પ્રેરણાત્મક / રાજકોટના ઉદ્યોગકારે કારીગરોનું વ્યસન છોડાવવા મંદીનો સહારો લીધો; તમાકુ, ગુટખા, બીડીની આદતોથી નોકરી ગુમાવવી પડશે

X

  • ફેક્ટરી પર મોટું સ્ક્રીન લગાવી વ્યાસન મુક્તિ માટે પ્રેરણાદાયી વક્તવ્ય સંભળાવ્યા
  • ખરાબ આદતો છોડાવવા કારીગરો અને અન્ય સ્ટાફને રોજ યોગા કરાવે છે

Divyabhaskar.com

Feb 13, 2020, 11:38 AM IST
વિમુક્ત દવે, અમદાવાદ: ગુજરાતમાં ઘણી નાની મોટી કંપનીઓ પોતાના કારીગરો તેમજ અન્ય સ્ટાફના સ્વાસ્થ્ય અંગે વિચારતી હોય છે અને સમયાંતરે મેડીકલ ચેકઅપ અને કેમ્પ પણ યોજાતી હોય છે. આ વાતથી થોડું આગળ વિચારીને રાજકોટની ફાઉન્ડ્રી ઉદ્યોગ સાથે સંકળાયેલા પર્વ મેટલ ગ્રુપ ઓફ કંપનીઝે પોતાના વર્કર્સને વ્યસન મુક્ત કરવા માટે ગયા વર્ષે જુન મહિનાથી એક વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત કંપનીના 150 કારીગરો તેમજ અન્ય સ્ટાફને વ્યસન મુક્ત કરવા માટે વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા હતા જેથી તેઓને તમાકુ, ગુટખા, બીડી સહિતની આદતો છોડવામાં મદદ મળી રહે. આ ઉપરાંત કંપનીએ તેમના સ્ટાફ માટે એક ખાસ શરત અમલમાં મૂકી છે તે મુજબ કારીગરો અને સ્ટાફે વ્યસન અથવા નોકરી (જોબ) બંનેમાંથી એકની પસંદગી કરવાની રહે છે.

ટાટા ગ્રુપની પ્રવૃત્તિઓ જોઇને પ્રેરણા મળી

આ અંગે Divya Bhaskarને જણાવતા કંપનીના મેનેજીંગ પાર્ટનર સહદેવસિંહ ઝાલાએ કહ્યું કે, અમારે કામના સંદર્ભમાં ટાટા મોટર્સમાં પુણે જવાનું થતું હોય છે અને ત્યાં અમે જોયેલું કે ટાટા ગ્રુપ પોતાના વર્કર્સ માટે ઘણું કરી રહી છે. આ સિવાય જર્મની, ચીન, અમેરિકા જવાનું હોય છે. ત્યાં કારીગરોના વ્યસનને લઇને બહુ જ કડક નિયમો છે જે આપણે ત્યાં નથી. આ બધા ઉપરથી પ્રેરણા લઈને અમે અમારા ત્રણ યુનિટ્સમાં કારીગરોના વ્યસનને છોડાવવા માટે એક ખાસ પ્રોગ્રામ બનાવ્યો અને અમને તેમાં સફળતા પણ મળી છે.

2. નોકરી કરાવી હોય તો વ્યસન મુકાવું જ પડશે તેવી શરત રાખી

સહદેવસિંહ ઝાલાએ જણાવ્યું કે, અમે જયારે અમારા વર્કર્સને વ્યસન છોડવા માટે કહ્યું ત્યારે ઘણા લોકોને તે પસંદ નહોતું આવ્યું. આ માટે કડક શબ્દોમાં કહ્યું કે જો નોકરી ટકાવી રાખવી હોય તો તમારી ખરાબ આદતોને મુકવી પડશે અને અમે તેમાં મદદ કરીશું. કારીગરો વ્યસન છોડે તે માટે અમે ફેકટરીમાં એક મોટું સ્ક્રીન લગાવી અને પ્રોજેક્ટર દ્વારા તેમાં અલગ અલગ પ્રકારના વ્યસન મુક્તિના પ્રેરણાત્મક પ્રવચનો અને વિડીયો બતાવ્યા.

3. મંદીના સમયનો યોગ્ય અને સકારાત્મક ઉપયોગ કર્યો

ઝાલાએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમને અમારા આ કામમાં સફળતા મળી એ માટે મંદી એક મોટું પરિબળ છે. સામાન્ય સંજોગો કે તેજીના સમયમાં કારીગરોને નોકરી ગુમાવવાનો ભય રહેતો નથી. નોકરી જાય તો પણ બીજી જગ્યાએ તરત જ કામ મળી રહે છે. પરંતુ, હાલમાં મંદીનો માહોલ હોવાથી તાત્કાલિક કોઈ બીજી જગ્યાએ નોકરી મેળવવી તેમના માટે અઘરું છે. આ વાતને અમે ધ્યાનમાં રાખીને વ્યસન અથવા નોકરીમાંથી કોઈ એકની પસંદગી કારીગરોની સામે મૂકી હતી અને અમે તેમાં સફળ પણ રહ્યા.

4. માલિક અને વર્કર્સ સાથે મળીને યોગા કરે છે

વ્યસન એક વાર છૂટી ગયા પછી તેની આદત ફરીવાર લાગી જવાની સંભાવનાઓ હોય છે. આવું ના થાય તે માટે કંપનીએ યોગનો સહારો લીધો અને એક નિયમ બનાવ્યો કે કામ શરુ કરતા પહેલા કારીગરો તેમજ અન્ય સ્ટાફે યોગા કરવા. આ કામમાં કંપનીના માલિકો પણ જોડાયા અને માલિક અને વર્કર્સ સાથે મળીને યોગા કરે છે. છેલ્લા 5 મહિનાથી આ નિયમ છે અને કંપનીમાં માલિક સહીત કામ કરનારા તમામ લોકો માટે એક સમાન રીતે નિયમ લાગુ પડ્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી