ઈબી-5 વિઝા / ગ્રીનકાર્ડ મેળવવા ગુજરાતના 230 જેટલા બિલ્ડર્સ અમેરિકામાં 800 કરોડથી વધુ રોકશે

Gujarati builders will invest about Rs 800 crore in US to get green card under EB-5 category
X
Gujarati builders will invest about Rs 800 crore in US to get green card under EB-5 category

  • ઈબી-5 વિઝા હેઠળ 5 લાખ ડોલરનું અમેરિકામાં રોકાણ કરવાથી પરિવારને સીધું જ ગ્રીનકાર્ડ મળી જાય છે
  • 2018માં ભારતમાંથી 585 અરજી થઈ, તેમાંથી 50% એટલે કે 290 જેટલી અરજી ગુજરાતમાંથી થઈ છે
  • ગુજરાતની અરજીમાં  70% આસપાસ એટલે કે લગભગ 230 જેટલી બિલ્ડર્સ પરિવારમાંથી  છે

divyabhaskar.com

Mar 23, 2019, 11:11 AM IST

વિમુક્ત દવે, શૈલેન્દ્ર વાઘેલા(અમદાવાદ). અમેરિકાની ઈબી-5 વિઝા કેટેગરીમાં પરિવારને સીધુ ગ્રીનકાર્ડ મળી જતું હોવાથી આ વિઝા લઈ અમેરિકા જવાનો ક્રેઝ ગુજરાતીઓમાં વધ્યો છે, તેમાં પણ રિયલ એસ્ટેટ માર્કેટમાં અમેરિકામાં સારું વળતર મળી રહેતું હોવાથી બિલ્ડર્સ લોબી ત્યાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધુને વધુ મૂડીરોકાણ કરી રહી છે. પ્રમાણમાં ઓછી જાણીતી ઈબી-5 કેટેગરી હેઠળ જો કોઈ વ્યક્તિ અમેરિકામાં 5 લાખ ડોલર (અંદાજે સાડા ત્રણથી પોણા ચાર કરોડ રૂપિયા)નું રોકાણ કરે તો તેને અને તેના પરિવાર (પતિ-પત્ની અને સગીર બાળકો)ને ગ્રીનકાર્ડ મળી જાય છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના આંકડા મુજબ 2017માં ભારતમાંથી 174 લોકોએ ઈબી-5 હેઠળ અરજી કરી હતી, જેની સામે 2018માં 585 લોકોએ અરજી કરી છે. એટલે કે  એક જ વર્ષમાં 236 ટકા જેટલો વધારો થયો છે. વિઝા કન્સલ્ટન્ટ ઈંગિત મોદીએ જણાવ્યાનુસાર આ કેટેગરીમાં સમગ્ર ભારતમાંથી જે અરજી થાય છે તેમાં 50 ટકાથી વધુ અરજી ગુજરાતીઓની હોય છે, તેમાંય 70% બિલ્ડર્સ પરિવાર હોય છે. એ રીતે જોઈએ તો 2018માં અંદાજે 290 જેટલા ગુજરાતી પરિવારોએ આ કેટેગરીમાં અરજી કરી છે અને આમાંથી લગભગ 230 જેટલી અરજી બિલ્ડર્સ લોબીમાંથી થઈ હોવાનું અનુમાન છે. એ હિસાબે ગ્રીનકાર્ડ મેળવવા ગુજરાતના બિલ્ડર્સ 800 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ આગામી દોઢ-બે વર્ષના ગાળામાં અમેરિકામાં કરશે.

ગુજરાતીઓમાં શા માટે વધ્યો આ વિઝાનો ક્રેઝ?

