- દૈનિક 30,000 ટનનું ઉત્પાદન હતું તે ઘટીને 10,000 ટન થઇ ગયું
- મુશ્કેલ સમયમાં નીતિ વિષયક રાહત આપવા સરકારને રજૂઆત
- વધુ પાવર ટેરીફના કારણે અન્ય રાજ્યો સાથે સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ
Divyabhaskar.com
Sep 09, 2019, 06:50 PM ISTબિઝનેસ ડેસ્ક, અમદાવાદ: ઓટોમોબાઇલ, રિઅલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહીત સ્ટીલનો વપરાશ ધરાવતા ઉદ્યોગોમાં આવેલી મંદીના પગલે ગુજરાતનો સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ગત વર્ષની તુલનામાં માગ 30-35% ઘટી જવાના કારણે આ ઇન્ડસ્ટ્રીએ પોતાનું ઉત્પાદન પણ 60% જેટલું ઘટાડી નાખ્યું છે. ઉદ્યોગોના જાણકારોના મતે મંદીના કારણે 50 યુનિટ્સ પહેલા જ બંધ થઇ ચુક્યા છે અને જો આ સ્થિતિમાં જલદીથી સુધારો નહિ આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. ખાસ તો, નાના એકમો માટે ઘણી મુશ્કેલી ઉભી થશે. ગત વર્ષે આ સમયે જ્યાં દૈનિક 30,000 ટનનું ઉત્પાદન હતું તે અત્યારે ઘટીને 10,000 ટન થઇ ગયું છે. સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ ઉદ્યોગ ઓટો, ફેબ્રિકેશન, પતરા, પાઇપ, ટીએમટી વગેરેના ઉત્પાદન માટે અત્યંત જરૂરી કાચા માલનો સપ્લાય કરે છે પરંતુ આ તમામ ઉદ્યોગોમાં મંદી હોવાથી તેની સીધી અસર સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ પર જોવા મળી રહી છે. વર્તમાન પરિસ્થિતિને પહોચી વળવા માટે ગુજરાત ઇન્ડક્શન ફર્નેસ એસોસિએશને કેન્દ્ર સરકાર સમક્ષ નીતિ વિષયક રાહત પેકેજની માગણી કરી છે.
મંદીના કારણે આ ઉદ્યોગમાં લોકોની રોજગારી છીનવાઈ રહી છે
ગુજરાત ઇન્ડક્શન ફર્નેસ એસોસિએશના પ્રમુખ ઇનામુલ હક ઇરાકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 150 જેટલા સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસના એકમો આવેલા છે જેમાંથી 90% નાના એકમો છે. ઘટતી મગની સૌથી વધુ અસર આ નાના એકમોને થઇ છે. પાછલા ત્રણ મહિનામાં જ અમારી ઇન્ડસ્ટ્રીમાં 10,000થી વધુ લોકોએ રોજગારી ગુમાવી છે અને જો પરિસ્થિતિ આવી જ રહી તો વધુ લોકોની નોકરીઓ જોખમમાં મૂકી શકે છે.
2. નાના એકમોએ 60% જયારે મોટા યુનિટ્સે 30% ઉત્પાદન ઘટાડ્યું
વિનાયક ટીએમટી પ્રાઇવેટ લીમીટેડના પ્રકાશ પટેલ જણાવે છે કે, ઓટોમોબાઇલ અને રિઅલ એસ્ટેટ અમારી સાથે સૌથી વધુ સંકળાયેલા ઉદ્યોગો છે અને આ બંને અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છે. આ કારણોથી ઇન્ડક્શન ફર્નેસના એકમોએ પોતાનું પ્રોડક્શન ઘટાડી નાખ્યું છે. મોટા એકમોએ 30% સુધી જયારે નાના યુનિટ્સમાં અંદાજે 60% ઉત્પાદન કાપ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉદ્યોગ માટે મોંઘી વીજળી પણ એક મોટી સમસ્યા છે. અમારા કુલ ઉત્પાદન ખર્ચમાં 45% પાવરનો ખર્ચ આવે છે.
3. પાવર ટેરિફના કારણે મોટાભાગના યુનિટ્સ રાત્રે ચાલુ રહે છે
ઇનામુલ હક ઇરાકીએ જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં પાવર ટેરીફ વધુ હોવાથી મોટાભાગના એકમો રાત્રીના 10થી 6ના સમયમાં પ્રોડક્શન કરી રહ્યા છે. મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યો ઉદ્યોગોને સસ્તી વીજળી આપે છે અથવા તો તેમાં વપરાશના આધારે રીબેટ પણ આપે છે. બીજા રાજ્યોમાં પાવરનો ખર્ચ સરેરાશ રૂ. 6 પ્રતિ યુનિટ આવે છે, જયારે ગુજરાતમાં કોઈ રીબેટ મળતું ન હોવાથી રૂ. 8 પ્રતિ યુનિટ ખર્ચ આવે છે જે ઘણી મોંઘી પડે છે અને આથી અન્ય રાજ્યો સામે સ્પર્ધા કરી શકતા નથી. આ બાબતે એસોસિએશન દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલને રજૂઆત કરવામાં આવી છે.
4. કેન્દ્ર સરકાર નિકાસ પ્રોત્સાહન આપે તે જરૂરી
ઇનામુલ હક ઇરાકીએ કહ્યું કે, ઉદ્યોગ નિકાસમાં વૃદ્ધિ કરી શકે છે પરંતુ હાલમાં નિકાસ થતી નથી. અગાઉ દેશમાંથી કુલ ઉત્પાદનના અંદાજે 30% નિકાસ થતી હતી. સરકારે નિકાસ માટે ખાસ પ્રોત્સાહન જાહેર કરવા જોઇએ જેથી ઉદ્યોગ ટકી શકે. સમગ્ર ઉદ્યોગ ભારે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે ત્યારે સરકાર રાહત પેકેજ સાથે વિવિધ નીતિગત પગલાની જાહેરાત કરે તેવી અમે અપેક્ષા રાખી રહ્યાં છીએ. સ્થાનિક સ્તરે નબળી માગની સ્થિતિમાં ઉદ્યોગની નિકાસોને પ્રોત્સાહન આપવા માટે સરકાર જરૂરી પગલાં ભરે તે આવશ્યક છે.