BSE લિસ્ટેડ કંપનીઓમાં રોકાણકારોએ ચાર મહિનામાં રૂ. 11 લાખ કરોડ ગુમાવ્યા, માર્કેટ કેપ 7.25% ઘટ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી રોકાણકારોમાં ભારતનું આકર્ષક ઈમર્જીંગ માર્કેટ તરીકેનું મહત્વ ઘટ્યું
  • નવી સરકારે અપેક્ષા મુજબ ઈકોનોમી રિફોર્મ્સના પગલા ભર્યા ન હોવાનું તારણ

વિમુક્ત દવે, અમદાવાદ: ભારતીય અર્થતંત્રની પરિસ્થિતિનું રિફ્લેક્શન શેરબજારના આંકડાઓમાં દેખાઈ રહ્યું છે. ચાલુ નાણાકિય વર્ષના પહેલા ચાર મહિના એટલે કે, એપ્રિલથી જુલાઈ દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લીસ્ટેડ થયેલી કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન (માર્કેટ કેપ) 7.25% ઘટ્યું છે. બીજી રીતે જોઈએ તો આ ચાર મહિનાના ગાળામાં રોકાણકારોએ રૂ. 11 લાખ કરોડ જેટલી રકમ ગુમાવી છે. બજાર નિષ્ણાતોના મતે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રિય સ્તરે ઈકોનોમી ખરાબ કરી રહી હોય, ફોરેઇન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર (FII) દ્વારા નફારૂપી વેચવાલી આવી છે. ખાસ કરીને, નવી સરકારના બજેટમાં ઉદ્યોગોને જે રીતની અપેક્ષા હતી કે સરકાર ટૂંકાગાળાના રિફોર્મ્સ જાહેર કરશે, તેવું કઈ ના થતા ઘર આંગણે પણ ઉદ્યોગોની પરિસ્થિતિ ખરાબ છે તેના પગલે બજારમાં નવું રોકાણ આવતું નથી અને વેચવાલીનું પ્રમાણ વધુ છે. આ કારણોસર માર્કેટ કેપમાં આટલા મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે.
BSE લીસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ એપ્રિલમાં રૂ. 152.54 લાખ કરોડ હતું જે જુલાઈના અંતે 7.25% ઘટીને રૂ. 141.47 લાખ કરોડે પહોચ્યું હતું. પાછલા પાંચ વર્ષના આંકડા જોઈએ તો આ સમયગાળામાં (એપ્રિલ-જુલાઈ) માર્કેટ કેપ વધ્યું જ છે. જોકે, 2018માં 0.22% જ વધારો નોંધાયો હતો જે દેખીતી રીતે નગણ્ય કહી શકાય. જયારે 2016માં માર્કેટ કેપ 11.87% વધ્યું હતું અને ત્યારબાદથી માર્કેટ કેપમાં સતત ઘટાડો જ નોંધાયો છે.બોમ્બે સ્ટોક એક્સચેન્જ માર્કેટ કેપિટલાઈઝેશન (રૂ. ક
રોડ)

વર્ષએપ્રિલજુલાઈવધ-ઘટ (%)
201599,68,015.251,04,79,395.615.13
201697,10,538.631,08,63,580.7611.87%
20171,24,84,974.801,32,62,245.536.22%
20181,52,79,535.371,53,14,574.300.22%
20191,52,54,028.061,41,47,124.63-7.25%