ઈબી-5 વિઝા મેળવીને અમેરિકા વસવાટ કરવાનું કારણ જણાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વિઝા કન્સલ્ટન્ટ ઇંગિત મોદી કહે છે કે, નીઓ-રીચ ફૅમિલી અને ઉદ્યોગ જગતમાં આવનારી સેકન્ડ જનરેશન ભારતની બહાર રહેવાનુ વધુ પસંદ કરે છે. તેનું સૌથી મોટું કારણ છે સારી જીવનશૈલી. ભારતમાં રૂપિયા ખર્ચવા છતાં પણ અમેરિકા જેવી સારી લાઇફસ્ટાઇલ મળતી નથી. આ સિવાય બાળકોનો અભ્યાસ અને વ્યવસાયમાં ઉચ્ચ ધોરણો અહીં કરતાં અમેરિકામાં ઘણા સારા છે. તેના કારણે જ લોકો ત્યાં સ્થાયી થઈ રહ્યા છે. પાછલા 10 વર્ષના આંકડા જોઈએ તો, 2008થી લઈ ને 2018 સુધીમાં 1,470 ભારતીય રોકાણકારોએ અને તેમના પરિવારો ઇબી-5 વિઝા મેળવીને અમેરિકામાં સ્થાયી થયા છે. આ ટ્રેન્ડ ખાસ તો 2015 પછી વધ્યો છે. તે અગાઉ આ કેટેગરીમાં 100 કરતાં પણ ઓછી અરજીઓ થતી હતી.
2. શા માટે બિલ્ડર્સ લોકો વધુ જાય છે?
બિલ્ડર ફૅમિલીની આ વિઝા કેટેગરીમાં વધારે અરજીઓ આવે છે તે અંગે મુંબઈના એડવોકેટ સુધીર શાહ જણાવે છે કે, ભારતના પ્રમાણમાં અમેરિકામાં જમીનની ઉપલબ્ધતા વધુ છે. અહીના બિલ્ડર્સ ત્યાં હોટેલ્સ, મોટેલ્સ અને માળખાગત પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે. આ ઉપરાંત અન્ય ઉદ્યોગોની સરખામણીએ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો પાસે રૂપિયા વધુ છે. આથી જ તેમના માટે 5 લાખ ડોલર કે તેનાથી વધારેનું રોકાણ કરવું સહેલું છે.
3. અમેરિકામાં રિયલ એસ્ટેટ બિઝનેસમાં ભ્રષ્ટાચાર નથી
પાછલી પાંચ પેઢીથી સુરતમાં આયાત-નિકાસ, જરી, હીરા, ટેક્સટાઇલ અને રિયલ એસ્ટેટ ઉદ્યોગ સાથે સંકળાયેલા દોરીવાલા પરિવારના 48 વર્ષીય પ્રશાંત દોરીવાલા ઇબી-5 વિઝા હેઠળ ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં સ્થાયી થયા છે. તેમણે ત્યાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને ઇ-કોમર્સનો બિઝનેસ શરુ કર્યો છે. પ્રશાંત દોરીવાલા જણાવે છે કે, અહી રિયલ એસ્ટેટને લગતી નીતિઓ વધુ પારદર્શક, સ્પષ્ટ, સરળ અને ઝડપી છે. સૌથી મોટી વાત એ છે કે અહી ભ્રષ્ટાચાર નથી જેની ભારતમાં કલ્પના કરવી મુશ્કેલ છે. અહી તમને દરેક સ્તરે ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો અનુભવ થશે જે ભારતે હજુ શીખવાનું છે.
4. 40% રોકાણ રિયલ એસ્ટેટ સેક્ટરમાં થાય છે
યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS)ના પ્રવકતાએ જણાવ્યુ કે, ઇબી-5 પ્રોગ્રામ હેઠળ રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણની અરજીઓ સૌથી વધુ આવે છે. રિયલ એસ્ટેટ મિક્સ્ડમાં 40% અરજીઓ આવે છે, તેમાંથી હોટેલ રિસોર્ટ્સને લગતા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે 27% અરજીઓ ઓથોરિટીને મળે છે. આ ઉપરાંત રહેણાક અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ માટે પણ 7-7% એપ્લિકેશન્સ મળે છે. આના સિવાય, માળખાગત સુવિધાઓ, પરિવહન, મેડિકલ સુવિધાઓ, સ્કૂલ્સ અને એજ્યુકેશન, ઉર્જા તથા રેસ્ટોરન્ટ બિઝનેસ માટે 1-5% સુધીની અરજીઓ અમેરિકન સરકારને મળે છે.
