ગુજરાતના તમામ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પોતાની જરૂરિયાત માટે સોલાર પાવરનું ઉત્પાદન કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષમાં સેઝમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવવાનો હેતુ
  • પ્રોજેક્ટની તૈયારી કરવા માટે ટૂંક સમયમાં કન્સલ્ટન્ટની નિમણુક થશે

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: ગુજરાતમાં આવેલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ)માં ચાલતા એકમો લાંબા સમયથી વીજળીના પુરવઠા અને તેના ભાવને લઇને મુશ્કેલી અનુભવી રહ્યા છે. આના નિરાકરણ માટે સેઝ ઓથોરીટીએ હવે પોતાની રીતે જ વીજ ઉત્પાદન કરવાનું નક્કી કર્યું છે. કંડલા સેઝે શુક્રવારે ગિફ્ટ સિટીમાં સેઝ અને ઇઓયુ પોલિસીઓ પર ઓપન હાઉસનું આયોજન કર્યું હતું. આ ઓપન હાઉસમાં 200થી વધુ ડેવલપર્સ, કો-ડેવલપર્સ અને યુનિટનાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને પોતાને પડતી મુશ્કેલીઓ ઓથોરીટ સમક્ષ રજુ કરી હતી. કંડલા સેઝનાં ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર અમિયા ચંદ્રાએ જણાવ્યું હતું કે, રાજ્યના 20 સેઝ પોતાની જરૂરિયાત મુજબ સોલાર પવારનું ઉત્પાદન કરશે અને આ કરવા  પાછળનો હેતુ વીજ ખર્ચ ઘટાડવાનો તેમજ સેઝમાં 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રોજેક્ટની તૈયારી કરવા માટે ટૂંક સમયમાં કન્સલ્ટન્ટની નિમણુક કરવામાં આવશે.

1) સરકારી-ખાનગી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓનો પાવર મોંઘો પડે છે

અમિયા ચંદ્રાએ જણાવ્યું કે, હાલમાં મોટા ભાગના સેઝમાં સરકારી ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ દ્વારા વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે જયારે અમુક જગ્યાએ ખાનગી કંપની પાવર સપ્લાય કરે છે. આ પાવર સેઝના એકમોને મોંઘો પડે છે અને તેમને મળતી સપ્લાયમાં પણ અવાર નવાર તકલીફ પડે છે. આ જ કારણોસર અમે હવે સ્વાવલંબી બનવાના હેતુથી પોતાની જરૂરિયાત મુજબ રિન્યુએબલ સોર્સથી વીજ ઉત્પાદન કરવાનું નક્કી કરી રહ્યા છીએ.

ચંદ્રાએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટના સંદર્ભમાં થોડા સમય પૂર્વે અમને અદાણી ગ્રુપ તરફથી સેઝમાં પાવર સપ્લાય કરવા માટે ઓફર કરવામાં આવી છે. અમે તેને ચકાસી રહ્યા છીએ. સસ્તા દરે પાવર સપ્લાય મેળવવા માટે અમે પોતાની રીતે ઉત્પાદન કરવાની સાથે સાથે અન્ય વિકલ્પો પણ ચકાસી રહ્યા છીએ અને આ માટે જ કન્સલ્ટીંગ એજન્સી રોકવામાં આવશે.

ગુજરાતમાં આવેલા સેઝને સ્માર્ટ અને ગ્રીન સેઝ તરીકે વિકસાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. કંડલા સેઝ અલ્ટ્રા-ફિલ્ટ્રેશન સાથે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન સ્થાપિત કરવાની સંભવિતતા ચકાસશે, ઝોનમાં સોલર પાવર ગ્રિડને સ્થાપિત કરવાની સાથે સંપૂર્ણ ઝોનને ગ્રીન ઝોનમાં બનાવવા, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ અને ઝોનમાં અંદર સુએઝનાં સંપૂર્ણ ટ્રીટમેન્ટની સુવિધા ઊભી કરશે. હાઉસ મેનેજમેન્ટ/યુઝર ચાર્જીસમાં સ્પર્ધાત્મકતા લાવવાની તથા સક્ષમ કંપનીઓને આમંત્રણ આપીને ઝોનમાં મેઇન્ટેનન્સ સુવિધા ઊભી કરાશે.

ગુજરાત કંડલા, સુરત, રિલાયન્સ, દહેજ, સ્ટર્લિંગ અને અદાણી સેઝ જેવા મલ્ટિ-પ્રોડક્ટ સેઝ; ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (આઇએફએસસી)નાં દરજ્જા સાથે ગિફ્ટ સિટી જેવા મલ્ટિ-સર્વિસીસ સેઝ અને ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, એન્જિનીયિરંગ ગૂડ્સ અને સર્વિસીસ વગેરે માટે અતિ સ્પેશ્યલાઇઝ સેક્ટરલક્ષી સેઝ સાથે વિવિધતાસભર સેઝ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...