નાણાકીય વર્ષ 2018-19માં ભારતીય અગરબત્તી ઉદ્યોગમાં 8થી 10 ટકાની વૃદ્ધિ જોવા મળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિતના રાજયોના ગ્રાહકોમાં મહતમ માંગ 
  • હાલ ઉપભોક્તાઓ અગરબત્તી માટે એક્વા, લવેન્ડર, અવધ જેવી અપીલ ધરાવતી સુંગધ તરફ વધારે વળ્યાં 
અમદાવાદઃ ભારતીય જીવનશૈલીની અને સંસ્કૃતિની શરૂઆતથી અગરબત્તી એનું અભિન્ન અંગ છે. અગરબત્તી હવે પૂજાપાઠ કરવા ઉપરાંત વિશેષ ઉપયોગ માટેની કેટેગરી બની ગઈ છે, જેને ભારતની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં એક અલગ કેટેગરી તરીકેનું પ્રોત્સાહન મળી રહ્યું છે. ગત નાણાકીય વર્ષમાં અગરબત્તી ઉદ્યોગમાં સ્થાનિક બજારમાં 8થી 10 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશ સહિતના રાજયોના ગ્રાહકોમાં તેની મહતમ માંગ છે. 

1) એક વર્ષમાં ભારતીય અગરબત્તી ઉદ્યોગે પ્રમાણમાં સારી વૃદ્ધિ કરી

AIAMAનાં પ્રેસિડન્ટ શ્રી સરત બાબુએ વૃદ્ધિ વિશે જણાવ્યું હતું કે, છેલ્લાં એક વર્ષમાં અમારી અપેક્ષા મુજબ ભારતીય અગરબત્તી ઉદ્યોગે પ્રમાણમાં સારી વૃદ્ધિ કરી છે. છેલ્લાં બજેટ દરમિયાન કરવેરાની જોગવાઈઓ અને જાહેરાતોથી આ સેગમેન્ટમાં પ્રવેશ કરવા ઘણી નવી કંપનીઓને પ્રોત્સાહન મળ્યું છે. શરૂઆતમાં ઉત્પાદન કર્ણાટક અને ગુજરાત જેવા રાજ્યોમાં કેન્દ્રિત હતું, પણ હવે દેશનાં તમામ વિસ્તારોમાં ઉત્પાદન થઈ રહ્યું છે. 

ભારતમાં ઉદ્યોગની વૃદ્ધિ ઉપભોક્તાની બદલાતી માગ દ્વારા સંચાલિત છે. હાલ ઉપભોક્તાઓ અગરબત્તી માટે એક્વા, લવેન્ડર, અવધ જેવી અપીલ ધરાવતી સુંગધ તરફ વધારે વળ્યાં છે. ધ્યાન અને રૂમ ફ્રેશનર જેવા જીવનશૈલીનાં કાર્યો માટે અગરબત્તીનાં ઉપયોગમાં વધારો થવાથી પ્રીમિયમ ઉત્પાદનો માટેની માગમાં વધારો થયો છે, જેનો ટ્રેન્ડ ઘણાં વર્ષોથી આંતરરાષ્ટ્રીય બજારોમાં જોવા મળે છે.

સરત બાબુએ ઉમેર્યું હતું કે ચાલુ વર્ષે ભારતનાં મુખ્ય તહેવારોમાં સૌથી મોટાં આકર્ષણોમાં એક કુંભ મેળો છે, જેમાં 20 કરોડ મુલાકાતીઓ સામેલ થયાં હતાં. પરિણામે ઉત્તરપ્રદેશમાં સ્થાનિક અગરબત્તી ઉદ્યોગમાં વૃદ્ધિ જોવા મળી છે. ધાર્મિક મેળાઓ અમારાં ઉદ્યોગને વેગ આપવા માટે અતિ જરૂરી છે અને કેટેગરીની સંપૂર્ણ વૃદ્ધિ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે અમે ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉદ્યોગની વૃદ્ધિ માટે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે અમારો આગામી મુખ્ય એજન્ડા ઉદ્યોગમાં પ્રમાણભૂત પ્રક્રિયા સ્થાપિત કરવાનો છે, જેનાથી ઉત્પાદનોની ગુણવત્તા પરિભાષિત કરવામાં મદદ મળશે. અમે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સાથે કામ કરીએ છીએ અને આગામી નાણાકીય વર્ષ સુધીમાં સ્ટાન્ડર્ડાઇઝેશનને અંતિમ ઓપ મળવાની અને જાહેરાત થવાની આશા છે.

ઉપરાંત નવી નાની કંપનીઓનાં વધારા સાથે અગરબત્તી ઉદ્યોગમાં છેલ્લાં એક વર્ષમાં અંદાજે એક લાખથી વધારે અને એમાં પણ ખાસ કરીને મહિલાઓને રોજગારી મળી છે. વ્યાવસાયિક વાતાવરણ વધારે સાનુકૂળ થવાની સાથે અમને ઉદ્યોગમાં આગામી 2થી 3 વર્ષમાં ભારતમાં 10 ટકાનાં દરે વૃદ્ધિ થવાની અપેક્ષા છે.

અન્ય સમાચારો પણ છે...