સોર્સ: બોમ્બે સ્ટોક એક્સચેન્જ

1) દસ વર્ષમાં પહેલી વાર માર્કેટ જુલાઈમાં માઈનસ થયું

મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસીસમાં રિટેઈલ રિસર્ચના હેડ સિદ્ધાર્થ ખેમકા જણાવે છે કે, પાછલા દસ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું છે કે જુલાઈ મહિનામાં બજાર માઈનસમાં રહ્યું હોઈ. રોકાણકારોને ખાસ કરીને વિદેશી રોકાણકારોને એવું લાગી રહ્યું છે કે પોતાના ઇન્વેસ્ટમેન્ટની સામે અર્નિંગ ઓછુ મળી રહ્યું છે. માર્કેટમાં વેલ્યુએશન ઘણું ઊંચું છે અને તેની સામે વળતરનું પ્રમાણ ઓછુ છે. આવા સમયે પ્રોગ્રેસીવ બજેટની જે અપેક્ષા હતી તે પૂરી ન થવાથી FIIએ મોટા પ્રમાણમાં પોતાનો સ્ટોક ખાલી કર્યો છે.  ખેમકા કહે છે કે, નવી સરકાર બન્યા બાદ લોકોને અપેક્ષા હતી કે અર્થતંત્રને સુધારવા માટે ટૂંકા ગાળાના પગલા ભરવામાં આવશે પરંતુ બજેટમાં આવું કઈ પણ ન આવતા રોકાણકારો નિરાશ થયા હતા જેની સીધી જ અસર જુલાઈમાં બજાર પર જોવા મળી છે.

ઇન્વેસ્ટર પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, માર્કેટ કેપ આટલા મોટા પ્રમાણમાં ઘટી જવા માટે ઘણા કારણો છે. તેમાં સૌથી અગત્યનું એ છે કે ફોરેઇન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)ને ભારત પ્રત્યે પહેલા જેવું આકર્ષણ નથી રહ્યું જે વીતેલા ૧૦-૧૫ વર્ષોમાં જોવા મળ્યું છે. ભારતમાં જે રીતે પોલીસી લેવલે બદલાવ આવ્યા છે તે FPIને માફક નથી આવ્યા અને એટલે જ હવે તે ભારતને એક સારા ઇન્વેસ્ટમેન્ટ વિકલ્પ તરીકે નથી જોઈ રહ્યા. આના પરિણામે ચાલુ કેલેન્ડર વર્ષમાં તેમના તરફથી રોકાણમાં સતત ઘટાડો થયો છે. વિદેશી રોકાણકારો હવે ભારત કરતાં બાંગ્લાદેશ, વિયેતનામ અને ઇન્ડોનેશિયા જેવા દેશોને વધુ મહત્વ આપી રહ્યા છે.

કોટક સિક્યુરિટીઝના ફન્ડામેન્ટલ રિસર્ચના હેડ રશ્મિક ઓઝાએ જણાવ્યું કે, વર્ષની શરૂમાં ચુંટણીનો માહોલ હતો અને ત્યારબાદ એક્ઝીટ પોલમાં મજબુત અને સ્થિર સરકારના અનુમાનો આવ્યા બાદ બજારમાં તેજીની રેલી આવી હતી. લોકો અપેક્ષા રાખી રહ્યા હતા કે, નવી બનનારી સરકાર અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે ઠોસ પગલા ભરાશે. પરંતુ બજેટમાં આવી કોઈ વાત થઇ નહિ અને ઘર આંગણે ઉદ્યોગોની પરિસ્થિતિમાં કોઈ સુધાર દેખાતો ન લાગતા જુલાઈમાં વેચવાલીએ જોર પકડ્યું હતું તેના કારણે આટલા મોટા પ્રમાણમાં રોકાણકારોએ નુકસાની વેઠવી પડી હતી.  ઓઝાએ એમ પણ કહ્યું કે, વર્તમાન સંજોગોમાં સરકાર તરફથી કોઈ રીફોર્મ થાય તેવા પગલા લેવાય તેવું નહિ લાગતા વિદેશી રોકાણકારો બજારથી દુર થઇ રહ્યા છે અને નજીકના દિવસોમાં મોટી તેજીની કોઈ સંભાવના દેખાતી નથી. નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦ના ચોથા ક્વાટરમ ધીમે ધીમે માર્કેટ પોઝિટીવ થવાની ધારણા છે. આમ છતાં આગામી બજેટ પર પણ ઘણો આધાર રહેશે.