આર્થિક સંકટ / જેટ એરવેઝને સરકાર હસ્તગત કરે: બેન્ક કર્મચારી સંગઠન

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • સ્પાઈસ જેટે જેટ એરવેઝના 500થી વધુ પાઈલટ અને કેબિન ક્રૂને નોકરી આપી

Divyabhaskar.com

Apr 20, 2019, 02:04 AM IST

નવી દિલ્હી / મુંબઈ: જેટ એરવેઝના 20,000 કર્મચારીઓની મદદ માટે બેન્ક કર્મચારીઓનું સંગઠન આગળ આવ્યું છે. તેણે સરકારને એરલાઈન હસ્તગત કરવા આગ્રહ કર્યો છે, જેથી જેટના કર્મચારીઓનું ભવિષ્ય સલામત રહે. પરંતુ સાથે જ એમ પણ કહ્યું છે કે બેન્કો પર આ સંકટગ્રસ્ત એરલાઈનને લોન આપવા માટે દબાણ ન કરવું જોઈએ. ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિયેશને આ સંદર્ભમાં વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે.

તેમાં કહેવાયું છે કે બેન્કોએ એરલાઈનના ઈન્વેસ્ટર શોધવા માટે હરાજી શરૂ કરી છે. હરાજી સફળ ન થાય તો સરકારે તે હસ્તગત કરવી જોઈએ, જેથી 20,000 કર્મચારીઓની નોકરી સલામત રહે. એસોસિયેશનનું કહેવું છે કે એરલાઈનને મુશ્કેલીમાંથી બહાર લાવવા દરેક વ્યક્તિ બેન્કો તરફ જોઈ રહી છે, પરંતુ હજી નરેશ ગોયલ જ તેના પ્રમોટર છે. તેમની પાસે એરલાઈનનો 51 ટકા હિસ્સો છે. તેથી કંપની ચલાવવી કે વેચવી તે તેમનો વિષય છે.


ઉડ્ડયનો બંધ થયાં પછી બેન્કોને જેટની હરાજીની ચિંતા: જેટનાં ઉડ્ડયન બંધ થયા પછી હવે બેન્કોને હરાજીની ચિંતા સતાવવા લાગી છે. તેમને ડર છે કે હરાજીમાં વધુ બોલી નહીં મળે તો! તેથી તે જેટની એસેટને સલામત રાખવાના પ્રયાસમાં છે. તે તેનાં 16 વિમાન બીજી એરલાઈન્સને ભાડા પર આપવા માગે છે. તેનાથી તેનું મેન્ટેનન્સ થતું રહેશે અને આવક પણ થશે.

આ સિવાય તે જેટનો એરપોર્ટ સ્લોટ સલામત રાખવા માટે પણ ઓથોરિટી સાથે વાતચીત કરે છે. જેટના પોતાનાં 10 મોટાં વિમાનોમાં એર ઈન્ડિયા અને બીજી એરલાઈન્સે રસ દર્શાવ્યો છે. એર ઈન્ડિયાના સીએમડી અશ્વિની લોહાનીએ બે દિવસ પહેલાં એસબીઆઈના ચેરમેન રજનીશકુમારને 5 મોટાં વિમાન લીઝ પર લેવા અંગે લખ્યું હતું.


બેન્કોનો ખુલાસો - જેટ મેનેજમેન્ટના વિલંબથી સ્થિતિ કથળી: બેન્કિંગ સૂત્રોનું કહેવું છે કે જેટની વર્તમાન સ્થિતિ માટે બેન્કોને જવાબદાર ન ઠેરવવી જોઈએ. બેન્ક અધિકારી નવ મહિનાથી જેટના મેનેજમેન્ટ સાથે વાતચીત કરતા હતા અને તેમની પાસે નક્કર પ્લાન માગતા હતા. દુર્ભાગ્યવશ પ્રમોટર નરેશ ગોયલ અને મેનેજમેન્ટે નિર્ણય લેવામાં ઘણો વિલંબ કર્યો.

આ કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ગોયલે 25 માર્ચે ચેરમેન અને બોર્ડમાંથી રાજીનામું આપી દીધું, પરંતુ ભાગીદારી વેચવાની સમજૂતી પર એપ્રિલના બીજા સપ્તાહમાં હસ્તાક્ષર કર્યા. ત્યાં સુધીમાં મોટા ભાગનાં ઉડ્ડયન બંધ થઈ ગયાં હતાં. ગોયલના રાજીનામા પછી પણ બોર્ડનું માળખું બદલાયું નહીં.

સ્પાઈસ જેટે જેટ એરવેઝના 500થી વધુ પાઈલટ અને કેબિન ક્રૂને નોકરી આપી: જેટ એરવેઝ હાલના તબક્કે બંધ થઈ ચૂકી છે. તેવી સ્થિતિમાં તેની હરીફ કંપની સ્પાઈસ જેટે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે જેટ એરવેઝના પાઈલટ, કેબિન ક્રૂ, ટેકનિકલ સ્ટાફ અને એરપોર્ટ સ્ટાફની લગભગ 500થી વધુ ભરતી કરી છે.

અત્યાર સુધીમાં 100થી વધુ પાઈલટ, 200થી વધુ કેબિન ક્રૂ અને 200થી વધુ ટેકનિકલ અને એરપોર્ટ સ્ટાફને લેવામાં આવ્યા છે. સ્પાઈસ જેટે તેના વિમાની સંખ્યા પણ વધારી રહ્યું છે. આ ઉપરાંત નવા રૂટ પણ શરૂ કરવા માગે છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી