રૂપિયા બચાવ યોજના હેઠળ 13 માર્ચ 2020ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. SBIએ શરૂઆતમાં 49% હિસ્સો મેળવવા માટે યસ બેંકમાં રૂ. 6,050 કરોડનું રોકાણ કર્યું હતું. બાદમાં તેને લંબાવ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.