- GUVNL અને ટાટા વચ્ચે 25 વર્ષના વીજ ખરીદીના કરાર થયા
- આ પ્લાન્ટ વાર્ષિક 635 મિલિયન યુનિટ વિજળી ઉત્પાદન કરશે
Divyabhaskar.com
Jul 29, 2019, 05:10 PM ISTઅમદાવાદ: ભારતની સૌથી મોટી સંપૂર્ણ વીજ કંપની ટાટા પાવરે જાહેરાત કરી હતી કે કંપનીની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઇએલ)ને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) પાસેથી ગુજરાતમાં ધોલેરા ખાતે 250 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ બનાવવા માટે લેટર ઓફ એવોર્ડ (એલઓએ) મળ્યો છે. અગાઉ રાઘાનેસડા સોલાર પાર્કમાં 100 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી મંજુરી મળી હતી. આ માટે બંને કંપનીઓ વચ્ચે વાણિજ્યિક કામગીરી શરૂ થવાની તારીખથી 25 વર્ષનાં ગાળા માટે પાવર પરચેઝ એગ્રીમેન્ટ (પીપીએ) થયા છે, જે અંતર્ગત ઉત્પાદિત થતી વીજળી જીયુવીએનએલને પૂરી પાડવામાં આવશે. આ પ્રોજેક્ટ પીપીએનો અમલ થયાની તારીખથી 15 મહિનાની અંદર કાર્યરત થશે.
આ અંગે ટાટા પાવરનાં સીઇઓ અને મેનેજીંગ ડિરેક્ટર પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, અમને ધોલેરામાં 250 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ મળ્યો છે. આ પ્લાન્ટ દર વર્ષે 635 મિલિયન યુનિટ ઊર્જાનું ઉત્પાદન કરશે એવી અપેક્ષા છે અને વર્ષે 635 મિલિયન કિલોગ્રામ કાર્બન ડાયોકસાઇડ ઓફસેટ કરશે.
ટાટા પાવરનાં રિન્યૂએબલ્સનાં પ્રેસિડન્ટ આશિષ ખન્નાએ કહ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટની સાથે અમે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, એન્જિનીયરિંગ અને અમલીકરણ ક્ષમતાઓ તેમજ નવીનીકરણ ઊર્જા તરફ અમારી ઊંચી કટિબદ્ધતા પ્રદર્શિત કરવાનું જાળવી રાખ્યું છે. ટાટા પાવરની કુલ ઊર્જા ક્ષમતામાં સ્વચ્છ ઊર્જાનાં સ્ત્રોતોમાંથી 35થી 40 ટકા ઊર્જાનું ઉત્પાદન કરવાનાં અમારાં પ્રયાસમાં આ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ કોન્ટ્રાક્ટ સાથે ટીપીઆરઇએલની અમલીકરણ અંતર્ગત ક્ષમતા 650 મેગાવોટ થશે, જે કાર્યકારી ક્ષમતા 2,476 મેગાવોટ ઉપરાંત છે.