ઓટોમોબાઇલ / મહિન્દ્રાની કાર ફોર્ડના સાણંદ પ્લાન્ટમાં બને તેવી સંભાવના, બંને કંપનીઓ વચ્ચે વાતચીત ચાલું

Ford may manufacture car for Mahindra at Sanand Plant in Gujarat, talks are undergo
X
Ford may manufacture car for Mahindra at Sanand Plant in Gujarat, talks are undergo

  • બે-ત્રણ મહિના પહેલા ફોર્ડે પોતાના સાણંદ પ્લાન્ટના ડોક્યુમેન્ટ્સ મહિન્દ્રાની લીગલ ટીમને આપ્યા હતા
  • ફોર્ડ ઇન્ડિયાએ ગુજરાતનો પ્લાન્ટ વેચવા કાઢ્યો હોવાની વાત નકારી

Divyabhaskar.com

Sep 13, 2019, 05:13 PM IST

વિમુક્ત દવે, અમદાવાદ: ફોર્ડને ભારતમાં યોગ્ય બિઝનેસ ન મળવાથી કંપની પોતાનું ઇન્ડિયા ઓપરેશન ધીમે ધીમે ઘટાડવા અંગે વિચારી રહી છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે કંપનીના આધારભૂત સુત્રોએ જણાવ્યું કે, ગુજરાતનો પ્લાન્ટ વેચવાનો કંપનીનો હાલ કોઈ ઈરાદો નથી પરંતુ હાલમાં અમે મહિન્દ્રા સાથે વાત કરી રહ્યા છીએ. ભારતમાં હાલ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે અને અમેરિકન કાર મેકર ફોર્ડ પણ તેમાંથી બાકાત નથી. કંપની બે દાયકા કરતા પણ વધુ સમયથી ભારતીય બજારમાં હોવા છતાં બજારમાં પકડ જમાવી શકી નથી. આધારભૂત સુત્રોએ નામ ન આપવાની શરતે આપેલી માહિતી મુજબ ચાલુ વર્ષે જુન-જુલાઈ દરમિયાન મહિન્દ્રાઅને ફોર્ડ ઇન્ડિયાની લિગલ ટીમો મળી હતી અને ફોર્ડે પોતાના ગુજરાત પ્લાન્ટને લગતા લિગલ ડોક્યુમેન્ટ્સ મહિન્દ્રાને આપ્યા હતા. આ બંને કાર ઉત્પાદકો વચ્ચે અગાઉથી જ જોડાણ થયેલું છે અને હવે એવી વાત છે કે આ જોડાણ અંતર્ગત મહિન્દ્રા પોતાની ગાડીઓનું ઉત્પાદન ફોર્ડના સાણંદ પ્લાન્ટમાં કરી શકે છે. જો કે, તે સમયે જયારે divyabhaskar.com દ્વારા આ બાબતે બંને કંપનીઓને પૂછવામાં આવ્યું ત્યારે આ માટે બન્નેએ કોઈ સ્પષ્ટતા કરી ન હતી.

ફોર્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડના પ્રવક્તાએ જુલાઈમાં આ બાબતે ઈ-મેઈલ પર divyabhaskar.comને જવાબ આપતા જણાવ્યું હતું કે, અમે ભારતીય બજારમાંથી નીકળી રહ્યા છીએ તે વાત પાયા વગરની છે અને આવી અફવાઓ એ માત્ર અમારી રેપ્યુટેશનને નુકસાન પહોચાડવાનો પ્રયાસ છે. મહિન્દ્રાની ગાડી ફોર્ડના સાણંદ પ્લાન્ટમાં બનશે કે કેમ? તે અંગે ફોર્ડના અધિકારીક સુત્રોએ કોઈ જવાબ આપ્યો ન હતો. મહિન્દ્રા તરફથી પણ આ અંગે કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.

ફોર્ડ-મહિન્દ્રાએ મિડ-સાઈઝ સ્પોર્ટ્સ યુટીલીટી વ્હિકલ ડેવલોપ કરવા કરાર કર્યા છે

ફોર્ડ અને મહિન્દ્રા વચ્ચે સપ્ટેમ્બર 2017માં ભારત અને અન્ય ઉભરતા બજારોમાં બિઝનેસ વિકસાવવા અને વધારવા માટે સ્ટ્રેટેજીક જોડાણ થયું હતું. તેવી જ રીતે એપ્રિલ 2019માં સંયુક્ત રીતે મિડ-સાઈઝ સ્પોર્ટ્સ યુટીલીટી વ્હિકલ ડેવલોપ કરવા માટે કરાર કરવામાં આવ્યા છે. આ ડેવલપમેન્ટ કઈ જગ્યાએ ઈમ્પલીમેન્ટ થશે તે હજુ નક્કી નથી પણ ફોર્ડના સુત્રો જણાવે છે કે, બંને કંપનીઓ વચ્ચે વાતચીત ચાલુ છે અને આ અંગે ટૂંક સમયમાં જાહેરાત થઇ શકે છે. જાણકારોના મતે આ વાતચીત ગુજરાતના પ્લાન્ટને સંલગ્ન પણ હોય તેવી પૂરી સંભાવના છે.

2. ફોર્ડની ગ્લોબલ મેનેજમેન્ટ ટીમ ગુજરાતના મુખ્યમંત્રીને મળી હતી

ચાલુ વર્ષે મે મહિનામાં ફોર્ડ મોટરની ગ્લોબલ મેનેજમેન્ટ ટીમના સભ્યો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા માટે આવ્યા હતા. આધિકારિક સુત્રોએ તે સમયે આ મિટિંગને શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. ફોર્ડ મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં સાણંદ ખાતે 2015માં પોતાનો પ્લાન્ટ સ્થાપિત કર્યો હતો. કંપનીનો ભારતમાં આ બીજો પ્લાન્ટ છે. ગુજરાત પ્લાન્ટની 2.20 લાખ કારની સ્થાપિત ઉત્પાદન ક્ષમત સામે વર્તમાન ઉત્પાદન 1.20 લાખ કારનું છે, એટલે કે પ્લાન્ટનું યુટીલાઈઝેશન તેની ક્ષમતના 50% જેટલું જ છે. હાલ આ પ્લાન્ટમાં 3,000થી વધુ લોકો કામ કરી રહ્યા છે.

3. ફોર્ડની ભારતીય બજારમાં હિસ્સેદારી ઘણી ઓછી

ફોર્ડ ભારતમાં 1995માં પ્રવેશી હતી અને તે ભારતમાં પ્રવેશનાર પ્રારંભિક ઓટોમેકર્સમાંની એક છે. પરંતુ ફોર્ડની કારનું વેંચાણ બહુ ખાસ રહ્યું નથી. વર્ષ 2018-19માં ભારતમાં તેની કુલ 92,937 ગાડીઓનું વેંચાણ થયું હતું. હાલમાં તેનો બજાર હિસ્સો 3%થી પણ ઓછો છે. તેની સામે ફોર્ડની સાથે જ ભારતીય બજારમાં પ્રવેશનારી હ્યુન્ડાઈનો બજાર હિસ્સો હાલમાં 16% જેટલો છે. ફોર્ડના વેચાણના આકડા જોઈએ તો આ વર્ષે ઓગસ્ટમાં કંપનીની ગાડીઓનું વેચાણ 31.4% ઘટીને 5,517 ગાડીઓનું રહ્યું હતું જે 2018ના ઓગસ્ટમાં 8,042 કાર હતું.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી