ઇ-વ્હિકલનો ટ્રેન્ડ વધ્યો:4 વર્ષમાં ટુ-થ્રી વ્હિલર વાહનોનું 100% ઇલેક્ટ્રિફિકેશન જરૂરી: કાંત

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોનાં વેચાણ પાંચગણા વધ્યાં

દેશમાં આગામી ચાર વર્ષમાં દ્વિચક્રી અને ત્રીચક્રી વાહનોનું સંપૂર્ણપણે ઇલેક્ટ્રિફિકેશન થાય તે જરૂરી છે. તેનાથી જ દેશમાં ગ્રીન રિવોલ્યુશન શક્ય બનશે તેવું G20 શેરપા અમિતાભ કાંતે જણાવ્યું હતું. ઓટોમોટિવ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ ઓફ ઇન્ડિયા (ACMA)ના વાર્ષિક સમારોહને સંબોધતા અમિતાભ કાંતે જણાવ્યું હતું કે દેશનું લક્ષ્યાંક ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટેશનને વધુને વધુ વેગ આપવાનો હોય તે જરૂરી છે. મારું માનવું છે કે ભારતની સફર દ્વિચક્રી અને ત્રીચક્રી વાહનોના ઇલેક્ટ્રિફિકેશનની છે.

દેશમાં અત્યારે વાહનોના કુલ વેચાણમાં દ્વિચક્રી તેમજ ત્રીચક્રી વાહનોનું કુલ વેચાણ 80 ટકાની આસપાસ હોવાથી તેમાં અપગ્રેડેશન તેમજ ઇલેક્ટ્રિફિકેશન થાય તે ખૂબ જ આવશ્યક છે. વર્ષ 2021-22 દરમિયાન સ્થાનિક દ્વિચક્રી વાહનોનું વેચાણ 1,34,66,412 યુનિટ્સ નોંધાયું હતું, જ્યારે ત્રીચક્રી વાહનોનું વેચાણ 2,60,995 યુનિટ્સ તેમજ એકંદરે વાહનોનું કુલ વેચાણ તમામ શ્રેણીમાં 1,75,13,596 યુનિટ્સ નોંધાયું હતું તેવું સોસાયટી ઑફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સે જણાવ્યું હતું.

ફેડરેશન ઑફ ઓટોબાઇલ ડિલર્સ એસોસિએશન (FADA) અનુસાર ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહનોનું વેચાણ ગત નાણાકીય વર્ષ દરમિયાન 2,31,338 યુનિટ્સ રહેવા પામ્યું હતું. જેમાં વર્ષ 2020-21ના 41,046 એકમો કરતા પાંચ ગણો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વર્ષ 2021-22માં ઇલેક્ટ્રિક વાહનોનું કુલ વેચાણ 4,29,217 યુનિટ્સ હતું. 1,34,821 યુનિટ્સ કરતા ત્રણ ગણો ઉછાળો થયો છે.

બેટરીની કિંમત ઘટતા ઇ-વ્હિકલનો ટ્રેન્ડ વધ્યો
ઇલેક્ટ્રિક વાહનોમાં 40 થી 45 ટકા ખર્ચ ધરાવતી બેટરીની કિંમતોમાં તાજેતરના સમયમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને કારણે હવે દેશમાં ઇ-વ્હીકલનો ટ્રેન્ડ ઝડપી ગતિએ વધી રહ્યો છે. છેલ્લા પાંચથી છ વર્ષ દરમિયાન બેટરીની કિંમતોમાં 100 ટકાથી વધુનો ઘટાડો તેમજ કિલોવોટ દીઠ તેમાં 100 ડોલરથી વધુનો ઘટાડો થયો છે. તેને કારણે આગામી સમયમાં FAMEની સબસિડી વગર પણ ઇવીની વેચાણ કિંમત વધુ ઘટશે.

અન્ય સમાચારો પણ છે...