નિર્ણય / ગુજરાત સરકાર હવે નવા થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવાની પરવાનગી નહિ આપે

The Gujarat government will not allow new thermal power plants in the state

  • સરકારના પોતાના થર્મલ પ્લાન્ટમાં 40%થી પણ ઓછુ વીજ ઉત્પાદન થાય છે
  • વીજ માગને પહોચી વળવા માટે ખાનગી કંપનીઓ પર મોટો આધાર રાખવો પડે છે

Divyabhaskar.com

Sep 07, 2019, 06:26 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યમાં પર્યાવરણ જાળવણી સાથે ગ્રીન-કલીન ઊર્જા ઉત્પાદનને વેગ આપવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જે અંતર્ગત રાજ્યમાં દર વર્ષે વધતી જતી અંદાજે 8થી 10% જેટલી વીજ માંગને પહોચી વળવા હવે થર્મલ પાવર પ્લાન્ટસના સ્થાને માત્ર બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત (રિન્યુએબલ એનર્જી)નો ઉપયોગ કરાશે. મુખ્યમંત્રીએ આ નિર્ણય અંગે જણાવ્યું કે, રાજ્યમાં હવે કોઇ નવા થર્મલ પાવર પ્લાન્ટસની પરવાનગી સરકાર આપશે નહી. રાજ્યની વીજ માંગ પૂર્ણ કરવાના હેતુસર સૌરઊર્જા સહિતના બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોત દ્વારા વીજ ઉત્પાદનથી ગ્રીન કલીન એનર્જીના માધ્યમથી ગુજરાતને પ્રદૂષણમુકત અને પર્યાવરણપ્રિય રાજ્ય બનાવવામાં આવશે.

અત્રે નોંધવું રહ્યું કે ગુજરાત એ પાવર સરપ્લસ રાજ્ય ગણાય છે એટલે કે રાજ્યની માગના પ્રમાણમાં અહી વીજ ઉત્પાદન ક્ષમતા વધુ છે. પરંતુ ખરી હકીકત જાણીએ તો રાજ્ય સરકાર હસ્તકના પાંચ થર્મલ પાવર પ્લાન્ટની પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે. આમાંના મોટા ભાગના યુનિટ્સ 30-40 વર્ષ જુના હોવાથી તેમાં વીજળીનું ઉત્પાદન તેની ક્ષમતાના માત્ર 40% કે તેનાથી પણ ઓછુ થાય છે.

ગુજરાતમાં સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 33,287.06 મેગાવોટની છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટીના 31 જુલાઈ સુધીના આંકડા મુજબ રાજ્યમાં થર્મલ પાવર પ્લાન્ટની સ્થાપિત ક્ષમતા 22,319 મેગાવોટની છે જેમાંથી કોલસા દ્વારા 14,218.10 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે જયારે લિગ્નાઇટ થકી 1540 મેગાવોટ અને ગેસ આધારિત 6561.82 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા છે.

રાજ્યની દૈનિક માગ અંદાજે 12,000 મેગાવોટની રહે છે. ઉનાળાની ઋતુમાં આ માગ વધીને 16,000 મેગાવોટ સુધી જતી રહે છે અને આ માગ પૂરી કરવા માટે સરકારે અદાણી, ટાટા, ટોરેન્ટ અને એસ્સાર જેવી ખાનગી કંપનીઓ પાસેથી વીજળી લેવી પડે છે. આ ઉપરાંત, માગને પહોચી વળવા માટે ઘણી વાર ઓપન માર્કેટ અને એક્સચેન્જ પરથી મોંઘા ભાવે પાવર ખરીદવો પડે છે.

બે વર્ષ અગાઉ કોલસાના વધેલા ભાવનું બહાનું આપી અદાણી, ટાટા, ટોરેન્ટ અને એસ્સારે ગુજરાતને વીજ પુરવઠો આપવાનું બંધ કર્યું હતું જેના કારણે રાજ્ય સરકારે અંદાજે 5,000 મેગાવોટ સુધીની વીજળી ઊંચા ભાવે ઓપન માર્કેટમાંથી ખરીદવી પડી હતી.

X
The Gujarat government will not allow new thermal power plants in the state
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી