ભારતમાં લેમ્બર્ગિની ખરીદાનારોમાંથી 60-65% લોકો ફાઈનાન્સથી કાર ખરીદે છે, ગુજરાતમાં ગત વર્ષે 5 ગાડી વેચાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી લોન્ચ થયેલી હુરાકાન EVOનું અમદાવાદમાં શોકેસ કરતા લેમ્બર્ગિનીના ઇન્ડિયા હેડ શરદ અગરવાલ - Divya Bhaskar
નવી લોન્ચ થયેલી હુરાકાન EVOનું અમદાવાદમાં શોકેસ કરતા લેમ્બર્ગિનીના ઇન્ડિયા હેડ શરદ અગરવાલ
  • લેમ્બર્ગિનીએ ગુજરાતમાં પહેલીવાર નવી લોન્ચ થયેલી હુરાકેન EVO શોકેસ કરી
  • ભારતમાં વર્ષ 2019માં 52 લેમ્બર્ગિની કારનું વેચાણ થયું હતું

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: સુપર લક્ઝુરિયસ કાર બનાવતી કંપની લેમ્બર્ગિનીએ આજે ગુરુવારે અમદાવાદ ખાતે સૌપ્રથમ વાર તેની નવી લોન્ચ થયેલી હુરાકાન EVO (Huracán EVO) કારને શોકેસ કરી હતી. આ પ્રસંગે ગુજરાત આવેલા લેમ્બર્ગિનીના ઇન્ડિયા હેડ શરદ અગરવાલે જણાવ્યું હતું કે, ભારતમાં અમારી કર ખરીદદારોમાંથી 60-65% લોકો એવા છે જે ફાઈનાન્સથી અમારી કાર ખરીદવાનું પસંદ કરે છે. એવું નથી કે આ લોકોને કોઈ આર્થિક પ્રશ્ન હોતો નથી તેમ છતાં તેઓ ફાઈનાન્સ પર કાર લેવાનું પસંદ કરે છે. મોટાભાગના એમ પણ માને છે કે કારની ખરીદીમાં પૈસા રોકી રાખવા તેના કરતાં આ રકમને બિઝનેસ પર્પઝમાં વાપરવી. ભારતમાં બીઝનેસમેન અને ઉદ્યોગપતિઓ જ લેમ્બર્ગિની ખરીદે છે જયારે ચીન, અમેરિકા જેવા દેશોમાં પ્રોફેશનલ્સ પણ અમારી કારના બાયર્સ છે.

લેમ્બર્ગિનીના સેલમાં ગુજરાતનો હિસ્સો 10%થી ઓછો
શરદ અગરવાલે જણાવ્યું કે, દેશમાં અમારી જેટલી કારનું વેચાણ છે તેમાં ગુજરાતનો હિસ્સો 10%થી ઓછો છે. સમગ્ર ભારતમાં વર્ષ 2018માં 45 લેમ્બર્ગિની વેચાઈ હતી અને 2019માં 52 કારનું વેચાણ થયું હતું. એ હિસાબે ગુજરાતમાં લગભગ 5 કારનું વેચાણ થયું હતું. હાલમાં ઓટોમોબાઇલ સેક્ટર સારી પરિસ્થિતિમાં નથી તે જોતા અમારા પ્રયત્નો રહેશે કે અમે ગત વર્ષ જેટલું વેચાણ જાળવી રાખીએ.

ભારતમાં સુપર લક્ઝુરિયસ કારનું વેચાણ ઘટ્યું
અગરવાલે જણાવ્યું કે, દેશના અત્યારે આર્થીક મંદીનો માહોલ છે તેના કારણે 2019માં સુપર લક્ઝુરિયસ કાર (રૂ. 2.50 કરોડથી વધુ કિમતની કાર)નું વેચાણ ઘટ્યું હતું. આ કેટેગરીમાં 2018માં દેશમાં 315 કારના વેચાણ સામે 2019માં સેલિંગ અંદાજીત 16% ઘટીને 265 કારનું રહ્યું હતું.

ટિયર-1 અને 2 સિટીમાંથી પણ સુપર લક્ઝુરિયસ કારની માગ વધી
શરદ અગરવાલે કહ્યું કે, અગાઉ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને બેંગલોર જેવા મેટ્રો શહેરોમાંથી જ લેમ્બર્ગિની માટે ડિમાંડ આવતી હતી. પરંતુ વીતેલા ત્રણ વર્ષમાં અમે અનુભવ્યું છે કે નોન મેટ્રો શહેરો અને ટિયર-1 અને 2 સિટીમાંથી પણ સુપર લક્ઝુરિયસ કારની માગ વધી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાંથી પુછપરછ આવે છે. આ સિવાય નાસિક, ઇન્દોર, ભુવનેશ્વર, કાનપુર જેવા શહેરોમાંથી પણ ઇન્કવાયરી થાય છે.