5. ગુજરાતી બિલ્ડર્સ દોઢ-બે વર્ષમાં અમેરિકામાં 800 કરોડનું રોકાણ કરશે
એક અંદાજ મુજબ 2018માં 230 જેટલા ગુજરાતના બિલ્ડર્સે ઈબી-5 વિઝા માટે અરજી કરી છે. એક અરજદારે 5 લાખ ડોલર એટલે કે અંદાજે 3.50 કરોડ રૂપિયાનું રોકાણ અમેરિકામાં કરવાનું હોય છે. એ હિસાબે આગામી દોઢ-બે વર્ષના ગાળામાં ગુજરાતી બિલ્ડર્સ લોબી 800 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ અમેરિકાના રિયલ એસ્ટેટ સેક્ટરમાંં કરશે.
6. અત્યાર સુધી કુલ 742 મિલિયન ડોલરનું રોકાણ થયું
ઇન્વેસ્ટ ઇન યુએસએ (આઇઆઇયુએસએ)ના રિપોર્ટ મુજબ ઇબી-5 પ્રોગ્રામની શરૂઆતથી અત્યાર સુધીમાં 1860 ભારતીય રોકાણકારોએ અમેરિકામાં અંદાજે 742 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આઇઆઇયુએસએનું અનુમાન છે કે, નાણાકીય વર્ષ 2017 એકલમાં જ ભારતમાંથી અંદાજે 235 મિલિયન ડોલરનું રોકાણ થયું છે જે અગાઉના વર્ષ કરતાં 66% વધુ છે.
7. ઈબી-5 પ્રોગ્રામ શું છે?
એમ્પ્લોયમેન્ટ બેઝડ ફીફ્થ પ્રેફરન્સ કેટેગરી ઓફ ઇમિગ્રન્ટ વિઝા જે ઇબી-5 તરીકે ઓળખાય છે. એની હેઠળ જો કોઈ પરદેશી અમેરિકાના નવા ધંધામાં પાંચ વર્ષ માટે 5 લાખ ડોલર (અંદાજે રૂ. 3.50થી 3.75 કરોડ)નું રોકાણ કરે અને એ ધંધામાં એટલાજ સમય માટે 10 અમેરિકનોને ફૂલ ટાઈમ નોકરીમાં રાખે અને ધંધો જાતે કરે અથવા એ ચલાવવા મુખ્ય ભાગ લે તો અરજદાર અને એની સાથેસાથે એની પત્ની  કે પતિ અને એકવીસ વર્ષની વયની નીચેના અવિવાહિત સંતાનોને પણ ઇમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. એ મેળવીને અમેરિકામાં પ્રવેશ્યા બાદ એમને બે વર્ષ માટેના કન્ડિશનલ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. 21 મહિના બાદ અરજી કરીને એ ગ્રીનકાર્ડની સમયમર્યાદા કાયમની મેળવી શકાય છે. એ માટે અરજદારે દર્શાવવાનું રહે છે કે એણે કરેલું રોકાણ પાછું ખેંચી નથી લીધું અને એણે શરૂ કરેલા નવા ધંધામાં 10 અમેરિકનોને ફૂલ ટાઇમ નોકરીમાં રાખ્યા છે.
8. ઈબી-5નો ક્વોટા
ઇબી-5 કેટેગરીમાં અમેરિકા દર વર્ષે 10 હજાર એપ્લિકેશન્સ ઓપન કરે છે. દરેક દેશ માટે તેમાં ક્વોટા રાખેલા છે. ભારત માટે 7%નો ક્વોટા રાખવામાં આવ્યો છે એટલે કે 700 અરજીઓ દેશમાંથી થઈ શકે છે પરંતુ હજુ સુધી આ લિમિટ સુધીની અરજીઓ ક્યારેય થઈ નથી. 2018માં અગાઉ કરતાં સૌથી વધુ 585 અરજી આ કેટેગરી હેઠળ ભારતીયોએ કરી છે.
9. આ કેટેગરી 1990માં ઓપન થઈ હતી
અમેરિકન સરકારે સ્થાનિક સ્તરે રોકાણ આવે અને રોજગારી ઊભી થાય તે માટે 1990માં ઇબી-5 પ્રોગ્રામની શરૂઆત કરી હતી. પરદેશીઓ ઈબી-5 વિઝા લેતા ખચકાતા હતા કારણ કે અજાણ્યા દેશમાં એક યા અડધા મિલિયન ડોલરનું રોકાણ કયા ધંધામાં કરવું એની એમને સૂઝ પડતી ન હતી. આ સિવાય પછાત એરિયામાં રોકાણ કરે તો ત્યાં નવા ધંધામાં 10 માણસોને ફૂલ ટાઇમ નોકરીએ રાખવું પોષાતું ન હતું. આથી ઈબી-5 વિઝાના વાર્ષિક 10 હજારના ક્વોટા વણવપરાયેલા રહેતા હતા. આ ક્વોટાનો સૌથી વધુ ઉપયોગ ચીન અને સાઉથ કોરિયા કરે છે. એટલે કે સૌથી વધુ અરજીઓ આ બે દેશમાંથી આવે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી